અમદાવાદ: દસ્ક્રોઈમાં ગરીબોને અપાતા સસ્તા અનાજમાં ઘાલમેલની ફરિયાદ, ગરીબોને લાભથી વંચિત રાખવાનો આરોપ- વીડિયો
અમદાવાદ: એકતરફ સરકાર ગરીબોને સસ્તા દરે અનાજ મળી રહે તે માટે યોજના અમલમાં મુકે છે પરંતુ ગરીબોના આ હક્ક પર લેભાગુ વચેટિયાઓ તરાપ મારે છે. દસ્ક્રોઈ તાલુકાના મુક્તિપુર ગામના 100 જેટલા લાભાર્થીઓની ફરિયાદ છે કે સસ્તા અનાજની દુકાનનો વેપારી તેમને અનાજ આપી નથી રહ્યો અને જ્યારે રજૂઆત કરવા જાય ત્યારે ઉપરથી જ અનાજ ન આવ્યુ હોવાનો ઉડાઉ જવાબ આપે છે.
અમદાવાદમાં આવેલા દસ્ક્રોઈ તાલુકાના મુક્તિપુર ગામમાં સસ્તા અનાજના દુકાનદાર પર ગરીબોનો હક્ક છીનવવાનો આરોપ લાગ્યો છે. સસ્તા અનાજની સરકારની યોજનાના લાભાર્થીઓને આરોપ છે કે દુકાનદાર સરકારી અનાજમાં ઘાલમેલ કરે છે અને લાભાર્થીઓને તેમના લાભથી વંચિત રાખે છે. મુક્તિપુર ગામના રેશનકાર્ડ ધરાવતા 100 જેટલા લાભાર્થીઓની આ ફરિયાદ છે. છેલ્લા ઘણા સમયથી દુકાનદાર તેમને અનાજ ન આપતો હોવાનો આરોપ આ ગામલોકોનો છે. ગામલોકો જ્યારે દુકાનદારને રજૂઆત કરવા માટે ગયા તો દુકાનદારે પૂરવઠા વિભાગમાંથી જ અનાજ ન આવ્યુ હોવાનુ ઉડાઉ જવાબ આપ્યો.
આ અંગે tv9ની ટીમ જ્યારે લાભાર્થીઓની ફરિયાદ લઈને પહોંચી તો દુકાનદારના સૂર તદ્દન બદલાઈ ગયા અને કાર્ડ નોન NFSA કાર્ડ હોય તો અનાજ ન મળે. આ કાર્ડનો અર્થ તે એવો સમજાવે છે કે જે તે લાભાર્થીનો જથ્થો ઉપરથી જ બંધ કરાયો હોય. એના માટેનુ ફોર્મ ભરવુ પડે.
આ તરફ લાભાર્થીનું કહેવુ છે કે તેમના મોબાઈલ પર અનાજ વિતરણ થઈ ગયાનો મેસેજ પડે છે અને તેમને અનાજ આપવામાં નથી આવતુ. એટલે કે તેમના નામથી અનાજ બારોબાર બીજા કોઈને દુકાનદાર પધરાવી દે છે. આ અંગે રજૂઆત કરી તો “એ તો બધુ ચાલ્યા કરે, એવો ઉડાઉ જવાબ ખુદ દુકાનદાર આપે છે”
અન્ય એક લાભાર્થીનો આરોપ છે કે જ્યારે જઈએ ત્યારે દુકાનદાર એવો જ જવાબ આપે છે કે તમને સરકાર તરફથી અનાજ બંધ કર્યુ છે, તમને અનાજ મળશે નહીં. જ્યારે જે તે લાભાર્થીના મોબાઈલ પર અનાજ વિતરણ થઈ ગયાના મેસેજ પડે છે. જે બંને એકબીજાથી વિપરીત બાબતો છે.
આ પણ વાંચો: તમારુ મનપસંદ ઈમોજી તમારા વિશે શું કહે છે, જાણો તમારી પર્સનાલિટી
એક તરફ ગ્રામજનોનો આરોપ, બીજી તરફ દુકાનદારના ઉડાઉ જવાબ, ગરીબોના હક પર વગદારોની તરાપનો આ કોઇ પહેલો કેસ નથી, અગાઉ પણ અનેકવાર આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે અને ગરીબોનો હક છીનવાઇ ચૂક્યો છે. ત્યારે અમદાવાદ જિલ્લા પુરવઠા વિભાગ મુક્તિપુરના ગ્રામજનોને દુકાનદાર આલાપ શાહની મનમાનીમાંથી મુક્તિ અપાવે તે જરૂરી છે. એક તરફ વાતો મોડલ સ્ટેટની થતી હોય અને છાશવારે આ પ્રકારની ગોલમાલ અને ગેરરીતિ સામે આવતી રહે છે.