Ahmedabad : ડ્રગ્સની તસ્કરીમાં નાના બાળકોનો કરાય છે ઉપયોગ, ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલી એફિડેવિટમાં કરાયો સ્વીકાર
Ahmedabad: ગુજરાત રાજ્યમાં પ્રતિબંધિત ડ્રગ્સની હેરાફેરી મામલે બાળકોના ઉપયોગ મામલે સમાચાર પત્રોમાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા સુઓમોટો દાખલ કરવામાં આવી હતી અને રાજ્ય સરકાર પાસે જવાબ માગવામાં આવ્યો હતો. આ મામલે સ્પેશ્યિલ ઓપરેશન ગૃપ દ્વારા સોગંદનામુ રજૂ કરવામાં આવ્યુ.
ગુજરાત રાજ્યમાં પ્રતિબંધિત ડ્રગ્સની હેરાફેરી મામલે બાળકોના ઉપયોગ મામલે સમાચાર પત્રોમાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ ગુજરાત હાઇકોર્ટ દ્વારા સુઓમોટો દાખલ કરવામાં આવી હતી. જેમા રાજ્ય સરકાર તથા ગૃહ વિભાગને આ કેસને લગતી વિગતોને લઈ જવાબ રજૂ કરવા માટે સમય આપવામાં આવ્યો હતો. જે મામલે આજે ગુજરાત હાઇકોર્ટમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે SOG દ્વારા સોગંદનામુ રજૂ કરવામાં આવ્યું. આ સોગંદનામામાં અમદાવાદ ઉપરાંત રાજ્યભરમાં કરાયેલી કામગીરીનો વિસ્તૃત અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો.
SOGએ હાઇકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં સ્વીકાર્યું કે રાજ્યમાં આ પ્રકારનું કાર્ય થયું છે જે મામલે પોલીસે કાર્યવાહી કરી અને FIR નોંધ્યા બાદ આરોપીની ધરપકડ કરી છે. આ ઉપરાંત સંદિગ્ધ વિસ્તારોમાં હજુ પણ આગામી સમયમાં સઘન ચેકીંગ હાથ ધરાશે તે પ્રકારની રજૂઆત પણ કરવામાં આવી. NDPS એક્ટ હેઠળ 20 જુવેનાઇલ સામે 18 જેટલા કેસ નોંધાયા છે. જેમાં આવા બાળકોના પુનર્વસન માટે પણ રાજ્ય સરકાર યોગ્ય પગલા લઈ રહી હોવાનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરાયો.
આ ઉપરાંત રાજ્ય સરકારે કોર્ટમાં માહિતી મૂકી કે વર્ષ 2020 થી 2022 ની વચ્ચે NDPS એક્ટના કુલ 177 કેસ કર્યા અને 251 આરોપીઓને ઝડપી પાડ્યા. જેમાં પાંચ જેટલા જુવેનાઇલ આરોપી હોવાનો પણ રાજ્ય સરકારે રિપોર્ટમાં કર્યો ખુલાસો. આ ઉપરાંત શાળા કોલેજની આસપાસ તમાકુ અને ડ્રગ્સનું દુષણ ડામવા માટે નિયમિત ચેકિંગ હાથ ધરાતું હોવાની સરકારે કોર્ટમાં રજૂઆત કરી. જેમાં શાળા કોલેજની આસપાસમાં તમાકુ અને અન્ય પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ માટેની ડ્રાઇવમાં 2609 જેટલા ગુનાઓ નોંધાયા અને ₹3,92,000 ની પેનલ્ટી કરાઈ.
અમદાવાદ શહેરમાં ઈ સિગરેટ અંગેના ચાર ગુનાઓ નોંધાયા. જે પૈકી 3266 જેટલી ઇ સિગરેટ જપ્ત કરાઈ. મામલાની ગંભીરતા ને જોતા ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને હજુ પણ કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા. આ અંગે આગામી સુનવણી 16 જૂનના રોજ હાથ ધરવામાં આવશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…