Ahmedabad: સેટેલાઈટમાં ઈ-સિગરેટનું વેચાણ કરતી દુકાનમાં પોલીસના દરોડા, ઈ-સિગરેટ-લિક્વીડ નિકોટીન જપ્ત, 1 શખ્સની કરાઈ ધરપકડ
Ahmedabad: હાલ પોલીસનું હુક્કાબાર નિયંત્રણ વધતા યુવાનોમાં નિકોટીનવાળી ઈ-સિગરેટનો ક્રેઝ વધ્યો છે. હાલ PCBએ ઈ-સિગરેટનું વેચાણ કરતા લોકો સામે કાર્યવાહી હાથ ધરી છે. જેમા શહેરના સેટેલાઈટ વિસ્તારમાં એક દુકાનમાં રેડ કરી હુક્કાને લગતી સામગ્રૂી જપ્ત કરી છે અને એક શખ્સની ધરપકડ કરી છે.

અમદાવાદ (Ahmedabad)માં ગુપ્ત રીતે ચાલતા હુક્કાબાર (Hookah bar) પર પોલીસે તવાઈ બોલાવતા હવે યુવાનોમાં નિકોટીનવાળી ઈ-સિગરેટ (E-Cigarettes) નો ક્રેઝ વધ્યો છે. PCBએ આ ઈ-સિગરેટનું વેચાણ કરતા લોકો સામે કાર્યવાહી હાથ ધરી છે. PCBએ શહેરમાં દુકાનમાં રેડ કરી ઈ-સિગરેટ અને હુક્કાને લગતી સામગ્રી જપ્ત કરી છે. પોલીસે શહેરમાં પ્રથમવાર ઈ-સિગરેટનો ધંધો કરનારા 10 લોકો સામે પ્રોહિબિશન ઓફ ઈલેક્ટ્રોનિક સિગરેટ્સ એક્ટ 2019ની કલમ 7,8 મુજબ ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપી પાસેથી પોલીસે 2.51 લાખની ઈ-સિગરેટ અને હુક્કાબારનો મુદ્દામાલ જપ્ત કરી FSLમાં મોકલવામાં આવ્યો છે.
સેટેલાઈટ સ્મોકર્સ રિટેલ્સમાં રેડ કરી વિવિધ ફ્લેવરની ઈ-સિગરેટ, નિકોટીન લિક્વીડ રિફિલ ડિવાઈસ જપ્ત
શહેરમાં પહેલા યુવાવર્ગ હુક્કાબારના રવાડે ચડ્યો હતો પરંતુ શહેરમાં ધમધમતા મોટાભાગના હુક્કાબાર પર પોલીસની તવાઈ વધતા હવે મીની હુક્કાબારની ઈ-સિગરેટના રૂપમાં શરૂઆત થઈ છે. જે યુવાનોનો સરળતાથી બજારમાં ળી રહે છે. યુવાનો હવે હુક્કાની જગ્યાએ લિક્વીડ નિકોટીનવાળી ઈ-સિગરેટના વ્યસની બની ગયા છે. જેને લઈ PCB એ બાતમીના આધારે સેટેલાઈટ સ્મોકર્સ રિટેલ્સ નામની દુકાનમાં રેડ કરી વિવિધ કંપનીની જૂદી જૂદી ફ્લેવરની ઈ-સિગરેટ, લિક્વીડ નિકોટીન રિફિલ અને તેને લગતી ડિવાઈસ અને ઈલેક્ટ્રીક રિફિલો મળી આવી હતી. આ તમામ ચીજ વસ્તુઓ પ્રતિબંધિત હોવાનુ સામે આવતા પોલીસે સન્ની કાકવાણી નામના શખ્સની ધરપકડ કરી છે.
ઈ-સિગરેટના વેચાણ અને ખરીદીમાં મુંબઈનું કનેક્શન ખૂલ્યું
PCB દ્વારા ઈ-સિગરેટ વેચાણ અને ખરીદીનું નેટવર્કની તપાસ કરતા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ સહિત મુંબઈનું કનેક્શન સામે આવ્યુ છે. પકડાયેલ આરોપી સન્ની કાકવાણીની પૂછપરછમાં મુંબઈના અલી, મમલી અને ઐબાની પાસેથી નશાની ઈ-સિગારેટ આણંદનો ઈ-મિસ્ટ કંપનીનો હાર્દિક ત્રિવેદી કુરિયર દ્વારા મગાવતો હતો. આરોપી સન્ની અમદાવાદના જુદા જુદા પાન પાર્લર જેવા કે વીજળીઘર પાસે આવેલુ આશીકી પાન પાર્લર સહિત વેરાવળ અને ગાંધીનગરમાં આ જથ્થો મોકલતો હતો. મહત્વનું છે કે ઈ સિગારેટની ફ્લેવરમાં લિક્વિડ નિકોટીન રહેલુ છે અને તમામ ચાર્જિંગવાળા ઈલેક્ટ્રોનિક સિગારેટનો હુક્કાની જેમ ઉપયોગ થચો હોય છે. આ તમામ વસ્તુ ભારતમાં પ્રતિબંધિત હોવા છતાં નશાના વેપારીઓ તેનો ધધો કરીને યુવાધન બરબાદ કરી રહ્યા છે. હાલ પોલીસે આ નશાના નેટવર્કમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે.