Ahmedabad Accident : ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં કુલ 9 લોકો બન્યા કાળનો કોળિયો, જાણો કોણ હતા આ તમામ લોકો
અકસ્માતની થોડી જ ક્ષણોમાં ઇસ્કોન બ્રિજ (ISKCON Bridge) પર જાણે લાશો વિખેરાઇ ગયેલી જોવા મળી. ઇસ્કોન બ્રિજ પર થોડી જ વાર ન કલ્પી શકાય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ઇસ્કોન બ્રિજ થોડી જ ક્ષણોમાં તમામ મૃતકોના પરિવારજનોના આક્રંદથી જાણે ગુંજવા લાગ્યુ.
ISCON Bridge Accident : અમદાવાદમાં મધ્યરાત્રીએ થયેલા ગમખ્વાર અકસ્માતમાં (Accident) કુલ 9 લોકો કાળનો કોળિયો બની ગયા છે. અકસ્માતની થોડી જ ક્ષણોમાં ઇસ્કોન બ્રિજ (ISKCON Bridge) પર જાણે લાશો વિખેરાઇ ગયેલી જોવા મળી. ઇસ્કોન બ્રિજ પર થોડી જ વાર ન કલ્પી શકાય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ઇસ્કોન બ્રિજ થોડી જ ક્ષણોમાં તમામ મૃતકોના પરિવારજનોના આક્રંદથી જાણે ગુંજવા લાગ્યુ. જગુઆર કાર લઇને એક નબીરો જાણે અનેક પરિવારના માળા વેર વિખેર કરી ગયો.
ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે એક થાર કાર અને બુલ્ડોઝર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. આ અકસ્માતોની વ્હારે ઇસ્કોન બ્રિજ આસપાસ ઉભેલા કેટલાક યુવાન તાત્કાલિક દોડી આવ્યા હતા. આ તમામ યુવકો અકસ્માતમાં સ્થળે મદદના હેતુથી દોડી આવ્યા હતા. જો કે તે લોકોને થોડો પણ આભાસ ન હતો કે મૃતકોની સહાય માટે દોડી આવેલા તેમની સમક્ષ થોડી જ વારમાં યમરાજ દસ્તક દઇ જશે. અકસ્માતના સ્થળે યુવાનો ટોળામાં ઊભા હતા. અચાનક જ 170થી 180ની ઝડપે જગુઆર કાર લઇને એક યુવક તમામ ટોળા પર ચઢી જાય છે. ઘટનાસ્થળ પર જ 6 યુવકો ઇશ્વરના ધામમાં પહોંચી જાય છે. આ મૃતકોમાં અકસ્માત સ્થળે ઊભેલા બે પોલીસ કર્મીનો પણ સમાવેશ થાય છે.
અકસ્માતના કોના કોના થયા મોત ?
- રોનક વિહલપરા
- કૃણાલ કોડિયા
- અક્ષર પટેલ
- નિરવ રામાનુજ
- અમન કચ્છી
- અરમાન વઢવાનિયા
- ધર્મેન્દ્રસિંહ પરમાર
- નિલેશ ખટિક
- જશવંતભાઈ
મૃતકોની તમામ વિગતો
- મૃતક રોનક રાજેશભાઈ વિહલપરાની ઉંમર 23 વર્ષ હતી. તે બોટાદનો વતની છે અને થલતેજમાં પીજીમાં રહીને અભ્યાસ કરતો હતો.
- મૃતક કુણાલ નટુભાઈ કોડીયાની ઉંમર 23 વર્ષ હતી. તે પણ બોટાદનો વતની છે અને થલતેજમાં પીજીમાં રહીને અભ્યાસ કરતો હતો.
- અમન અમિરભાઈ કચ્છીની ઉંમર 25 વર્ષ હતી. તે સુરેન્દ્રનગર જિલ્લાનો વતની હતો.
- અરમાન અનીલભાઈ વઢવાનિયાની ઉંમર 21 વર્ષ હતી. તે પણ સુરેન્દ્રનગર જિલ્લાનો વતની હતો.
- અક્ષર અનીલભાઈ પટેલની ઉંમર 21 વર્ષ હતી. તે બોટાદનો વતની છે અને વસ્ત્રાપુરમાં પીજીમાં રહે છે. તે કૉલેજમાં એડમિશન માટે આવ્યો હતો.
- નિરવ રામાનુજની ઉંમર 22 વર્ષ હતી. તે ચાંદલોડિયાનો રહેવાસી છે.
- ધર્મેન્દ્રસિંહ નારસંગભાઈ પરમારની ઉંમર 40 વર્ષ હતી. તે SG-2 પોલીસ સ્ટેશનના ટ્રાફિક જવાન હતા.
- નિલેશ મોહનભાઈ ખટીકની ઉંમર 38 વર્ષ હતી અને તે બોડકદેવમાં હોમગાર્ડના જવાન હતા.
- જશવંતભાઇ SG-2 પોલીસ સ્ટેશનના કર્મચારી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો