વૃદ્ધની ફરિયાદને આધારે સાઈબર ક્રાઈમેં રાજસ્થાનની ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરી છે. CBI અને દિલ્લી પોલીસના અધિકારી તરીકેની ઓળખ આપી ખોટા વોરંટ બતાવી વૃદ્ધને પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહીને રૂપિયા પડાવ્યા હતા. જોકે વૃદ્ધને ખ્યાલ આવતા તેને સાઈબર હેલ્પ લાઇનમાં ફોન કરી ફરિયાદ નોંધાવી હતી.
ડિજિટલ યુગમાં સાઇબર ક્રાઇમના ગુનાઓ વધી રહ્યા છે ત્યારે સાઇબર ગઠિયાઓ સિનિયર સિટીઝનને ડિજિટલ એરેસ્ટ કરી પૈસા પડાવતા હોવાના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે, ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. અમદાવાદ સાઇબર ક્રાઇમમાં એક વૃદ્ધે પોતાને ડિજિટલ એરેસ્ટ કરી એક કરોડ રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે સાઈબર ક્રાઈમની ટાઈમ રાજસ્થાની ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરી છે. પોલીસે શિવરાજ જાટ, કમલેશ બિશ્નોઈ અને નાથુરામ જાટની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી અગિયાર લાખ રૂપિયા રોકડા કબજે કરવામાં આવ્યા છે.
અમદાવાદમાં રહેતા એક વૃદ્ધને ગત તારીખ 16 નવેમ્બરના વોટ્સએપ પર એક ફોન આવ્યો હતો જેમાં તેને દિલ્લી પોલીસમાંથી બોલતા હોવાની ઓળખ આપી હતી અને વૃદ્ધના આધાર કાર્ડનો ઉપયોગ કરી જણાવ્યું હતું કે તમે મોકલેલા પાર્સલમાં 16 પાસપોર્ટ, 58 એટીએમ કાર્ડ અને 140 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું છે. જે મામલે તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે અને કોર્ટે તેમના વિરુદ્ધ એરેસ્ટ વોરંટ ઇસ્યુ કરેલું છે.
આ ઉપરાંત પોલીસની ખોટી ઓળખ આપી વૃદ્ધને ધમકી આપી હતી કે તે તપાસમાં સહકાર નહીં આપે અને તેમના કહ્યા મુજબ નહીં કરે તો તેમને આ કેસમાં ફસાવી દેવામાં આવશે અને પોલીસની ટીમ દ્વારા તેને રૂબરૂ ધરપકડ કરવામાં આવશે. જોકે વૃદ્ધ ડરી જતા તેને ડિઝીટલ અરેસ્ટ કરી તેનું નિવેદન મેળવવાના નામે ફરિયાદી પાસેથી તેના બેંકના બેલેન્સની માહિતી મેળવી હતી અને બેંકમાં રહેલા પૈસા વેરિફિકેશન માટે મોકલી આપવા જણાવ્યું હતું. પૈસા વેરીફાઈ થયા બાદ પરત મળી જશે તેવો વિશ્વાસ આપી વૃદ્ધના એક કરોડ થઈ વધુ રૂપિયા આરોપીઓએ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.
મહત્વનું છે કે પોલીસની ખોટી ઓળખ આપ્યા બાદ વૃદ્ધને CBI ના લોગો વાળા તેમજ દિલ્લી કોર્ટના અને RBI ના સહી સિક્કા વાળા બનાવેલા ખોટા પત્રોના ફોટો પણ વોટ્સએપ કરવામાં આવ્યા હતા. પોલીસે ફરિયાદને આધારે આરોપીના જે બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તેની માહિતી મેળવી આરોપીઓ સુધી પહોચી હતી. બેંક એકાઉન્ટ ધારક જ્યારે રૂપિયા ઉપાડી અન્ય આરોપીઓ વચ્ચે રૂપિયા ભાગબટાઈ કરવા હોટેલમાં રોકાયા હતા ત્યારે સાઈબર ક્રાઈમે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપી કલ્પેશ બિશ્નોઈ બીએ સુધીનો અભ્યાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ પોતાના બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવતા હતા. જોકે ડુપ્લિકેટ પોલીસ અધિકારી બની અને ડિજિટલ એરેસ્ટ કરતા આરોપીઓ હજી પોલીસ પકડ થી દૂર છે. ત્યારે હવે પોલીસ આ ગેંગ દ્વારા અન્ય કોઈને પોતાનો શિકાર બનાવ્યા છે કે કેમ તેમજ બેંક માં જમા થયેલા રૂપિયા અન્ય કયા કયા ઉપયોગ થયા છે તેને લઈને તપાસ શરૂ કરી છે.