Ahmedabad: વેજલપુરના બંગલોમાં ચાલતું હતું જુગારધામ, ક્રાઈમ બ્રાંચે 10 જુગારીઓની ધરપકડ કરી લાખોનો મુદ્દામાલ કર્યો કબ્જે
વેજલપુર ગામનો કનક ઉર્ફે ટીનો ઠાકોર જુગારની ક્લબ ચલાવતો હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાંચે રેડ કરી હતી. કનકના જુગારધામમાંથી 10 જુગારીઓની ધરપકડ કરાઈ છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચને (Crime Branch) બાતમી મળી હતી કે વેજલપુર ગામમાં મહાદેવવાળો વાસમાં ટ્વીંકલ બંગલોમાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે. જેથી ત્યાં તપાસ કરી રેડ કરતા પોલીસે કનક ઉર્ફે ટીનો સેંધાજી ઠાકોર સહિત દસ લોકોને ટ્વીંકલ બંગલોમાંથી જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.
ક્રાઈમ બ્રાંચે કનક ઠાકોરની સાથે મિનેશ પટેલ, સંજય પટેલ, વિપુલ પટેલ, અલ્કેશ ઠાકોર, દિલીપ પટેલ, નરેન્દ્ર ઠાકોર, જયેન્દ્રસિંહ સિસોદિયા, કૌશિક પટેલ અને રવિ ઠાકોરની ધરપકડ કરી હતી. પોલીસે જુગારની આ રેડ દરમિયાન રોકડા અને મોબાઈલ ફોન સહિત 4.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ક્રાઈમ બ્રાંચે તપાસ કરતા કનક ઠાકોર અન્ય કોઈ નહીં પણ નામચીન વ્યક્તિ સુરેશ ઉર્ફે સૂર્યા ઠાકોરનો ભાઈ છે અને સુરેશ ઠાકોરની થોડા વર્ષ પહેલાં જ હત્યા થઈ હતી. કનક ઠાકોર અનેક ઘણી મિલકતોનો આસામી હતો પણ ઘણા સમયથી તે શેરબજાર અને જુગારની લતે ચઢી જતા તેને દેવું થઈ જતા તેણે લોકોને ઘરે બોલાવી જુગાર રમાડવાનું શરૂ કર્યું હતું. હાલ પોલીસે આ તમામ લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપી કનક ઠાકોર છેલ્લા ત્રણ ચાર દિવસથી જુગાર રમાડતો હતો.
અગાઉ અમદાવાદમાં ખાડિયા પોલીસે મોટી કામગીરી કરતા યંત્રોના ચિત્રો ઉપર ચાલતું જુગારધામ ઝડપી પાડ્યું હતું. નિમેષ ચૌહાણ નામનો શખ્સ રાયપુર આકાશેઠ કુવાની પોળમાં જુગારધામ ચલાવતો હતો. એલ.ઈ.ડી. સ્ક્રીન ઉપર દર 15 મિનિટે ડ્રો કરીને જુગાર રમાડતો હતો. લોકોને અહીં 10 ગણા રૂપિયા જીતવાની લાલચ આપીને જુગારધામ ચલાવવામાં આવતું હતું.
આ પણ વાંચો : ગુજરાત પોલીસના પહેરવેશમાં કેવા થશે ફેરફાર, શું હતું ગણવેશ બદલવાનું કારણ જાણો
પોલીસે જુગારધામ પર દરોડા દરમિયાન હાર -જીતના ફેરમાંથી મેળવેલ રૂપિયા 6950, ઈલેક્ટ્રોનીક સાધનો રૂપિયા 25950ની કિંમતના અને અંગ ઝડતીના રોકડા રૂપિયા 8150 મળીને કુલ 41,050 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આ દરોડા દરમિયાન જુગાર રમાડનાર નિમેશ ચૌહાણ સહિત, રાજુ દરબાર, નિલાંગ ભટ્ટ, અતિત રાવલ, મુકેશ શર્મા, બીપીન ઠાકોર, દર્શન મહેતા, અલ્પેશ રાવળ, અંકિત પટેલ, ઉપેન્દ્ર નિર્મળ, દર્શન રાણા, મનીષ રાણા, હર્ષદભાઇ બારોટ, મેહુલ ચૌહાણ, પ્રકાશ સોલંકી અને પ્રતિક રાણા નામના જુગારીઓને ઝડપી લીધા હતા.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો