Ahmedabad : બોડકદેવ ખાતેની નિરમા વિદ્યાવિહાર શાળાને ફી વધારો કરવો પડ્યો ‘મોંઘો’, DEO એ ફટકારી દીધી નોટીસ
અમદાવાદની નિરમા સ્કૂલે 38 ટકા ફી વધારો ઝીંક્યો હતો. જોકે નિયમોને અવગણી વધારો ઝીંકતા DEO એ શાળાને નોટિસ ફટકારી છે, બે દિવસમાં જવાબ આપવા અપાઈ સૂચના

હાલમાં શિક્ષણ ક્ષેત્રે પ્રાઈવેટ સંસ્થાઓની મનમાની અને શિક્ષણ એટલી હદે મોંઘું થયું છે કે, સામાન્ય માણસ આ ફી ભરી પોતાના બાળકને ભણાવવા બિલકુલ સક્ષમ નથી. વારંવાર શાળાઓમાં ફી વધારાની ઘટનાઓ સામે આવે છે. અમદાવાદમા પણ આવીજ એક ઘટના સામે આવી છે. અમદાવાદની નિરમા સ્કૂલે 38 ટકા ફી વધારો ઝીંક્યો હતો. જોકે નિયમોને અવગણી વધારો ઝીંકતા DEO એ શાળાને નોટિસ ફટકારી છે.
શાળાએ 5, 10 કે 20 ટકા નહીં પરંતુ 38 ટકા જેટલો વધારો ઝીંક્યો
અમદાવાદની એકબાદ એક મોટી શાળાઓની મનમાની સામે આવી રહી છે. ફી રેગ્યુલેટરી કમિટીના નિયમોને અવગણી બોડકદેવ વિસ્તારમાં આવેલી નિરમા વિદ્યાવિહાર પ્રાયમરી શાળાએ 5, 10 કે 20 ટકા નહીં પરંતુ 38 ટકા જેટલો વધારો ઝીંક્યો છે. વાલીએ જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજુઆત કરતા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાને નોટિસ ફાટકારવામાં આવી છે.
વાલીઓએ DEO માં કરી ફરિયાદ
આમદાવાદની શાળામાં સીધો જ 38% ફી વધારો કરી દેતા વાલીઓએ DEO માં ફરિયાદ કરી હતી. FRC ના નિયમ મુજબ કોઈપણ સ્કૂલને ફી વધારવા માટે પોતાની પ્રપોઝલ એફઆરસી માં મૂકવી પડે છે અને ત્યારબાદ એફઆરસી દ્વારા સ્કૂલની ફી નક્કી કરવામાં આવતી હોય છે. પરંતુ નિરમા વિદ્યાવિહાર દ્વારા કોઈ પણ પ્રકારની મંજૂરી વગર સીધો જ ફિ માં વધારો કરી દેવામાં આવ્યો છે.
સીધી જ 31,000 કરી દેવામાં આવી
સ્કૂલ દ્વારા ગત વર્ષે એક કવાટરની 22 હજાર રૂપિયા ફી લેવાઈ હતી જે વધારીને આ વખતે સીધી જ 31,000 કરી દેવામાં આવી છે એટલે વાર્ષિક ₹36,000 જેટલો વધારો ઝીંકવામાં આવ્યો છે જેને કારણે વાલીઓમાં રોશ જોવા મળ્યો.. સમગ્ર મામલે વાલી એ DEO માં ફરિયાદ કરી છે
આ પણ વાંચો : અમદાવાદમાં આવેલુ છે 42 વર્ષ જૂનું અને વિશ્વનું એકમાત્ર ‘ધાતુપાત્ર સંગ્રહાલય’, અહીં છે પરંપરાગત વાસણોનો બેનમૂન સંગ્રહ
DEO એ સ્કૂલને નોટિસ ફટકારી
FRC ના નિયમોને નેવે મુકી શાળાએ ફી વધારતા મામલો જિલ્લા શિક્ષણ અધિકારી પાસે પહોંચતા જ DEO એ મામલાની ગંભીરતા ને ધ્યાને લઈ સ્કૂલને નોટિસ ફટકારી બે દિવસમાં ખુલાસો કરવા આદેશ કર્યો છે. શાળા સંચાલકોએ સમગ્ર મામલે કંઈપણ કહેવા ઇન્કાર કર્યો છે. જો કે નિયમ મુજબ કોઈપણ શાળા વાર્ષિક 5 ટકા થી વધારેનો વધારો કરી શકતી નથી. જો કે નિરમા શાળાએ 38 ટકાનો વધારો ઝીંકી વાલીઓની કમર તોડવાનું કામ કર્યું છે.