Ahmedabad: આંબલી રોડ પર બિલ્ડરની ઓફિસમાં બુકાનીધારી ગેંગે મચાવ્યો તરખાટ, એક શખ્સને માથામાં પાઈપ મારી એક લાખથી વધુની મત્તા લૂંટી ફરાર
Ahmedabad: શહેરમાં રિંગરોડને અડીને આવેલા આંબલી ગામ રોડ પર આવેલી બિલ્ડરની ઓફિસમાં પાંચથી વધુ બુકાનીધારીઓ ત્રાટક્યા હતા. આ શખ્સોએ ઓફિસમાં કામ કરતા એક શખ્સને માથામાં પાઈપ મારી અને અન્ય શખ્સને બંધક બનાવી લૂંટ ચલાવી હતી. જેમાં એક લાખથી વધુની લૂંટ ચલાવી આ શખ્સો ફરાર થઈ ગયા હતા. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
અમદાવાદમાં રીંગરોડને અડીને આવેલા વિસ્તારોમાં ફરી એક વાર બુકાનીધારી ગેંગનો આતંક જોવા મળી રહ્યો છે. આંબલી ગામ રોડ પર આવેલી બિલ્ડરની ઓફિસમાં પાંચથી વધુ શખ્સો બુકાની બાંધીને ત્રાટક્યા હતા. આ શખ્સોએ ત્યાં કામ કરતા એકને માથામાં પાઈપ મારી ઈજાઓ પહોંચાડી અને એકને બંધક બનાવી ઓરડીમાં પૂરી એક લાખથી વધુની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે.
બિલ્ડરની ઓફિસમાં ત્રાટકી બુકાનીધારી ગેંગ, સમગ્ર ઘટના CCTVમાં કેદ
સરખેજ આંબલીગામ રણછોડપુરા નજીક હાઉસ ઓફ આદીના નામથી બિલ્ડીંગ આવેલુ છે. કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા બિલ્ડરની આ ઓફિસમાં રાત્રીના સમયે બે લોકો હાજર રહે છે. શનિવારે રાત્રે અજાણ્યા પાંચ લોકો હથિયાર સાથે આવ્યા હતા. અહીં પગી તરીકે રહેતા વ્યક્તિએ બહાર જઈને જોયું તો શખ્સોએ તેને માથામાં પાઇપ મારી લોહી લુહાણ કરી નાખ્યો.
જ્યારે બીજા એક યુવકને બંધક બનાવી ગળા પર છરી મૂકી શખ્સો ઓફિસમાં ઘુસ્યા અને બાદમાં એક લાખથી વધુની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. સમગ્ર લૂંટની ઘટનાના CCTV સામે આવ્યા છે. જેમાં લૂંટારાઓ બુકાની પહેરીને લૂંટ કરવા આવતા સ્પષ્ટ દેખાય છે.
લૂંટારૂઓએ એક શખ્સને માથામાં પાઈપ માર્યો, એક શખ્સને બંધક બનાવી લૂંટ ચલાવી
લૂંટ કરનાર ગેંગે આ ઓફિસની આસપાસ આવેલી ઝાડી ઝાંખરાવાળા વિસ્તારનો લાભ લઈ ત્યાંથી નાસી ગયા. શખ્સો અહીં કામ કરતા લોકોનું વાહન પણ લઈને જતા રહ્યા. રોકડ રકમ, ટીવી, બાઈક લૂંટી જનાર આરોપીઓને હવે પોલીસ શોધી રહી છે. વીવીઆઈપી લોકો રહેતા હોય તેવા આ વિસ્તારમાં રાત્રે લૂંટ થતા હવે પોલીસે અલગ અલગ ટીમો બનાવી બાઈકના નંબર અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી છે.
CCTVને આધારે પોલીસ શરૂ કરી તપાસ
હાલ આ ગેંગ ચડ્ડી બનીયન ધારી ગેંગ છે કે કેમ તે બાબતને લઈને પણ તપાસ શરૂ કરાઇ છે. જોકે પોલીસ આ ગેંગ ચડ્ડી બનિયનધારી ગેંગ હોવાનું નકારી રહી છે અને ગેંગમાં બે શખ્સો આસપાસના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે તેના આધારે તપાસ શરૂ કરતા 3 જેટલા શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે.