OMICRON : અમદાવાદમાં ઓમિક્રોનના 5 નવા કેસ, વિદેશથી આવેલી 1 બાળકી અને 4 મહિલાઓ સંક્રમિત
OMICRON IN AHMEDABAD : વિદેશથી આવેલી 1 બાળકી સહિત 4 મહિલાઓ ઓમિક્રોન સંક્રમિત થઇ છે.અમદાવાદમાં 2 ઓમિક્રોન કેસ હતા અને આ 5 નવા કેસ આવતા હવે ઓમિક્રોનના કુલ કેસ 7 થયા છે.
AHMEDABAD : અમદાવાદ શહેરમાં ઓમિક્રોનના 5 નવા કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. વિદેશથી આવેલી 1 બાળકી સહિત 4 મહિલાઓ ઓમિક્રોન સંક્રમિત થઇ છે. જેમાં કોંગોથી મકરબા આવેલી 8 વર્ષની બાળકી, 32 વર્ષની મહિલા, દુબઈથી થલતેજ આવેલી 39 વર્ષીય મહિલા, તાન્ઝાનિયાથી મણીનગર આવેલી 42 વર્ષીય મહિલા અને યુકેથી નવરંગપુરા આવેલી 40 વર્ષીય મહિલા કોરોના ઓમિક્રોન સંક્રમિત થઇ છે. અમદાવાદમાં 2 ઓમિક્રોન કેસ હતા અને આ 5 નવા કેસ આવતા હવે ઓમિક્રોનના કુલ કેસ 7 થયા છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા 11 દિવસમાં કોરોનાના સૌથી વધારે કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. જેના પગલે રાજયમાં અમદાવાદ કોરોનાનું હોટ સ્પોટ બની ગયું છે. અમદાવાદ શહેરમાં 12 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી કોરોનાના નવા 25 કેસ નોંધાયા છે.આ ઉપરાંત અમદાવાદ શહેરમાં મંગળવારે એક જ દિવસમાં કોરોનાના નવા 33 અને બુધવારે 25 કેસ નોંધાતા તંત્રની ઉંઘ ઉડી છે.
AMCએ વેકસીનેશનના બીજા ડોઝ માટે ડોર ટુ ડોર સર્વે હાથ ધર્યો છે. આ ઉપરાંત રાજ્યમાં વાઈબ્રન્ટ સમિટ યોજાય તે પહેલા જ કોરોનાના કેસોમાં વધારો થયો છે. અમદાવાદ એરપોર્ટ પર એક જ દિવસમાં વિદેશથી આવેલા આઠ મુસાફરો કોરોના પોઝિટિવ આવતા ડર ફેલાયો છે. અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હાઇરિસ્ક દેશોમાંથી આવતા મુસાફરોનું ફરજિયાત RTPCR ટેસ્ટિંગ થાય છે.
ગુજરાતમાં ઓમિક્રોનના કેસની સંખ્યા વધીને કુલ 18 થઈ ગઈ છે. રાજ્યમાં રવિવારે 6 નવા કેસ નોંધાયા, જેમાં ગાંધીનગરમાં 1, સુરત-રાજકોટમાં 1-1, અમદાવાદમાં ટાન્ઝાનિયાથી આવેલું 1 કપલ સહિત આણંદનો 1 યુવક સામેલ છે. ગાંધીનગરમાં વાઈબ્રન્ટ પહેલા ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ થઈ ગઈ છે.
લંડનથી 14 ડિસેમ્બરે સેક્ટર-1માં આવેલા પરિવારના 15 વર્ષીય કિશોરને પાંચ દિવસ બાદ શરદી-ખાંસી થતાં કોરોના ટેસ્ટ કરાવાયો હતો. તેમાં તેનો RTPCR ટેસ્ટ પોઝિટિવ આવતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ ઉપરાંત ટાન્ઝાનિયાથી સારવાર માટે આવેલું એક દંપતી પણ રવિવારે ઓમિક્રોન પોઝિટિવ આવ્યું છે, જેમને હવે એસવીપી હોસ્પિટલમાં દાખલ કરી સારવાર અપાઈ રહી છે.
આ ઉપરાંત બ્રિટન-દુબઈથી અમદાવાદ આવેલો તેમજ સિવિલ હોસ્પિટલમાં દાખલ આણંદનો 48 વર્ષીય પુરુષ પણ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે. રાજકોટના ત્રાંબા ગામની આર. કે. યુનિવર્સિટીમાં ટાન્ઝાનિયાથી અભ્યાસર્થે આવેલો એક 23 વર્ષીય વિદ્યાર્થી ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ, સુરતમાં પણ એક સપ્તાહમાં જ ઓમિક્રોન વેરિયન્ટનો બીજો કેસ નોંધાયો છે.
આ પણ વાંચો : GUJARAT : કોરોનાના કેસોમાં વધારો, નવા 91 કેસ સાથે 2 દર્દીના મૃત્યુ, એક્ટીવ કેસ 600ને પાર