Ahmedabad: વિદ્યાસહાયકની ભરતીના ફોર્મ વેરિફિકેશનમાં ભારે અવ્યવસ્થા, ઉમેદવારોની લાઈનો લાગી
રાયખડ બીઆરસી સેન્ટર ખાતે સવારે મોટી સંખ્યામાં ઉમેદવારો વિદ્યાસહાયક ભરતીના ફોર્મનું વેરિફિકેશન કરાવવા આવતા ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી, સવારથી ઉમેદવારો લાઈનમાં લાગી ગયા હતા પરંતુ વેરિફિકેશન માટેની બારીઓ 11 વાગ્યે ખુલી હતી
ટોકન મેળવવા ઉમેદવારોએ પડાપડી કરી, વેરિફિકેશન અને ટોકન માટે લાંબી લાઈનો
વિદ્યાસહાયકની ભરતીના ઓનલાઇન ફોર્મ ભરાયા બાદ ફોર્મ વેરિફિકેશનની પ્રક્રિયા માટે ભારે અવ્યવસ્થા ઉભી થઇ છે. તંત્રની બેદરકારીને કારણે ઉમેદવારોને હેરાન થવાનો વારો આવ્યો છે. રાયખડ બીઆરસી સેન્ટર ખાતે ઉમેદવારોની સવારથી લાંબી લાઈનો લાગી હતી. ફોર્મ વેરિફિકેશન માટે ઉમેદવારોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડ્યું છે,.
રાયખડ બીઆરસી સેન્ટર ખાતે સવારે મોટી સંખ્યામાં ઉમેદવારો વિદ્યાસહાયક ભરતીના ફોર્મનું વેરિફિકેશન કરાવવા આવતા ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી. સવારથી ઉમેદવારો લાઈનમાં લાગી ગયા હતા પરંતુ વેરિફિકેશન માટેની બારીઓ સરકારી સમય મુજબ 11 વાગ્યે ખુલી હતી. બારીઓ ખુલતા ઉમેદવારોએ વેરિફિકેશન માટે પડાપડી કરી હતી. એક ઉમેદવારના ફોર્મ વેરિફિકેશન માટે 15થી 20 મિનિટનો સમય લાગે છે. જેના કારણે ઉમેદવારોને 5થી 6 કલાક લાઈનમાં ઉભા રહેવું પડે છે.
ટોકન સિસ્ટમને કારણે ઉમેદવારો રઝળી પડ્યા હતા. એક દિવસના 400થી 500 ઉમેદવારોને જ ટોકન આપવામાં આવે છે. જેની સામે એક હજારથી વધારે ઉમેદવારો આવ્યા હતા. મોટી સંખ્યામાં ઉમેદવારો આવતા ટોકન લેવા માટે હજારો ઉમેદવારોની લાઇન લાગી હતી. આજના ટોકન પુરા થઇ જતા લાઈનમાં ઉભા રહેલા ઉમેદવારોને 14 અને 15 તારીખના ટોકન આપવામાં આવ્યા હતા. એક હજારથી વધારે ઉમેદવારો ટોકન લેવા માટે સવારથી લાઈનમાં ઉભા છે. અવ્યવસ્થાના કારણે ઉમેદવારોને ફોર્મ વેરિફિકેશન માટે ત્રણ ત્રણ ધક્કા ખાવા પડે છે. આજે ટોકન લેવા આવનાર ઉમેદવારોને સોમવાર અથવા મંગળવારે ફોર્મ વેરિફિકેશન કરવા માટે આવવાનું કહેવામાં આવે છે. જેના કારણે બહારગામથી આવતા ઉમેદવારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
અવ્યવસ્થા ઉભી થતા ઉમેદવારોએ તંત્ર પર રોષ ઠાલવ્યો હતો. 3300 વિદ્યાસહાયકોની ભરતી માટે સમગ્ર રાજ્યમાંથી 1.80 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. બીજી તરફ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં પણ ઉમેદવારોને હેરાનગતિ કરવામાં આવી રહી છે. જે ઉમેદવારો પાસે ગ્રેડ પદ્ધતિની માર્કશીટ છે તેમને ગ્રેડને બદલે જે તે યુનિવર્સિટી માંથી કુલ ગુણ અને મેળવેલ ગુણનું લખાણ લેવા માટે કહેવામાં આવે છે. જેના કારણે ત્રણ ત્રણ દિવસથી ઉમેદવારો હેરાન થઈ રહ્યા છે.
ઉમેદવાર સંદીપ પ્રજાપતિ છેલ્લા ત્રણ દિવસથી ફોર્મ વેરિફિકેશન માટે ધક્કા ખાય છે. એક દિવસ લાઈનમાં ઉભા રહીને ટોકન મેળવ્યું અને વેરિફિકેશન માટે આવ્યા તો બંને માર્કશીટના ગુણ યુનિવર્સિટી માંથી કંબાઇન કરીને લાવવા જણાવ્યું..સંદીપ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં માર્ક કંબાઇન કરાવવા સુરત ગયો. તો યુનિવર્સિટીએ બંને માર્કશીટના માર્ક કંબાઇન કરીને આપવાની ના પાડી દીધી. હવે આજે સંદીપ ફરી આવ્યો તો કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ 14 તરીખનું ટોકન મળ્યું. હવે 14 તારીખે ફરીથી લાઈનમાં ઉભા રહેવાનો વારો આવશે.
આ પણ વાંચોઃ સુરતમાં હવે પોલીસ સ્ટેશનમાં અરજી નિકાલ ઝડપી થશે, તમામ પોલીસ સ્ટેશનોમાં કેમ્પ યોજાશે