Ahmedabad: પત્નીએ ગૃહકંકાસથી કંટાળી 6 વર્ષની માસૂમ દીકરી સાથે તળાવમાં પડતુ મુકી કરી આત્મહત્યા
Ahmedabad: અમદાવાદમાં ગૃહકંકાસથી કંટાળીએ 28 વર્ષીય પરિણીતાએ તેની દીકરી સાથે આત્મહત્યા કરી લીધી છે. પતિના મેણા ટોણા અને ત્રાસથી કંટાળી જીવન ટૂંકાવ્યુ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. પોતાની સાડી સાથે દીકરીની બાંધી દઈ પરિણીતાએ તળાવમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે.
અમદાવાદ (Ahmedabad)માં ઘરકંકાસે બે માસુમનો ભોગ લીધો છે. 28 વર્ષીય પરિણીતાને પતિના ત્રાસથી કંટાળી 6 વર્ષની દીકરી સાથે તળાવમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. પોલીસે પતિ સામે આત્મહત્યા (Suicide) માટે દૂષપ્રેરણાનો ગુનો નોંધી ધરપકડની તજવીજ શરૂ કરી છે. સમગ્ર ઘટનાની વિગત અનુસાર નરોડા વિસ્તારમાં આવેલા કારિયા લેકમાં 28 વર્ષીય મહિલાએ 6 વર્ષની દીકરી સાથે મોતની છલાંગ લગાવી હતી. નરોડા પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે આપઘાત કરનાર મહિલાનું નામ ભારતીબેન ગોરધનભાઈ મોદી છે અને તેની સાથે 6 વર્ષની દીકરી જિયા છે.
આપઘાત કરનાર મહિલા કૃષ્ણનગર વિસ્તારમાં શાયોના બંગ્લોઝમાં પતિ સાથે રહે છે. ભારતીબેને ઘરેથી શાકભાજી લેવા માટે જવાનું કહીને નીકળ્યા હતા અને કારિયા લેકમાં કુદીને જીવન ટુંકાવ્યું હતું. જે મામલે પોલીસે તપાસ કરતા પતિનો ત્રાસ હોવાથી પરિણીતાએ દીકરી સાથે આપઘાત કરતા ગુનો (Crime) નોંધાયો છે.
પરિણીતાના પિતાએ જમાઈ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની નોંધાવી ફરિયાદ
પરિણીતાના પિતાએ જમાઈ સામે આત્મહત્યા દૂષપ્રેરણની ફરિયાદ નોંધાવી હતી. જેમાં થોડા સમય પહેલા જમાઈ ગોરધન મોદીએ તેઓની દીકરી ભારતીને તું મને ગમતી નથી, તું બીમાર રહે છે તારી દવાના પૈસા ક્યાંથી લાવવાના. તારા માતા પિતાએ કઈ આપ્યું નથી તેમ કહીને ટોણા મારતો હતો. જે મામલે તેઓએ સમાધાન કરાવ્યું હતું. જોકે થોડા દિવસ પહેલા દીકરીએ પતિ દ્વારા ફરી વાર તે જ બાબતોને લઈને હેરાન કરવામાં આવતી હોવાની કહીને દિવાળીએ ઘરે આવીને વાત કરવાનું કહ્યું હતું. જોકે 25મી સપ્ટેમ્બરે દીકરીના જેઠે ફોન કરીને દીકરી અને તેની 6 વર્ષની બાળકીએ આપઘાત કર્યો હોવાની જાણ કરતા તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. જે મામલે તેઓએ નરોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
આ મામલે પોલીસે આપઘાત કરનાર ભારતીબેન મોદી સામે દીકરીની હત્યાનો ગુનો દાખલ કર્યો છે. તેઓએ 6 વર્ષની દીકરીને સાડીથી પોતાની સાથે બાંધીને નદીમાં કૂદીને આપઘાત કર્યો હોવાથી દીકરીની હત્યા કરવા મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હાલ તો આ મામલે પોલીસે પરિણીતાના પતિ સામે પુરાવાઓ એકત્ર કરી ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે, ત્યારે તેની ધરપકડ બાદ પૂછપરછમાં માતા દીકરીના આપઘાત પાછળના ક્યાં કારણો સામે આવે છે તે જોવું રહ્યું.