Ahmedabad: મહિલાનુ અપહરણ કરી દુષ્કર્મ ગુજારનારા આરોપી 11 વર્ષે ઝડપાયો, ક્રાઈમ બ્રાન્ચે હિંમતનગરથી ઉઠાવ્યો
એક મહિલાને મોઢા પર રૂમાલ બાંધી તેનું અપહરણ ત્રણ શખ્શોએ કર્યુ હતુ, બાદમાં એક શખ્શે તેની પર બળાત્કાર ગુજર્યો હતો. 11 વર્ષ પહેલા અમદાવાદના રામોલમાં નોંધાયેલી ફરિયાદ બાદથી આરોપી ફરાર હતો જે પોલીસને હવે હાથ લાગ્યો છે.
અમદાવાદ શહેરના રામોલ પોલીસ મથકમાં અપહરણ અને બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી. જેનો આરોપી 11 વર્ષ બાદ પોલીસે પકડી પાડ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા નિકોડા ગામ પાસેથી આરોપીની ધરપકડ કરીને જેલને હવાલે કર્યો છે. ઘટનામાં ત્રણ આરોપીઓ સામેલ હતા, હવે પોલીસે વધુ બે આરોપીઓની શોધખોળ શરુ કરી છે.
એક એવો કિસ્સો કે જેમાં ફરિયાદી મહિલા અને તેના પરિવારે પોતાની સાથે ન્યાય થવાની આશા મૂકી દીધી હતી પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને એક દશક બાદ અપહરણ અને બળાત્કારના આરોપીને ઝડપવામાં સફળતા મળી છે. કહી શકાય કે, પોલીસના હાથે 11 વર્ષે મહિલાને ન્યાય અપાવવા રુપ કાર્ય કરીને આરોપીને જેલના સળીયા પાછળ મોકલ્યો છે.
રુમમાં પુરી દુષ્કર્મ આચર્યુ
વાત જાણે એમ છે કે અમદાવાદના રામોલ વિસ્તારમાં સીટીએમ વિસ્તારના એક પાર્ટી પ્લોટમાં શ્રમિક પરિવાર કામ કરતો હત. આ પરિવાર ત્યાં જ રહેતો અને ત્યાં જ મજૂરી કામ કરતુ હતુ અને પેટીયુ રળતુ હતુ. નજીકમાં રહેલા એક લોખંડના સળિયાનાં ગોડાઉનમાં વર્ષ 2007 થી મુખરામ ઉર્ફે મુખિયા ગુર્જર ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. મુખરામ ગુર્જર પણ ત્યાં જ રહેતો હતો. આ દરમ્યાન તેનો ભાઈ પણ ત્યાં કામ કરવા માટે આવતો હતો. વર્ષ 2012 ના માર્ચ મહિનાની 2જી તારીખે રાતના સમયે પાર્ટી પ્લોટમાં રહેતી મહિલા બહારના ભાગે સૂતી હતી એ વખતે તેનુ અપહરણ કરીને દુષ્કર્મ આરોપીએ આચર્યુ હતુ.
રાત્રીના સમયે મુખારામ ઉર્ફે મુખિયા ગુર્જર, તેનો ભાઈ અને અન્ય એક વ્યક્તિએ મહિલાનું મોઢું રૂમાલ થી બાંધી તેને ઉપાડી લઈ જઈ પાર્ટી પ્લોટની અંદર આવેલા એક રૂમમાં લઈ ગયા હતા. જ્યાં આરોપી મુખારામ દ્વારા મહિલાની મરજી વિરુદ્ધ તેની સાથે શરીર સબંધ બાંધ્યા હતા. જે દરમ્યાન મહિલાનો પતિ ત્યાં આવી જતા ત્રણેય આરોપીઓ ત્યાંથી નાસી છૂટયા હતા. જે બાદ મહિલાના પતિએ ત્રણેય વિરૂદ્ધ રામોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ થતા વતન ભાગી છૂટ્યા
પોતાના ઉપર થયેલી ફરિયાદની જાણ આરોપીઓને થતાં ત્રણેય આરોપી પોતાના વતન નાસી છૂટયા હતા. આરોપીઓ પોતાના વતન ભાગી ગયા બાદ ટ્રક ડ્રાઇવર તરીકેની નોકરી કરવા લાગ્યા હતા. જેથી અલગ અલગ રાજ્યોમાં રહી પોલીસની નજરથી બચતા રહ્યા હતા. પરંતુ પાપ છાપરે ચઢીને પોકારે એમ મુખરામ ફરી હિંમતનગરના નિકોડા આવી પહોંચ્યો હતો. જ્યાં હોવાની માહિતી મળતા જ પોલીસે તેને ઝડપી લીધો હતો.
ક્રાઈમ બ્રાન્ચને મળેલી માહિતી મુજબ મુખ્ય આરોપી મુખારામની નિકોડાથી ધરપકડ કરવામાં આવી છે. આમ 11 વર્ષ જૂનો આ અપહરણ તેમજ બળાત્કારનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. હાલ પોલીસે મુખ્ય આરોપી મુખારામની ધરપકડ કર્યા બાદ તેના ભાઈ અને અન્ય વ્યક્તિ જે સમગ્ર કેસમાં સામેલ હતો તેની શોધખોળ હાથ ધરી છે.