Ahmedabad : સોલા સિવિલમાં વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓનો ધસારો વધતા OPDનો સમય થયો વહેલો
કેસને પહોંચી વળવા માટે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ઓપીડી કેસ બારીનો સમય સવારે 9 વાગ્યાનો હતો તે 8 વાગ્યાનો કરી દેવામાં આવ્યો છે. જેથી દર્દીઓની ભીડને પહોંચી વળાય અને દર્દીઓને જલદી સારવાર મળી રહે.

અમદાવાદ શહેર સહિત રાજ્યમાં ઠંડીની વિદાય અને ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. તેના કારણે ડબલ સિઝનનો અનુભવ થઈ રહ્યો છે તેથી બેવડી ઋતુને કારણે વાયરલ ઇન્ફેક્શન કેસમાં વધારો નોંધાયો છે અને અસારવા તેમજ સોલા સિવિલમાં દર્દીઓની લાંબી લાઇનો જોવા મળી રહી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં જ્યાં થોડા દિવસો પહેલા 500 થી 800 જેટલી ઓપીડી રહેતી હતી. જે ઓપીડી હોસ્પિટલ માટે સામાન્ય હતી. પંરતુ બેવડી ઋતુ શરૂ થતા દર્દીઓની ભીડમાં અને સંખ્યામાં વધારો થયો.
હોસ્પિટલના OPDમાં દર્દીઓનો ધસારો
સામાન્ય ઓપીડીમાં 800 દર્દીઓ હતા તે કેસ વધીને 1000 અને ત્યાર બાદ ઓપીડીમાં દર્દીઓની સંખ્યા 1200 સુધી પહોંચી અને છેલ્લા બે દિવસથી આ ઓપીડી 1500 ઉપરાંત દર્દીઓ સુધી પહોંચી છે. જેની પાછળ બેવડી ઋતુના કારણે વધતાં વાયરલ ઇન્ફેક્શનને જવાબદાર માનવામાં આવી રહ્યો છે. વાયરલ ઇન્ફેક્શનમાં દર્દીઓને ખાંસી, શરદી, ઉધરસ અને તાવ જેવા ઇન્ફેક્શન થવા તેમજ રેસીપીરેટરીની (શ્વસનને લગતી સમસ્યા) સમસ્યા થવી. જેવા કેસ સામે આવી રહ્યા છે.
વાયરલ તાવના વધતા કેસને પહોંચી વળવા માટે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ઓપીડી કેસ બારીનો સમય સવારે 9 વાગ્યાનો હતો તે 8 વાગ્યાનો કરી દેવામાં આવ્યો. જેથી કરીને વધતા જતા દર્દીઓની સંખ્યાને અને હોસ્પિટલમાં જામતી ભીડને પહોંચી વળી શકાય તેમજ દર્દીઓને જલ્દી સારવાર મળી રહે.
સોલા સિવિલ હોસ્પિટલ ખાતે માત્ર ઓપીડી નહીં પણ એક્સરે, સોનોગ્રાફી, મેડિસિન વિભાગમાં પણ લોકોની ભીડ જોવા મળી હતી. એટલું જ નહીં સોલા સિવિલ હોસ્પિટલ સાથે અસારવા સિવિલ હોસ્પિટલમાં તેનાથી પણ બમણા કેસ નોંધાયા હતા. અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે 33,000 કેસ માંથી વાયરલ ઇન્ફેક્શનના 5500 ઉપરાંત કેસ નોંધાયા. એટલે કે ડબલ સીઝન થી દસ દિવસમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં 30 ટકા ઉપરાંત વધારો નોંધાયો છે. જે હાલમાં ચિંતાનો વિષય માનવામાં આવી રહ્યો છે. જેથી ડોક્ટરો દ્વારા વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓને માસ્ક પહેરવા તેમજ જરૂરી ઉપાયો કરવા પણ સલાહ અપાઇ છે.
હાલ તો બેવડી ઋતુના કારણે વધતા જતા વાયરલ ઇન્ફેક્શનના કેસને પહોંચી વળવા માટે વિવિધ હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે બીજી તરફ ગરમીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે ગરમી ને લગતા એટલે કે વાયરલ ઇન્ફેક્શન સાથે ગરમીને લગતા કેશો પણ વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે. જેથી હોસ્પિટલમાં હજુ પણ વધુ કેસિસ આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જેને લઈને હોસ્પિટલ દ્વારા તે પ્રકારની તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ છે. જેથી કરીને દર્દીઓને અગવડતા ન પડે અને દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે. ત્યારે જરૂરી છે કે લોકો પણ પોતાનું ધ્યાન રાખે અને સાવચેતીના પગલાં લે જેથી વાયરલ ઇન્ફેક્શન તેમજ ગરમીથી પોતે બચી શકે.