નિયમિત જામીન લેવા આરોપી તીસ્તા સેતલવાડે સેશન્સ કોર્ટમાં અરજી કરી, 8 જુલાઈના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે
આ કેસમાં કોર્ટ સમક્ષ ખોટા પુરાવાઓ રજૂ કરી ન્યાયિક પ્રક્રિયાને ગેરમાર્ગે દોરવાના કાવતરાનો પણ આરોપ તમામ પર લગાવવામાં આવ્યો છે.
ગોધરા કાંડ (Godhara kand) બાદ ફાટી નીકળેલાં તોફોમાં પીડિતોને ન્યાય અપાવવાના નામે ઝાકિયા જાફરીનો કેસ વર્ષો સુધી લંબાવવાના ગુનામાં એક્ટિવિસ્ટ તીસ્તા સેતલવાડ (Teesta Setalvad) અને અન્યો સામે ક્રાઈમ બ્રાન્ચે નોંધેલા કેસ મામલે આરોપી તીસ્તા સેતલવાડે અમદાવાદ (Ahmedabad) સેશન્સ કોર્ટમાં અરજી કરી છે. સેશન્સ કોર્ટમાં તીસ્તા સેતલવાડએ નિયમિત જામીન મેળવવા માટે કરી અરજી કરી છે. મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ તીસ્તા સેતલવાડ, પૂર્વ પોલીસ વડા આર.બી. શ્રીકુમાર અને IPS સંજીવ ભટ્ટ સામે ક્રાઈમ બ્રાન્ચે નોંધ્યો છે. આ સમગ્ર મામલે આરોપીઓ પર ખોટા દસ્તાવેજો ઉભા કરી નિર્દોષને ફસાવીને અને તેને સજા થાય એવા ષડયંત્રની રચના કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને તેમાં પણ ખાસ ગુજરાત બદનામ થાય તે માટે પીડિતોના નામે ફંડ એકત્રિત કરી તેનો દુરુપયોગ કરવાનો આક્ષેપ પણ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ સાથે જ ફરિયાદમાં કોર્ટ સમક્ષ ખોટા પુરાવાઓ રજૂ કરી ન્યાયિક પ્રક્રિયાને ગેરમાર્ગે દોરવાના કાવતરાનો પણ આરોપ તમામ પર લગાવવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે હવે આગામી 8 જુલાઈ એટલે કે શુક્રવારના રોજ સુનાવણી હાથ ધરાશે.
તિસ્તાએ શું કર્યું હતું?
CJP સંસ્થાએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત 62 અન્ય સરકારી અધિકારીઓ વિરુદ્ધ 2002ના ગુજરાત રમખાણોમાં તેમની ભૂમિકા માટે ગુનાહિત કેસ કરવાની માંગ કરી હતી. આ અંગે ભાજપનું કહેવું હતુ કે, તિસ્તાનું સંગઠન PM મોદીને બદનામ કરવા માટે કોંગ્રેસ દ્વારા મેનેજ કરવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે, 24 જૂન 2022ના રોજ સુપ્રીમ કોર્ટે ગુજરાત રમખાણો મામલે વડાપ્રધાન મોદીને આપવામાં આવેલી SITની ક્લીનચીટને યથાવત રાખવા સાથે કહ્યું હતું કે, સામાજિક કાર્યકર્તા તીસ્તા સેતલવાડે અરજકર્તા ઝાકિયા જાફરીની ભાવનાઓનો પોતાનો સ્વાર્થ સાધવા માટે ઉપયોગ કર્યો છે.
હિંસા પીડિતોના નામે કરોડોનું ફંડ ઉઘરાવ્યું હોવાનો આરોપ
તેની સામે આરોપ પણ છે કે, તીસ્તા અને તેના પતિ જાવેદ આનંદે 2007 થી 2014 સુધી મોટા પાયે ફંડ કલેક્શન કેમ્પેઈન શરૂ કરીને હિંસા પીડિતોના નામે 6 થી 7 કરોડ રૂપિયા સુધીના રકમ ઉઘરાવીને મોટું કૌભાંડ આચર્યું છે. આ દાનની રકમ માટે તેમણે પોતાની એક પત્રિકામાં જાહેરખબર આપી અને અનેક મ્યૂઝીકલ અને આર્ટિસ્ટિક ઈવેન્ટનું આયોજન કરીને પૈસા બનાવ્યા હતા.