તો ગુજરાતમાં પણ બનશે તિરુપતિ બાલાજીનું ભવ્ય મંદિર, જાણો ક્યાં બિરાજશે ભગવાન વેંકટેશ્વર
Tirupati Balaji Temple in Gujarat : ગુજરાતમાં પણ આંધ્રપ્રદેશ માં છે એવું જ તિરુપતિ બાલાજીનું ભવ્ય મંદિર બની શકે છે. આ ભવ્ય મંદિરના નિર્માણ માટે 8 થી 10 એકરની જમીનની જરૂર પડશે.
GUJARAT : આંધ્રપ્રદેશમાં આવેલું તિરુપતિ બાલાજીનું મંદિર વિશ્વવિખ્યાત છે. અહી દર વર્ષે કરોડોની સંખ્યામાં દેશ ઉપરાંત વિદેશમાંથી પણ શ્રદ્ધાળુઓ આવે છે અને ભગવાન વેંકટેશ્વરના દર્શન કરી ભવ્યતા અનુભવે છે. જો કે હવે તિરુપતિ બાલાજી મંદિર વિશે અકે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યાં છે. અને આ સમાચાર એ છે કે ગુજરાતમાં પણ આંધ્રપ્રદેશમાં છે એવું જ તિરુપતિ બાલાજીનું ભવ્ય મંદિર બની શકે છે. આ ભવ્ય મંદિરના નિર્માણ માટે 8 થી 10 એકરની જમીનની જરૂર પડશે.
દક્ષિણ ભારતના 5000 વર્ષ જૂના તિરુપતિ બાલાજીના તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડમાં હાલમાં જ ડો. કેતન દેસાઈની કેન્દ્ર સરકાર દ્વારા સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ડો. કેતન દેસાઈ બે વર્ષ સુધી આ બોર્ડના સભ્ય તરીકે રેહશે. ડો.કેતન દેસાઈ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને વર્લ્ડ મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ છે. તેઓબી.જે.મેડિકલ કોલેજના યુરોલોજી ડિપાર્ટમેન્ટના હેડ પણ રહી ચૂક્યા છે. ડો.કેતન દેસાઈ હાલના ગુજરાત મેડિકલ કાઉન્સિલના સભ્ય છે.
ડો.કેતન દેસાઈ નવસારી જિલ્લાના મરોલીના વતની છે.તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડમાં ડો.દેસાઈ સહિતના સભ્યોની બે વર્ષ માટે બોર્ડમાં નિયુક્તિ કરવામાં આવી છે. બોર્ડ દ્વારા હાલમાં જ ડો.દેસાઈને દક્ષિણના પરંપરાગત વસ્ત્રોમાં મંદિરમાં શપથ ગ્રહણ કરાવવામાં આવ્યાં હતા, જે બોર્ડની એક પ્રક્રિયા છે. ડો.દેસાઈની શપથવિધિ બાદ બોર્ડની બેઠક મળી હતી.
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડના સભ્ય તરીકેની પ્રથમ બેઠકમાં ડો.કેતન દેસાઈએ બોર્ડ સમક્ષ મહત્વપૂર્ણ પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવ ગુજરાતમાં તિરુપતિ બાલાજીનું ભવ્ય મંદિર બનાવવા અંગેનો હતો. બોર્ડે તેમની રજૂઆત સાંભળીને સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. આ સાથે જ બોર્ડે કહ્યું કે જો ગુજરાત સરકાર 8 થી 10 એકર જમીન આપે તો તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડ ગુજરાતમાં પણ તિરુપતિ બાલાજીનું ભવ્ય મંદિર બનાવવા અંગે વિચાર કરી શકે છે. જો કે આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કે નિવેદન સામે આવ્યું નથી.
ગુજરાતમાં તિરુપતિ બાલાજી જેવું ભવ્ય મંદિર બનાવવા માટે બોર્ડે 8 થી 10 એકર જમીન જમીનની માંગણી કરી છે. એક શકયતા પ્રમાણે જો ગુજરાતમાં આ મંદિર બનશે તો એક ગુજરાતના પાટનગર ગાંધીનગર અને મેગાસીટી અમદાવાદની આસપાસ બને તેવી પ્રબળ શકયતા છે. ત્યારે જોવું રહ્યું કે આ અંગે ક્યારે સત્તાવાર જાહેરાત થશે.
આ પણ વાંચો : Gujarat Weather: ગુજરાતના બંદરો ઉપર 3 નંબરનુ ભયસુચક સિગ્નલ લગાવવા, માછીમારોને દરિયા ના ખેડવા હવામાન વિભાગની સુચના