અમદાવાદમાં છેલ્લા 12 કલાકથી અનરાધાર વરસાદ વરસ્યો. એક તરફ જન્માષ્ટમીની રજાનો દિવસ અને ઉપરથી આસમાની આફત લોકો માટે મુશ્કેલીઓનો પહાડ લઈને આવી. રજાના મૂડમાં રહેલા શહેરીજનોની રજાના રંગમાં વરસાદે તો ભંગ ભાડ્યો પરંતુ વરસાદને કારણે અને એએમસીની નબળી કામગીરીના પાપે શહેરીજનોને પારાવાર હાલાકી વેઠવાનો વારો આવ્યો. શહેરના દરેક વિસ્તારોમાં પુષ્કળ પાણી ભરાવાની ઠેર ઠેરથી ફરિયાદો ઉઠી. બે ડઝનથી વધુ રસ્તાઓ જળમગ્ન બન્યા જેમા શહેરના પોશ ગણાતા, એસજી હાઈવે, જોધપુર, પ્રહલાદનગર, આનંદનગર અને સિંધુભવન રોડ સહિતનાનો સમાવેશ થાય છે.
દરેક માર્ગો પર ઘૂંટણ સુધીના પાણી ભરેલા હોવાથી સેંકડો વાહનચાલકોના વાહનોના એન્જિન બંધ પડી ગયા અને પૈડા થંભી ગયા. લોકોએ ધક્કા મારવાની નોબત આવી. ફરી એકવાર અમ્યુકો.ના અણઘડ આયોજનના કારણે શહેરીજનો શહેરના પોશ વિસ્તારોમાંથી પણ પાણીની નદીઓ પાર કરવા મજબુર બન્યા છે. દર વર્ષે અમદાવાદ શહેરમાં વરસતા થોડા વરસાદમાં જ AMCની પ્રિમોન્સુન કામગીરીના પ્લાનના ધજાગરા ઉડતા જોવા મળે છે. જેનુ આજે ફરી પૂનરાવર્તન થયુ. ફર્ક એટલો જ દેખાયો કે આજે આ મુશ્કેલીએ મોટુ સ્વરૂપ લીધુ, પાણી વધુ માત્રામાં ભરાયેલા હોવાથી લોકોને વધુ મોટી મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.
અનેક વિસ્તારોમાં વરસાદી પાણીની સાથે ગટરો બેક મારવાની પણ ફરિયાદો આવી. માર્ગો પર ગટરના પાણી પણ ફરી વળ્યા. કર્ણાવતી ક્લબથી એસજી હાઈવેને જોડતો સમગ્ર રોડ જાણે બેટમાં ફેરવાયો હોય તેવી સ્થિતિ નિર્માણ પામી. જેના કારણે પૂરના પાણીમાં લોકો કલાકો સુધી અટવાયા હતા. અનેક વાહનો બંધ પડી જતા ટ્ર્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી. દર વર્ષે તંત્ર દ્વારા સ્ટ્રોમ વોટર ડ્રેનેજની નક્કર કામગીરી ન થતા લોકો આ જ પ્રકારે હેરાનગતિ વેઠવા મજબુર બને છે. થોડા દિવસ પહેલા IIM બ્રિજ પાસે વરસાદી પાણી ભરાતા બોટ દ્વારા લોકોને બહાર કઢાયા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જો કે આ વીડિયો અંગે અમ્યુકો.ના સત્તાધિશો કોઈ સ્પષ્ટતા કરી શક્યા ન હતા.
દર ચોમાસે શહેરમાં એટલી હદે વરસાદી પાણીનો ભરાવો થાય છે કે બોટ લઈને નીકળવુ પડે તેવી જ સ્થિતિ નિર્માણ પામે છે. દર વર્ષે મોટા દાવા કરતી કોર્પોરેશનના સત્તાધિશો 110 પોઈન્ટ પર ડ્રેનેજની કામગીરી કરી દેવાઈ હોવાનો વધુ એક ખોખલો દાવો કર્યો અને આ વરસાદે એ દાવાના પણ ધજાગરા ઉડાડી નાખ્યા. જે સાબિતી પૂરે છે AMCમાં 20 વર્ષથી સત્તામાં રહેલા ભાજપના સત્તાધિશોનો કેટલી હદે ભ્રષ્ટ વહીવટ છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો