Ahmedabad: અમદાવાદના 8 બિલ્ડરો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવનારો રાકેશ શાહ જ ‘ઠગ’ નિકળ્યો! પોલીસે કરી ધરપકડ
આનંદનગર પોલીસ સ્ટેશનમાં 8 બિલ્ડર સામે એક શખ્શે ફરિયાદ નોંધાવી હતી. 48 કરોડ રુપિયાથી વધારેની રકમ માંગતો હોવાના આક્ષેપ કર્યા હતા. જોકે હવે મામલો જ્યારે તપાસમાં આગળ વધ્યો તો ખ્યાલ આવ્યો કે ફરિયાદ જ ખુદ આરોપી છે.
અમદાવાદ શહેરમાં મોટા કારોબારી હોવાની આભા રચીને છેતરપિંડી આચરનારા ઠગોની કોઈ કમી નથી. ષડયંત્ર પુર્વકની ઠગાઈ આચરનારા શખ્શો ઉલ્ટાનુ હવે ધંધાદારીઓને પણ જેલનો ડર બતાવી રહ્યા હોય એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અમદાવાદમાં આનંદનગર પોલીસ સ્ટેશનમાં 8 બિલ્ડર સામે એક શખ્શે ફરિયાદ નોંધાવી હતી. 48 કરોડ રુપિયાથી વધારેની રકમ માંગતો હોવાના આક્ષેપ કર્યા હતા. જોકે હવે મામલો જ્યારે તપાસમાં આગળ વધ્યો તો ખ્યાલ આવ્યો કે ફરિયાદ જ ખુદ આરોપી છે.
ચુનો લગાવનારાઓ ખુદ જ પોલીસ ફરિયાદ કરવા પહોંચી જઈને પોતાની સાથે જ છેતરપિંડી આચરાઈ હોવાના આંસુ સારતા હોય છે. આવા અનેક દાખલા જોવા મળતા હોય છે. આવી જ રીતે અમદાવાદના આનંદનગરમાં કરોડોની રકમને લઈ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે તપાસ પણ શરુ કરી હતી અને એક સાગમટે શહેરના 8 બિલ્ડરોએ ધરપકડને ટાળવા માટે દોડતા થઈ જવુ પડ્યુ હતુ.
તપાસ દરમિયાન ખૂલ્યુ ફરિયાદી જ આરોપી
ઘટના અંગે આનંદનગર પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. આ દરમિયાન પોલીસે 8 જેટલા બિલ્ડરોના નિવેદન મેળવ્યા હતા, કે જેમની પાસેથી ફરિયાદી રાકેશ શાહે 48 કરોડની રકમ લેવાની નિકળતી હોવાનુ બતાવ્યુ હતુ. જોકે આ દરમિયાન પોલીસને એક બાદ એક બિલ્ડરોના નિવેદન દ્વારા જાણમાં આવ્યુ હતુ કે, ફરિયાદી જ શંકાના દાયરામાં છે. જેને લઈ વધુ વિગતો એકઠી કરતા જ ફરિયાદી આરોપી બન્યો છે. પોલીસે અશોક ઠક્કર નામના બિલ્ડરની ફરિયાદ નોંધી હતી અને રાકેશ શાહની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.
અશોક ઠક્કર પોતે આ 8 પૈકીનો એક છે કે, જેની સામે પણ કરોડોની રકમ લેવાની હોવાનો રાકેશ શાહે ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો. આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો અને બાદમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. પોલીસ ફરિયાદમાં અશોક ઠક્કરે બતાવ્યુ હતુ કે, બાંધકામ સ્કીમની વણ વેચાયેલી પ્રોપર્ટી કુલ 28 કરોડની રાકેશ શાહએ લઈ એકપણ પૈસા ચૂકવ્યા નથી. એટલું જ નહીં આરોપી રાકેશ શાહએ HSBC માં દુબઈ 250 કરોડના ફંડનો બનાવટી લેટર બનાવી પૈસા ફ્રિઝ થઈ ગયા હોવાની કહાની રજૂ કરીને અશોક ઠક્કર પાસેથી 6.75 કરોડ મેળવ્યા હતા.
ફરિયાદ મુજબની વિગત
- માર્ચ 2021માં રાકેશ શાહ સાથે અશોક ઠક્કરનો પરિચય થયો હતો. પ્રહલાદનગર રોડ પર આવેલા અરીસ્તા બિઝનેશ હબ ખાતે બિલ્ડર અને દુબઇમા ગોલ્ડ ટ્રેડીંગ કરતા હતા.
- અશોક ઠક્કરની બાંધકામની સ્કીમની કેટલીક પ્રોપર્ટી વેચાયેલી નહોતી. જે જથ્થાબંધમાં ખરીદી કરવા માટે રાકેશ શાહે તેમને ઓફર આપી હતી.જેમાં 10 ટકા નાણાં પહેલા અને બાકીના નાણાં 18 મહિનાના માસિક હપતે ચુકવવાનું નક્કી થયું હતું.
- રાકેશ શાહે અશોકભાઇની વિષ્ણુધારા ગાર્ડન ગોતાના 12 ફ્લેટ અને વાડજમાં આવેલી પૂનમ આર્કડની ચાર ઓફિસની ડીલ 11.29 કરોડમાં થઇ હતી. જેના દસ્તાવેજો તૈયાર થયા 10 ટકા રકમ આપીને થોડા સમયમાં પૈસા આપવાનું કહી રાકેશ શાહને પૈસા ચૂકવ્યા નહિ.
- એકાઉન્ટ ફ્રિઝ છે તેને ખોલાવવા માટે 7 કરોડ રુપિયાની જરુર પડશે એમ કરીને 6.75 કરોડ રુપિયાની રકમ મેળવી હતી. જોકે આ માટે તેણે અશોક ઠક્કરને ખોટો લેટર બતાવ્યો હતો.
- જસપ્રીત સિંગ નામના અશોક ઠક્કરના મિત્રએ પણ બે સ્કિમમાંથી 17.64 કરોડ રુપિયાની મિલકત રાકેશ શાહને આપી હતી. જેની રકમ પણ ચુકવવામાં આવી નહોતી. આમ બંને મિત્રોની મળીને 34 કરોડની છેતરપિંડી આચરી હતી.
- પોલીસે હવે અન્ય બિલ્ડરો કે લોકોને આ રીતે પોતાના નિશાન પર લઈ ઠગાઈ આચરી છે કે, કેમ એ અંગેની તપાસ શરુ કરી છે.