અમદાવાદમાં આવકના દાખલા કાઢવા માટે વહેલી સવારથી લાગી લાંબી કતારો, માત્ર 300 જ ટોકન અપાતા અરજદારો ધક્કા ખાવા મજબુર- Video

| Edited By: | Updated on: May 16, 2024 | 6:42 PM

રાજ્યભરમાં હાલ સરકારી કચેરીઓ બહાર આવકના દાખલા માટે હાલાકીના દૃશ્યો સામે આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ વહેલી સવારથી કલાકો લાઈનમાં ઉભા રહે ત્યારે માંડ આવકનો દાખલો મળે છે. આ અંગે સુરતના ધારાસભ્યે પણ કલેક્ટરને પત્ર લખી અરજદારોને હાલાકી ન પડે તે રીતે સુચારુ વ્યવસ્થા ગોઠવવા રજૂઆત કરી ચુક્યા છે.

અમદાવાદમાં જેવા મેગા સિટીમાં પણ વિદ્યાર્થીઓ અને વાલીઓએ આવકના અને જાતિના પ્રમાણપત્ર મેળવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી સવારથી અરજદારો લાઈનમાં ઉભા રહે છે ત્યારે ચાર-પાંચ કલાક લાઈનમાં ઉભા રહ્યા બાદ માંડ આવકનો દાખલો મળે છે. અરજદારોની જેટલી લાઈન હોય છે તેના કરતા અડધી માત્રામાં પણ ટોકન ન અપાતા અનેક લોકો ધક્કા ખાવા મજબુર બન્યા છે.

અસારવા બહુમાળી ભવન ખાતે EWS, જાતિ અને પ્રમાણપત્ર કઢાવવા લાઈનો

હાલ ધોરણ 10 અને 12નું પરિણામ આવ્યા બાદ વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ માટે એડમિશન મેળવવા ફોર્મ ભરવામાં આવકના તેમજ જાતિના પ્રમાણપત્રની જરૂર પડતી હોય છે. વિદ્યાર્થીઓએ નિયત સમય મર્યાદામાં ફોર્મ ભરવાનુ હોવાથી દાખલા કઢાવવા માટે લાંબી કતારો લાગી રહી છે. વહેલી સવારથી જ સેન્ટર પર મોટી સંખ્યામાં લોકો દાખલા કઢાવવા માટે લાઈનમાં ઉભા રહી જાય છે. ત્યારે તંત્ર દ્વારા વધુ માણસો રોકી દાખલા કાઢી આપવાની પ્રક્રિયા ઝડપી બનાવવી જોઈએ તેવી અરજદારો માગ કરી રહ્યા છે.

રોજના 300 જેટલા ટોકન આપવામાં આવે છે

હાલ મોટી સંખ્યામાં અરજદારો આવતા હોવાથી કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવુ પડે છે અને રોજના માત્ર 300 ટોકન અપાતા હોવાથી અનેક લોકોને ધક્કા પણ ખાવા પડી રહ્યા છે.

વહેલી સવારથી વિદ્યાર્થી-વાલીઓ લગાવે છે લાઇનો

બહુમાળી ભવનમાં વ્યવસ્થાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે, ધોમધખતા તાપમાં લોકો લાઈનમાં ઉભા રહેવા મજબુર બન્યા છે. ત્યારે વ્યવસ્થાને લઈને પણ તંત્ર સામે સવાલ ઉઠી રહ્યા છે. તંત્રની અવ્યવસ્થાથી ત્રસ્ત વાલીઓની માગ છે કે કોરોનાકાળ દરમિયાન જેમ આવકના દાખલા શાળામાંથી નીકળતા હતા તેવી જ વ્યવસ્થા હંમેશા માટે કરવામાં આવે. વિદ્યાર્થીઓ પણ આવક, જાતિ અને EWS સર્ટીફિકેટની કામગીરી ડિજિટલ કરવા સરકાર પાસે માગ કરી રહ્યા છે.

વધુ વ્યવસ્થા ગોઠવવામાં આવે તો લોકોના સમયનો વ્યય થતો અટકે

આ તરફ સમાજ કલ્યાણ અધિકારીનો દાવો છે કે બહુમાળી ભવન ખાતે તમામ કર્મચારીઓને બીજી કામગીરી છોડાવી જાતિના દાખલા આપવાનું જ કામ આપવામાં આવ્યું છે. રાજ્યભરમાં હાલ આવક અને જાતિના દાખલા મેળવવા માટે લોકોને પડતી હાલાકી અંગે સુરતના વરાછાના ધારાસભ્યે પણ કલેક્ટરને પત્ર લખી સુચારુ વ્યવસ્થા ગોઠવવા રજૂઆત કરી હતી. પરિણામ આવે એ પહેલાથી દાખલા આપવાની કામગીરી કરવાની પણ ધારાસભ્યે રજૂઆત કરી હતી. જો કે શેઠની શિખામણ ઝાંપા સુધી જેવો ઘાટ હાલ રાજ્યભરની કચેરીઓમાં જોવા મળી રહ્યો છે અને અરજદારો કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા મજબુર બન્યા છે.

આ પણ વાંચો: IPL 2024 : ફેન્સ દ્વારા સતત ટ્રોલિંગ અને નફરત મળી છતાં હાર ન માની, બુમરાહને પછાડી બન્યો સિઝનનો નંબર-1 બોલર આ ગુજ્જુ ખેલાડી

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: May 16, 2024 06:39 PM