Ahmedabad : 7 કરોડની સામે 14 કરોડ ચુકવ્યા છતા વ્યાજખોરોએ વેપારી પાસેથી કરોડોની કિંમતની ત્રણ લક્ઝુરિયસ કાર અને મકાનો પડાવ્યા, આખરે વેપારીએ નોંધાવી પોલીસ ફરિયાદ
Ahmedabad: અમદાવાદમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત છે. સરકાર દ્વારા વ્યાજખોરીની દૂષણને ડામવા અનેક પગલા લેવાયા છતા વ્યાજના વિષચક્રમાંથી લોકો છૂટી શક્તા નથી. શહેરના એક ટ્રાન્સપોર્ટના વેપારીએ 11 જેટલા વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે. જેમા 7.71 કરોડની સામે વ્યાજખોરોએ 24 કરોડ વસુલ્યા છે.
Ahmedabad: રાજ્યમાં વ્યાજખોરોનો આતંક હજુ યથાવત છે. રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરો સામે કડક કામગીરી હાથ ધરાઈ હોવા છતા હજુ વ્યાજખોરીનું વિષચક્ર ચાલ્યા કરે છે અને અનેક નિર્દોષો તેનો ભોગ બની રહ્યા છે. શહેરના નારોલ વિસ્તારમાં રહેતા અને ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકલાયેલા કમલ ડોગરા વ્યાજખોરોના ત્રાસનો ભોગ બન્યા છે. ટ્રાન્સપોર્ટના વેપારીને વ્યાજખોરોએ 7.71ની કરોડની સામે 24 કરોડથી વધુનો ચુનો લગાવ્યો અને હજુ પણ પૈસાની પઠાણી ઉઘરાણી કરતા વેપારી આપઘાત કરવા મજબુર બન્યા હતા.
ટ્રાન્સપોર્ટના વેપારી પાસેથી વ્યાજખોરોએ પડાવ્યા 24 કરોડ
સમગ્ર ઘટનાની હકીકત અનુસાર નારોલના ટ્રાન્સપોર્ટના વેપારી કમલ ડોગરાએ કોરોનાકાળમાં આર્થિક સ્થિતિ ડામાડોળ થતા તેમના પરિચિત ફાલ્ગુન મહેતા તેમજ તેમના મિત્રો પાસેથી 9 ટકા વ્યાજે રૂપિયા લીધા હતા. ફરિયાદીએ ધંધા માટે 7.71 કરોડ રૂપિયા લીધા હતા. જેની સામે તેમણે વ્યાજખોરોને 14.48 કરોડ રૂપિયા ચુકવ્યા હતા. આ ઉપરાંત વ્યાજખોરો વધુ રૂપિયાની માગ કરતા વેપારીએ અઢી કરોડ રૂપિયા રોકડા આપ્યા હતા. છતા વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરતા હતા અને વેપારીના પરિવારને મારી નાખવાની ધાકધમકી આપતા હોવાનો પણ ફરિયાદી વેપારીએ આક્ષેપ કર્યો છે.
આ પણ વાંચો : Surat: રૂપિયા નહીં ચૂકવાતા પતિએ પત્નીને જ વ્યાજખોરોને હવાલે કરી દીધી, પોલીસે કરી બે આરોપીની ધરપકડ
વેપારીની ત્રણ લક્ઝુરિયસ પણ વ્યાજખોરોએ પડાવી લીધી
વ્યાજખોરોએ વેપારીની 7 કરોડની લેમ્બોર્ગિની, 1 કરોડની મર્સિડિઝ અને ફોર્ચ્યુનર કાર પણ પડાવી લીધી. બીજી તરફ વેપારીના ત્રણથી ચાર અલગ અલગ મકાનો કે જે પહેલેથી જ બેંકોમાં મોર્ગેજ હતા તેને પણ પોતાના નામે કરવા રજિસ્ટ્રાર ઓફિસમાંથી ટોકન લઈ તારીખો પણ નક્કી કરી લીધી હતી. વેપારીએ અલગ અલગ કંપની પાસે લેવાનું 2 કરોડની વધુનું બાકી પેમેન્ટ પણ આ વ્યાજખોરો પોતે હડપ કરી લીધું હતું. જેના માટે વ્યાજખોરોએ અલગથી બેન્ક એકાઉન્ટ પણ ખોલાવ્યા હતા.
વેપારી કમલ ડોગરા પર વ્યાજખોરોનો ત્રાસ એટલી હદે વધી ગયો હતો કે તે આપઘાત કરવા મજબૂર બન્યા હતા જોકે બાદમાં કલમભાઈ ઘરે કોઈને કહ્યા વગર જ પંજાબ નીકળી ગયા હતા. જોકે વેપારી ઘરે નહિ હોવાથી વ્યાજખોરો વેપારીના ઘરે પહોંચી તેના પરિવારને ધાક ધમકીઓ આપતા હતા. આખરે વેપારી કમલ ડોગરાએ નારોલ પોલીસ સ્ટેશનમાં ફાલ્ગુન મહેતા, ધર્મેશ પટેલ અને તેમના સાગરિતો સામે ફરિયાદ દાખલ કરી. હાલ પોલીસે ધર્મેશ પટેલની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો