કોરોનાની બીજી લહેર પૂર્ણ થઈ ચૂકી છે. જેથી હવે ઘણી હોસ્પિટલો ખાલી થઈ ગઈ છે. કોરોનાના લીધે શહેરમાં સિવિલ, સ્મીમેર અને મસ્કતી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા સામે સ્ટાફ પણ ઓછો પડતો હતો.
જો કે હવે સમય બદલાયો છે અને ઉલટી ગંગા શરૂ થઇ છે.ખાસ કરીને એક સમયે કોટ વિસ્તાર માટે આશીર્વાદરૂપ એવી મહાનગરપાલિકા સંચાલિત મસ્કતી હોસ્પિટલમાં પણ હવે દર્દીઓની સંખ્યા ઓછી થઈ ગઈ છે. 50 બેડની આ હોસ્પિટલમાં હાલ માત્ર 9 દર્દીઓ દાખલ છે. પરંતુ તેની સામે 35 તબીબો સહિત મોટી સંખ્યામાં સ્ટાફ છે.
મેયર હેમાલી બોઘાવાળાએ મસ્કતી હોસ્પિટલની સ્થિતિ જાણવા અહીં સ્ટાફ સાથે મીટિંગ કરી હતી. ત્યારે આ હકીકત સામે આવી હતી. તબીબો સહિત અન્ય સ્ટાફ પણ અહીં મોટી સંખ્યામાં બિન જરૂરી હોવાનું જણાતા જ્યાં જરૂર હોય તે હોસ્પિટલમાં અને ખાસ કરીને સ્ટાફની અછતનો સામનો કરી રહેલી હોસ્પિટલમાં શિફ્ટ કરવા સૂચના આપી છે.
મસ્કતી હોસ્પિટલમાં કુલ 35 મેડીકલ ઓફિસરો, 117 વોર્ડ બોય, 151 સફાઈ કામદાર, 30 આયા, 98 નર્સ જેટલો સ્ટાફ છે. તેમજ મસ્કતી હોસ્પિટલ વાર્ષિક 14 કરોડનું મહેકમ છે. હાલમાં 50 બેડની સુવિધા સામે માત્ર 9 દર્દીઓ દાખલ છે. જેથી તે હોસ્પિટલમાં જાણે આ સ્ટાફ આરામ પર મુકાયો હોય તેવી પ્રતીતિ થઈ છે. ત્યારે હજી પણ સામાન્ય બીમારી માટે મસ્કતી હોસ્પિટલ કોટ વિસ્તારના લોકો માટે જરૂરી છે. જેથી દર મહિને અહીં 9 થી 10 હજાર જેટલા દર્દીઓની ઓપીડી થાય છે.
પરંતુ આટલા સ્ટાફમાં જરૂર ન હોય તેવા સ્ટાફને અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવે તેવી તાકીદ કરવામાં આવી છે. હાલ સ્મીમેર હોસ્પિટલમાં સ્ટાફની અછત જોવા મળી રહી છે. ત્યારે મસ્કતિ હોસ્પિટલના વધારાના સ્ટાફને સ્મીમેર મુકવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: Surat : કાપડ ઉદ્યોગ માટે જીએસટીના દરમાં ફેરબદલ કરવા ફરી માંગ, 5 ટકાનો દર કરવા કરી માંગ
આ પણ વાંચો: World female Ranger Day : સુરતના માંડવી તાલુકાના જંગલોમાં આ મહિલાઓના શિરે છે મોટી જવાબદારી