Ahmedabad: ગુજરાત યુનિવર્સિટી ફરી આવી વિવાદમાં, નર્સિંગના ચોથા વર્ષની 28 ઉત્તરવહીઓ થઈ ગાયબ, NSUIના દેખાવો બાદ યુનિ.એ નોંધાવી ફરિયાદ
Ahmedabad: વિવાદોનો પર્યાય બનેલી ગુજરાત યુનિવર્સિટી વધુ એક વિવાદમાં સપડાઈ છે. આ વખતે યુનિવર્સિટીમાં ઉત્તરવહી કૌભાંડ સામે આવ્યુ છે. નર્સિંગમાં ચોથા વર્ષમાં એક નહીં, બે નહીં પરંતુ 28 ઉત્તરવહીઓ ગાયબ થતા વિવાદ થયો. જેમા NSUIએ ઉગ્ર દેખાવો કર્યા બાદ યુનિવર્સિટીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
રાજ્ય સરકારની જાહેર પરીક્ષાઓમાં પેપર લીક જેવી ઘટનાઓ બાદ હવે રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીમાં પેપર કૌભાંડ સામે આવ્યું છે. જેમાં નર્સિંગના ચોથા વર્ષના ગણતરીના વિદ્યાર્થીઓને તેમની પરીક્ષાની ઉત્તરવહી રાત્રે મળી જાય અને સવારમાં એ ઉતરવહી ભરીને પાછી આપી દેવામાં આવતી હોવાના કૌભાંડનો પર્દાફાશ એનએસયુઆઈ અને કોંગ્રેસે કર્યો છે. જે અંગે ગુજરાત યુનિવર્સિટીએ પોલીસ ફરિયાદ પણ કરી છે.
છેલ્લા કેટલાક સમયથી ગુજરાત યુનિવર્સીટી સતત વિવાદમાં છે ત્યારે વધુ એક વિવાદ ગુજરાત યુનિવર્સીટી સાથે સંકળાયો છે. ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોની બીએસસી નર્સિંગ ફાઇનલ વર્ષ એટલે કે ચોથા વર્ષની પરીક્ષાનું આ કૌભાંડ સામે આવ્યું છે. જેમાં 14 વિદ્યાર્થીઓની ભાગ એક અને ભાગ બે એમ 28 પેપર ગાયબ થયા છે. નર્સિંગની પરીક્ષાના જે પેપરની પરીક્ષા દિવસે લવાઈ હતી એ ઉત્તરવહી સાંજે ગુજરાત યુનિવર્સીટીના બોટની ડિપાર્ટમેન્ટ લાવવામાં આવે છે. રાત્રે એ ઉત્તરવહી ગોઠવણ મુજબ કાઢી પુનઃ લખાણ કરી પરત મુકવામાં આવે એ પૂર્વે જ NSUI ને જાણ થતાં કૌભાંડ સામે આવ્યું.
NSUI કાર્યકરો અને કોંગ્રેસ નેતા ઇન્દ્રવીજયસિંહ ગોહિલ અને મનીષ દોશીએ સમગ્ર મામલે કુલપતિનું ધ્યાન દોર્યું અને આક્ષેપ કર્યા કે રાત્રે યુનિવર્સીટીના કમ્પાઉન્ડમાંથી પેપર ગાયબ થાય છે અને સવારે પાછા આવે છે. CCTV બંધ કરીને અધિકારીઓ દ્વારા કૌભાંડ કરવામાં આવ્યું છે. દોષિતને 72 કલાકમાં સજા કરવામાં આવે નહીં તો NSUI ઉગ્ર આંદોલન કરશે. જે કોઈ હોય, વહીવટી તંત્ર સાથેના હોય કે સરકારના ઈશારે કામ થયું હોય તે તમામ સામે કડક કાર્યવાહી થવી જોઈએ
કુલપતિએ પોલીસ ફરિયાદ કરી તપાસના આદેશ આપ્યા
રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટીમાં આ પ્રકારનું કાંડ કલંક સમાન લાગી રહ્યું છે ત્યારે ઘટનાની જાણ થતા તરત જ નવનિયુક્ત કુલપતિ નિરજા ગુપ્તાની સૂચનાથી પોલીસ ફરિયાદ કરાઈ છે. સવારે ઘટનાની જાણ થતાં કુલપતિ એસેસમેન્ટ સેન્ટર પર પણ પહોંચ્યા હતા અને NSUI ના દાવાઓને સમજ્યા બાદ લીગલ કાર્યવાહી તરફ આગળ વધ્યા છે. કુલપતિએ જણાવ્યું કે આ ઘટનામાં દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે.
એસેસમેન્ટ સેન્ટરના સીસીટીવી બંધ
ગુજરાત યુનિવર્સિટીમાં આવેલ બોટની વિભાગમાં મેડિકલ નું એસેસમેન્ટ સેન્ટર આવ્યું છે. જ્યાં સમગ્ર વિભાગના સીસીટીવી તો ચાલતા હતા પરંતુ જ્યાં એસેસમેન્ટ સેન્ટર અને એનાથી બહાર જવાનો જે રસ્તો છે ત્યાંના જ સીસીટીવી બંધ હોવાનું પણ સામે આવ્યું છે. જે અંગે વિભાગીય વડાએ સીસીટીવી શરૂ કરવા પણ માંગ કરી હતી. ઉત્તરવહી આવ્યા બાદ જે રીતે એને બહાર કાઢી લખાણ કરી પુનઃ એજ જગ્યા પર મુકવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ તેમજ 14 વિદ્યાર્થીઓની બંને ડિવિઝન ના પેપર એક સાથે ગુમ થવા એ મોટા કૌભાંડ પર ઈશારો કરી રહ્યું છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો