Ahmedabad : અગ્રવાલ પરિવાર માટે સોશિયલ મીડિયા બન્યું આશીર્વાદ રૂપ, સમોસા-કચોરીનો વીડિયો વાયરલ થતા વધી ઘરાકી
તમને જાણીને નવાઈ લાગશે કે આ પરિવારની પહેલાથી આર્થિક પરિસ્થિતિ ખરાબ નથી. અગ્રવાલ પરિવાર પહેલા સુખરામનગરમાં પોતાના મકાનમાં રહેતો તેમજ સંતોષી નામની દુકાન પણ ધરાવતો.
સોશિયલ મીડિયામાં કેટલી તાકાત હોય એ ફરી એકવાર સાબિત થયું છે. કે જ્યાં ગોરના કુવા પાસે રહેતા અને ધોરણ 8 માં અભ્યાસ કરતા 14 વર્ષીય એક બાળક તેના પિતા સાથે મણિનગર રેલવે સ્ટેશન પાસે સમોસા કચોરી વહેંચી કમાણી કરે છે. જે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આર્થિક સંક્રમણમાં રહેલ અગ્રવાલ પરિવાર જેટલા સમોસા કચોરી બનાવે છે તે પણ ઓછા પડે છે.
જીહા. આ વાત છે મણિનગર ગોરના કુવા પાસે આવેલ મનોરકુંજ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા અગ્રવાલ પરિવારની. કે જેઓ હાલમાં સમોસા કચોરી બનાવી તેનું વેચાણ કરી કમાણી કરી ગુજરાન ચલાવે છે. અગ્રવાલ પરિવારમાં દિલીપ ભાઈ, તેમની પત્ની, માતા અને બે પુત્રી અને પુત્ર છે. જે તમામ આ જ કામ કરે છે. 14 વર્ષીય પુત્ર તનમય ધોરણ 8 માં અભ્યાસ કરે છે.
જ્યારે 15 વર્ષીય હિરલ ધોરણ 10 માં અભ્યાસ કરે છે. તો પત્ની શ્વેતા હાઉસ વાઈફ છે. જેમાં બને બાળકો અભ્યાસ કર્યા બાદ પૂરો પરિવાર એક સાથે મળી સમોસા કચોરી બનાવે છે. અને સાંજ પડતા સાડા પાંચ વાગે પિતા અને પુત્ર એક્ટિવા લઈને મણિનગર રેલવે સ્ટેશન પાસે પહોંચી જાય છે. જ્યાં તેઓ સમોસા કચોરી વહેંચી કમાણી કરે છે.
અગ્રવાલ પરિવારની હાલત હાલમાં ખરાબ છે. કેમ કે તેઓ ભાડાના મકાનમાં રહે છે. જ્યાં તેઓ 13 હજાર ભાડું ચૂકવે છે. તો બાળકોનો અભ્યાસ અને ઘર ચલાવવું અનેક સમસ્યા છે. જેથી આ આર્થિક પરિસ્થિતિથી પીડાતા પરિવારનો સોસીયલ મીડિયામાં વિડિઓ વાયરલ થતા તેઓ જે સમોસા કચોરી બનાવે છે તે પણ ઓછા પડે છે. કેમ કે લોકો તેમની મદદે આગળ આવ્યા છે.
પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ પરિવારની પહેલાથી આર્થિક પરિસ્થિતિ ખરાબ નથી. અગ્રવાલ પરિવાર પહેલા સુખરામનગરમાં પોતાના મકાનમાં રહેતો તેમજ સંતોષી નામની દુકાન પણ ધરાવતો. જોકે પારિવારિક સમસ્યાને લઈને 8 વર્ષથી દિલીપ અગ્રવાલ પરિવારથી અલગ પડ્યા અને બાદમાં તેઓ ભાડાના મકાનમાં રહી ઘરે સમોસા કચોરી બનાવી એક્ટિવા પર લઈ જઈ વહેચી ગુજરાન ચલાવે છે.
એક બે નહિ પણ છેલ્લા આઠ વર્ષથી પિતા અને તેમના પરિવાર સંઘર્ષ કરે છે. જેમાં છેલ્લા બે વર્ષથી પુત્ર તનમય પણ તેમના સંઘર્ષનો સાથી બન્યો છે. તો પરિવાર પણ તેટલો જ સંઘર્ષ કરે છે. જે લોકો માટે એક ઉદાહરણ રૂપ ગણી શકાય. પણ બાળક માટે એટલે અઘરું છે કે અભ્યાસ અને જોડે પિતાને મદદ તે અઘરું બની રહે છે. જોકે તનમય તેના પરિવારને મદદ કરવાની આશ સાથે મહેનત કરે છે અને પિતાને મદદ કરે છે.
તો લોકો પણ હવે આ અગ્રવાલ પરિવારની મદદે આગળ આવ્યા છે. જે મોટી અને મહત્વની બાબત છે. ત્યારે અન્ય લોકો પણ જો આ અગ્રવાલ પરિવાર અને તેમના જેવા અન્ય પરિવારની મદદે આગળ આવે તો તેવા પરિવારને એક ટેકો પણ મળી રહે અને તેવા પરિવાર મહેનતની કમાણીથી પરિવારનું ગુજરાન પણ ચલાવી થોડી કમાણી કરી બચત પણ કરી શકે. જેથી કોરોનાની કપરી પરિસ્થિતિમાં આવા પરિવારને એક આર્થિક ટેકો પણ મળી રહે.