અમદાવાદ : એએમસીએ છેલ્લા ત્રણ મહિનામાં 1200 કરોડના 31 પ્લોટમાં થયેલા દબાણો દૂર કર્યા
ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે જ્યાં પણ ગેરકાયદે બાંધકામ અને દબાણો છે. ત્યાં દૂર કરવાની કાર્યવાહી દેવ દિવાળી બાદ ફરીથી શરૂ કરવામાં આવશે.
ગેરકાયદે બાંધકામ અને દબાણ સામે કોર્પોરેશને લાલા આંખ કરી છે. એએમસીએ છેલ્લા ત્રણ મહિનામાં 1200 કરોડના 31 પ્લોટમાં થયેલા દબાણો દૂર કર્યા છે. વિવિધ ઝોનમાં કોર્પોરેશનની માલિકીના રિઝર્વ પ્લોટમાં થયેલા દબાણો દૂર કરી પ્લોટને ખુલ્લા કરવામાં આવ્યા છે. એએમસીના પ્લોટ પર ફરીથી દબાણો ના થાય તે માટે પ્લોટનું મોનીટરીંગ કરવામાં આવશે. અને સ્થળ પર જઈને સુપરવાઈઝરે દર અઠવાડિયે પ્લોટનું પંચનામું કરવું પડશે. છેલ્લા ત્રણ મહિનાથી કોર્પોરેશન દ્વાર વિવિધ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો તોડવાની અને કોર્પોરેશનની માલિકીના રિઝર્વ પ્લોટ પર થયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.એસ્ટેટ અને ટીડીઓ ખાતા દ્વારા છેલ્લા ત્રણ મહિનામાં શહેરના વિવિધ ઝોનમાં આવેલા કોર્પોરેશનની માલિકીના 31 પ્લોટમાં થયેલા દબાણો દૂર કરી પ્લોટ ખાલી કરાવવામાં આવ્યા છે.આ પ્લોટની કિંમત 1200 કરોડની છે.ત્રણ મહિનામાં 1200 કરોડના પ્લોટ ખાલી કરાવી નોટીસ મારવામાં આવી છે.કોર્પોરેશનની માલિકીના અનેક રિઝર્વ પ્લોટૉ પર દબાણ થવાની ફરિયાદો મળી હતી.જેને લઈને પ્લોટમાં થયેલા ગેરકાયદે દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.કેટલાક પ્લોટની ફરતે કમ્પાઉન્ડિંગ વોલ પણ બનાવવામાં આવી છે જેથી પ્લોટમાં ફરીથી દબાણના થાય.
એએમસીની માલિકીના 40 જેટલા રિઝર્વ પ્લોટમાં દબાણ થયું હોવાનું સામે આવ્યું હતું.40 માંથી અત્યાર સુધીમાં 31 જેટલા પ્લોટમાંથી દબાણો અને ગેરકાયદે બાંધકામો દૂર કરી દેવામાં આવ્યા છે.પ્લોટમાં દબાણ ના થાય તે માટે દર મહિને પ્લોટનું મોનીટરીંગ કરવામાં આવશે.એસ્ટેટ વિભાગના સુપરવાઈઝરને સ્થળ તપાસ કરી પ્લોટની સ્થિતિ અંગે પંચનામું કરી લોગબુકમાં એન્ટ્રી કરવી પડશે.અને દર મહિને તેનો રિપોર્ટ રજૂ કરવો પડશે.
ક્યાં પ્લોટમાં થયેલ દબાણો દૂર કર્યા -વસ્ત્રાલ વોર્ડમાં ટીપી 112માં ફાઇનલ પ્લોટ 49/1માં થયેલા 9741 ચોરસ મીટરમાં થયેલા દબાણ અને ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યા -વસ્ત્રાલ વોર્ડ ટીપી 113માં ફાઇનલ પ્લોટ 228માં 2850 ચો.મીટરમાં થયેલ દબાણ દૂર કરાયું -ગોમતીપુર ટીપી 10માં ફાઇનલ પ્લોટ 123 અને 124માં 750 ચોરસ ફૂટ ગેરકાયદે બાંધકામ તોડી પ્લોટ ખુલ્લો કરાયો -વિરાટનગર વોર્ડમાં ટીપી 49માં ફાઇનલ પ્લોટમાં 2587 ચો.મીટર દબાણ દૂર કર્યું
ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે જ્યાં પણ ગેરકાયદે બાંધકામ અને દબાણો છે. ત્યાં દૂર કરવાની કાર્યવાહી દેવ દિવાળી બાદ ફરીથી શરૂ કરવામાં આવશે. સાતે ઝોનમાં જ્યાં પણ કોર્પોરેશનના રિઝર્વ પ્લોટ પર દબાણો અને ગેરકાયદે બાંધકામો થયેલા છે તેને આઇડેન્ટિફાય કરી કાર્યવાહી કરવામાં આવશે.