Ahmedabad: ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો આઠમો દીક્ષાંત સમારોહ સંપન્ન, NACC દ્વારા યુનિવર્સિટીને A++ ગ્રેડ આપવામાં આવ્યો
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને શીખ આપી હતી અને જણાવ્યું હતું કે 'રિસર્ચ' એ 'ઋષિ'નો જ અપભ્રન્સ થયેલો શબ્દ છે, એવો પ્રાસ બેસાડતાં તેમણે કહ્યું કે, પુરાણકાળમાં ઋષિઓએ જે સંશોધનો કરીને શાસ્ત્રોમાં લખ્યાં છે, એ વાતો આજે લેબોરેટરીમાં રિસર્ચ કરતાં સાબિત થાય છે.
ભારત રત્ન ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતીએ આયોજિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના આઠમા દીક્ષાંત સમારોહમાં કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયા અને આર્ષ વિદ્યામંદિર, રાજકોટના પૂજ્ય સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીએ વિદ્યાર્થીઓને પદક અને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા.
આઠમા પદવીદાન સમારોહમાં આજે મહાનુભાવોના હસ્તે 37 વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક,39 વિદ્યાર્થીઓને રજત ચંદ્રક, 10 વિદ્યાર્થીઓને વિદ્યાવાચસ્પતિની ઉપાધિ, 3,617 વિદ્યાર્થીઓને સ્નાતકોત્તર ઉપાધિ, 14,266 વિદ્યાર્થીઓને સ્નાતકની પદવી, 248 વિદ્યાર્થીઓને ડિપ્લોમાની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 4,850 વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ ડિગ્રી પ્રદાન કરવામાં આવી હતી
યુ .જી.સી. દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીને કેટેગરી-૧ યુનિવર્સિટી જાહેર કરવામાં આવી છે. રાષ્ટ્રીય મૂલ્યાંકન અને પ્રત્યાયન પરિષદ-નેક દ્વારા આ યુનિવર્સિટીને A++ ઉચ્ચતમ ગ્રેડ મળ્યો છે. આ બંને સન્માન મેળવનાર ગુજરાતની સૌપ્રથમ યુનિવર્સિટી બનતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રસન્નતા વ્યક્ત કરતાં યુનિવર્સિટીના સંચાલકોને અભિનંદન આપ્યા હતા.
દીક્ષાંત સમારોહમાં સંબોધન કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, પદવી હાંસલ કરનાર વિદ્યાર્થીઓએ જીવનમાં સત્યનું આચરણ અને ધર્મનું પાલન કરવું જોઈએ. પ્રકાશના એક કિરણમાં ઘનઘોર અંધકારને ચીરવાની ક્ષમતા છે, એમ સત્ય એ પ્રકાશ છે. જીવનમાં સત્યનું આચરણ કરવાથી આત્મિક, માનસિક અને ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે. ‘સત્યમેવ જયતે’, અંતિમ વિજય સત્યનો જ છે. ધર્મ એટલે જવાબદારી અને કર્તવ્યનું પાલન. માતૃધર્મ, પિતૃધર્મ, રાષ્ટ્રધર્મ; એમ ધર્મની વ્યાખ્યા કરતાં તેમણે કહ્યું કે, ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ શપથ લે કે તેઓ જવાબદાર નાગરિક બનશે. દીન-દુખીયાની સેવા કરતાં કરતાં હંમેશા પરોપકાર અને ભલાઈના માર્ગે ચાલશે. ભારત વિશ્વગુરુ બને એ દિશામાં પ્રયત્ન કરીને રાષ્ટ્રના ઉત્તમ પ્રહરી બનશે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને શીખ આપી હતી અને જણાવ્યું હતું કે ‘રિસર્ચ’ એ ‘ઋષિ’નો જ અપભ્રન્સ થયેલો શબ્દ છે, એવો પ્રાસ બેસાડતાં તેમણે કહ્યું કે, પુરાણકાળમાં ઋષિઓએ જે સંશોધનો કરીને શાસ્ત્રોમાં લખ્યાં છે, એ વાતો આજે લેબોરેટરીમાં રિસર્ચ કરતાં સાબિત થાય છે. ઋષિઓએ વેદ,,ઉપનિષદ, શાસ્ત્રોમાં ભૌતિક અને આધ્યાત્મિક, પ્રેય અને શ્રેય બંને પ્રકારના શિક્ષણની વાત કરી છે. તેમણે વિદ્યાર્થીઓને વિચાર, વાણી અને કર્મમાં હંમેશા પવિત્રતા જાળવવાની શિખામણ આપી હતી.
આ દીક્ષાંત સમારોહમાં ઉચ્ચ શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આજના ટેકનોલોજીના આધુનિક યુગમાં મૂલ્યવર્ધિત શિક્ષણની તાતી જરૂરિયાત છે, ત્યારે નવી શિક્ષણ નીતિ દેશના યુવાનોને પોતાના મૂલ્યો અને સંસ્કૃતિ સાથે જોડીને દુનિયા સાથે તાલમેલ મેળવવા માટે તૈયાર કરશે એમ તેમણે જણાવ્યું હતું.
આ દીક્ષાંત સમારોહમાં ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, શના યુવાધનને નવી દિશા આપીને તેમને આવનારા પડકારો માટે તૈયાર કરવાનું કાર્ય કરે તેવું શિક્ષણ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. આપણી સંસ્કૃતિ જ્ઞાનને પૂજનારી સંસ્કૃતિ છે. કારની લાઈટ જેમ કારને અકસ્માતથી બચાવે છે તેમ શ્રેષ્ઠ ગુરુઓ પાસેથી મળેલું જ્ઞાન વિદ્યાર્થીઓને જીવનમાં આવનારા પડકારો સામે લડવા માટે તૈયાર કરે છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ પદવીદાન પ્રસંગે BAOU ના કુલપતિ અમી ઉપાધ્યાયે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી પોતાના અનેકવિધ નવીન પ્રકલ્પો દ્વારા અનેક લોકોને ડિસ્ટન્સ લર્નિંગ થકી પોતાના સપના સાકાર કરવામાં મદદ કરે છે. એવા લોકો કે જેમનું શિક્ષણ કોઈ સામાજિક કે આર્થિક કારણોસર છૂટી ગયું હોય કે જેમને પોતાની રુચિ અનુસાર અભ્યાસ કરવો હોય તેમને BAOU એક પ્લેટફોર્મ પૂરું પાડે છે.
ભારતની આ એકમાત્ર સ્ટેટ ઓપન યુનિવર્સીટીને NAAC દ્વારા A++ રેન્ક પ્રાપ્ત થયો છે તથા UGC દ્વારા પણ પ્રથમ રેન્ક પ્રાપ્ત થયો છે જે અમારી આયોજનબદ્ધ શિક્ષણ પદ્ધતિની સાબિતી છે એમ તેમણે ઉમેર્યું હતું. BAOU દ્વારા દિવ્યાંગજનો,જેલના કેદીઓ, ગૃહિણીઓ, ધંધા-રોજગાર તથા નોકરી સાથે જોડાયેલા લોકો માટે અનેકવિધ કોર્સિસ ચલાવવામાં આવે છે એમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…