અમદાવાદમાં વિદેશી દારૂની હેરાફેરી પર LCBની તવાઈ, મણિનગરમાં ફિલ્મી ઢબે બે આરોપી પકડાયા
અમદાવાદના મણિનગરમાં LCB ઝોન-6 ની ટીમે ફિલ્મી ઢબે કાર ઘેરીને ₹17.31 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. કાર મૂકી ભાગવાનો પ્રયાસ કરતા બે આરોપી પકડાયા છે, જ્યારે સપ્લાયર સહિત 5 શખ્સો વોન્ટેડ જાહેર થયા છે.
અમદાવાદ શહેરમાં ગેરકાયદે વિદેશી દારૂની હેરાફેરી સામે LCB ઝોન-6ની ટીમે લાલ આંખ કરીને મોટી સફળતા મેળવી છે. બાતમીના આધારે પોલીસે મણિનગર વિસ્તારમાં આવેલા ઝગડિયા બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ કારને રોકવાનો પ્રયાસ કરતા બૂટલેગરોએ પોલીસથી બચવા કાર રસ્તા પર જ મૂકીને પગપાળા ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, એલસીબીની ટીમે ફિલ્મી ઢબે પીછો કરીને બે આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા શખ્સો રાજસ્થાન બોર્ડર પરથી આ વિદેશી દારૂનો મોટો જથ્થો શહેરમાં ઘુસાડી રહ્યા હતા. પોલીસે કારની તલાશી લેતા તેમાંથી ₹17.31 લાખથી વધુની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને કાર સહિતનો તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ સમગ્ર નેટવર્કમાં દારૂનો જથ્થો સપ્લાય કરનાર મુખ્ય સપ્લાયર તેમજ સ્થાનિક સ્તરે માલ મંગાવનારા અન્ય 4 બૂટલેગરો સહિત કુલ 5 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
With input:- Harin Matravadia
