અમદાવાદમાં મુસાફરી બનશે વધુ સરળ, ઘુમા, શીલજ, રાચરડા, ગોધાવી સહિતના વિસ્તારોનો થશે વિકાસ, બોર્ડની બેઠકમાં લેવાયો આ મોટો નિર્ણયો
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA)ની 306મી બોર્ડ બેઠકમાં શહેરના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ યોજનાઓને મંજૂરી મળી છે. સાણંદ અને ઘુમામાં નવી કનેક્ટિવિટી માટે ઝોન ફેરફારને મંજૂરી, સાણંદમાં નવા ગાર્ડનનો વિકાસ, અને કલોલમાં પાણી પુરવઠાની સુધારણા જેવા નિર્ણયો લેવાયા છે.

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA)ની 306મી બોર્ડ બેઠકમાં શહેરના વિકાસને તેજ આપતી અનેક મહત્વપૂર્ણ યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. આ બેઠકમાં ખાસ કરીને કનેક્ટિવિટી, ટ્રાફિક લોડ ઘટાડવા, ગાર્ડન ડેવલપમેન્ટ અને પાણી પુરવઠાની સુવિધાઓને લઈ નિર્ણયો લેવામાં આવ્યા છે.
સાણંદ અને ઘુમા વિસ્તારમાં નવી કનેક્ટિવિટી માટે માર્ગમુક્તિ
એસ.જી. હાઇવેના કણાર્વતી કલબથી સાણંદ-વિરમગામ હાઈવેને જોડતો 15 કિમી લંબાઈનો 45 મીટર પહોળો રસ્તો મોજે ગોધાવી અને નિધરાડ ગામના ભાગમાં ઍગ્રીકલ્ચર ઝોનના કારણે અમલમાં ન આવી શકતો હતો. સમાન રીતે ઘુમા ગામથી મણિપુર, શીલજ અને રાંચરડા સુધીના વિસ્તારોને જોડતો 45 મીટરનો મહત્વનો ડી.પી. રોડ પણ ઍગ્રીકલ્ચર ઝોનમાં હોવાને કારણે અમલમાં નહીં આવી શકતો.
આ બંને માર્ગો માટે AUDA બોર્ડ દ્વારા 116 હેક્ટર (ગોધાવી-નિધરાડ) અને 80 હેક્ટર (ઘુમા) વિસ્તારની ઝોન ફેરફારને મંજૂરી આપી છે. સરકારે મંજૂરી આપ્યા બાદ કનેક્ટિવિટી તૈયાર કરવામાં આવશે, જેના કારણે ટ્રાફિક લોડ ઘટશે અને મુસાફરી વધુ સરળ બનશે.
સાણંદમાં નવું ગાર્ડન બનાવાશે
સાણંદ શહેરના ગ્રીન કવરને વધારવા માટે AUDA દ્વારા TP સ્કીમ નં.1 અને TP સ્કીમ નં.5ના અંતિમખંડો (513 અને 578)ની જમીન સાણંદ નગરપાલિકાને ગાર્ડન અને પ્લાન્ટેશન માટે ફાળવી આપવામાં આવી છે. આથી સ્થાનિક રહેવાસીઓને આરામદાયક પર્યાવરણ મળશે અને પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ મળશે.
કલોલ માટે પાણીની ટાંકી અને પમ્પીંગ સ્ટેશન
કલોલ નગરપાલિકા માટે પાણી પુરવઠાની સુવિધાઓ વધુ મજબૂત બનાવવા AUDA દ્વારા TP સ્કીમ નં.3, 5 અને 6માં ફ્લોટ ફાળવણીના હેતુમાં ફેરફારની મંજૂરી આપી છે. કલોલના રહીશોને હવે વધુ સારી પાણી વ્યવસ્થાની સુવિધા મળશે.
શહેર વિકાસ યોજનાઓ માટે અન્ય મહત્વના નિર્ણયો
- TP સ્કીમ નં. 120 (કઠવાડા-કણભા) અને TP સ્કીમ નં. 517 (કણભા-કુંજાડ) માટે ચર્ચા મંજુર
- TP સ્કીમ નં. 6 (સાણંદ) હેઠળ ચાર દરખાસ્તોની ચર્ચા અને મંજૂરી
- TP સ્કીમ નં. 91એ (સનાથલ-તેલાવ) માટે અગાઉની દરખાસ્ત પ્રમાણે ચર્ચા
- TP સ્કીમ નં. 16 (ધાનજ-જાસપુર-પલસાણા-સઈજ)ને મંજૂરી માટે રાજ્ય સરકારને મોકલવાની મંજૂરી
AUDA દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયો આવતા સમયમાં શહેરના માર્ગ, પર્યાવરણ અને પાયાભૂત સુવિધાઓના વિકાસ માટે મજબૂત પાયાની રચના કરશે.
