Ahmedabad : રાજ્ય સરકારે રજૂ કરેલા સોગંદનામાને પગલે ચાઇનીઝ દોરીના પ્રતિબંધ અંગે ગુજરાત હાઇકોર્ટમાં આજે મહત્વની સુનાવણી
સિંથેટિક દોરીને વધુ કેમિકલ ટ્રીટમેન્ટ આપી કાચ ઉમેરવામાં આવે છે. આ અંગે દરેક પોલીસ સ્ટેશનમાં સૂચના આપવામાં આવી છે કે જે લોકો દોરી તૈયાર કરે છે તેમને આ અંગે જાગૃત કરે અને સમજાવે.
ગુજરાતમાં ચાઈનીઝ દોરી,નાયલોન દોરી, ચાઈનીઝ ટુક્કલ અને કાચ પાયેલા માંજાના પ્રતિબંધ અંગે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું હતું. જે અંગે આજે ગુજરાત હાઇકોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરાશે. રાજ્ય સરકારે મૂકેલા પ્રતિબંધનો યોગ્ય અમલ થાય તે માટે પોલીસને પણ આદેશ આપી દેવામાં આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટને પણ રાજ્ય સરકારને ટકોર કરી અને કહ્યું હતું કે માત્ર જ જાહેરનામું પ્રસિદ્ધ કરવાથી કંઈ નહીં થાય, પરંતુ કામ કરવું પડશે જેની સામે હવે એફિડેવેટમાં જણાવ્યા મુજબ રાજ્યના ગૃહ વિભાગે આવા પ્રકારની ચાઈનીઝ વસ્તુઓ સામે કડક પ્રતિબંધનો અમલ કરાવવાની બાબત પણ હાઇકોર્ટને જણાવી હતી.
પોલીસ કમિશ્નર દ્વારા 16 ડિસેમ્બરના રોજ બહાર પડાયું હતું જાહેરનામું
16 ડિસેમ્બરના રોજ પ્રતિબંધિત ચાઈનીઝ દોરી વેચાણ પર પોલીસ કમિશનર જાહેરનામું બહાર પાડ્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધીમાં અમદાવાદ પોલીસે 170 જેટલા ચાઈનીઝ દોરીના કેસ કર્યાં છે. તેમજ ચાઈનીઝ દોરી અને ચાઈનીઝ તુકકલ ઓનલાઇન વેચાણ કરનારા સામે કાર્યવાહી શરૂ છે.
આ તરફ ઓનલાઈન મળતી ચાઈનીઝ દોરી અને તુક્કલની જાણ થતા સાયબર ક્રાઈમ પણ સતર્ક થઈ ગયું છે. આ ઉપરાંત સિંથેટિક દોરીને વધુ કેમિકલ ટ્રીટમેન્ટ આપી કાચ ઉમેરવામાં આવે છે. આ અંગે દરેક પોલીસ સ્ટેશનમાં સૂચના આપવામાં આવી છે કે જે લોકો દોરી તૈયાર કરે છે તેમને આ અંગે જાગૃત કરે અને સમજાવે.
માંજાના વેપારીઓ સાથે બેઠક કરી પ્રતિબંધના ચુસ્ત પાલનની સૂચના
માંજાના વેપારીઓ સાથે બેઠક કરી અને આ પ્રતિબંધ અંગે ચુસ્ત પાલન કરવાની સૂચના આપવામાં આવી છે. જેમાં મહત્વની વાતો પણ ટાંકવામાં આવી છે. આસિસ્ટન્ટ પોલીસ કમિશનર ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ અને એસપી કક્ષાના અધિકારીઓ પ્રતિબંધિત માંજાના ખરીદ વેચાણ બાબતે સઘન કામગીરી કરશે તેવી કોર્ટને ખાતરી અપાઈ છે. માંજાના વેપારીઓ સાથે મીટીંગ કરી અને આ પ્રતિબંધ અંગે ચુસ્ત પાલન કરવાની સૂચના અપાઇ છે. નાગરિકોમાં પણ આ બાબતની જાણકારી અને માહિતી યોગ્ય રીતે પહોંચે તે માટે પ્રસાર માધ્યમોનો સહારો લેવો તેવા પણ નિર્દેશ અપાયા છે. ગૃહ વિભાગને રોજિંદી માહિતી મળી રહે તે માટે Tebular ફોર્મેટ પણ જાહેર કરાયું છે. ત્યારે આજે રાજ્ય સરકાર તરફથી અન્ય મહત્વની જાહેરાત થાય તે પણ અપેક્ષિત છે.
નાગરીકો સુધી યોગ્ય માહિતી પહોંચે તે માટે પ્રસાર માધ્યમનો સહારો લેવાશે
તહેવારનો સમય આનંદનો સમય છે ત્યારે તેમાં લોકોના જીવ ન જાય તેમજ અબોલ પશુપક્ષીઓ મોતને ન ભેટે તે માટે લોકોને જાગૃત કરવા અને ચાઇનિઝ દોરીનો ઉપયોગ તેમજ ખરીદી અટકાવવા પ્રાચર અને પ્રસાર માધ્યમ દ્વારા નાગરિકો તેમજ વેપારીઓને જાગૃત કરવામાં આવશે.