દેશ – વિદેશમાં ઊંચી માંગ ધરાવતી હિલ્સા માછલી માટે 1200 બોટ સમુદ્ર તરફ રવાના કરાઈ, નર્મદા પૂજન બાદ માછીમારોએ સીઝનની શરૂઆત કરી

દેવપોઢી અગિયારસથી નર્મદા નદીનું પૂજન અર્ચન અને દુદ્યાભિષેક કરીને માછીમારીની શરૂઆત કરતા હોય છે. ચોમાસાની સીઝનમાં ભાડભૂતનાં માછીમારોએ પકડેલી હિલ્સા માછલી સ્થાનિક વેપારીઓ ખરીદી મુંબઇનાં બજારમાં વેચે છે. જયાંથી ભારત બહાર અન્ય દેશોમાં હિલ્સા માછલીની નિકાસ થાય છે.

  • Publish Date - 7:10 am, Wed, 21 July 21 Edited By: Ankit Modi
દેશ - વિદેશમાં ઊંચી માંગ ધરાવતી હિલ્સા માછલી માટે 1200 બોટ સમુદ્ર તરફ રવાના કરાઈ, નર્મદા પૂજન બાદ માછીમારોએ સીઝનની શરૂઆત કરી
Fishermen have started the fishing season with the worship of Narmada

માછીમારોએ નર્મદાના પૂજન સાથે માછીમારીની સીઝનની શરૂઆત કરી છે. માછીમારી માટે સમુદ્ર તરફ જતા માછીમારો લોકમાતાને સારી આવક અને સુરક્ષા માટે પ્રાર્થના કરી દુદ્યાભિષેક સાથે 51 મીટર લાંબી ચૂંદડી ચઢાવી હતી. 1200 બોટમાં 6000 માછીમારો અંદાજીત 35 કિમી સુધી 7 દિવસ સમુદ્ર ખૂ઼ંદવા રવાના થયા હતા. ભરૂચના ભાડભૂત નજીક ખંભાતના અખાત અને નર્મદાના સંગમ સ્થાને દેશ વિદેશમાં ઊંચી માંગ ધરાવતી હિલસા માછલી મળે છે.

ભરૂચ જિલ્લામાં ભાડભૂતથી નિકોરા સુધીની પટ્ટી ઉપર વસતા 25 હજારથી વધુ માછીમારો મંગળવારે દેવપોઢી અગિયારસથી નર્મદા નદીનું પૂજન અર્ચન અને દુદ્યાભિષેક કરીને માછીમારીની નવી મૌસમનો પ્રારંભ કર્યો છે. ચાલુ વર્ષની સ્થિતિને જોતા માછીમારો સીઝન સારી જાય તેવી આશા રાખી રહ્યાં છે.ચોમાસાના ચાર મહિનામાં હિલ્સા માછલી પકડીને જિલ્લાના 25000 થી વધારે માછીમારો આખા વર્ષની રોજગારી પ્રાપ્ત કરે છે.

ભાડભુતના નર્મદાકાંઠે માછીમારોમાં ઉત્સવમય માહોલ જોવા મળ્યો હતો. માછીમાર સમાજના લોકો ઢોલ નગારા સાથે નર્મદા અને સિકોતર માતાજીના મંદિરે આવી પહોંચ્યાં હતાં અને માતાજીનું પૂજન અર્ચન કર્યુ હતું. નર્મદા માતાના મંદિરે ભજન રમઝટ જામી હતી.ત્યાર બાદ માછીમારોએ નર્મદા નદીના એક કિનારાથી બીજા કિનારા સુધી નદીના જળમાં દુધનો અભિષેક કરી 51 મીટર લાંબી ચૂંદડી અર્પણ કરીને તેમની આ સીઝન સારી રહે તે માટે નર્મદા મૈયા અને દરિયાલાલને પ્રાર્થના કરી હતી.

ચાંદીની પાટ તરીકે પણ ઓળખવામાં આવે છે
માછીમારો તેઓની બોટ લઇ 7 દિવસ નદીના મુખ પ્રદેશથી લઇ દરીયામાં 35 કિમિ સુધી અંદર ધામા નાખી હિલ્સા માછલી પકડે છે. નર્મદા નદીના મીઠા પાણીમાં હિલ્સા માછલી ઈંડા મુકવા આવે છે. ભરૂચની નર્મદા નદીના મીઠા પાણીમાં મળતી હિલ્સા માછલી મૂળ દરીયાઈ જીવ છે પરંતુ તે પોતાના બચ્ચાંને મીઠા નિર્મળ શુદ્ધ જળમાં ઉછેરવા દર વર્ષે જુનથી ઓગષ્ટ મહિના સુધી મીઠા પાણીમાં ઇંડા મૂકવા નર્મદા તરફ આવે છે. આ માછલી ખુબ ચળકાટ ધરાવે છે જેને ચાંદીની પાટ તરીકે પણ ઓળખવામાં આવે છે.

દેશ – વિદેશમાં ઊંચી માંગ
દેવપોઢી અગિયારસથી નર્મદા નદીનું પૂજન અર્ચન અને દુદ્યાભિષેક કરીને માછીમારીની શરૂઆત કરતા હોય છે. ચોમાસાની સીઝનમાં ભાડભૂતનાં માછીમારોએ પકડેલી હિલ્સા માછલી સ્થાનિક વેપારીઓ ખરીદી મુંબઇનાં બજારમાં વેચે છે. જયાંથી ભારત બહાર અન્ય દેશોમાં હિલ્સા માછલીની નિકાસ થાય છે. ભાડભૂત ખાતે સ્થાનિક વેપારીઓ ઉપરાંત સુરત, મુંબઇ અને કલકત્તાનાં વેપારીઓ પણ માછલી ખરીદવા ભાડભૂતમાં ગામમાં ધામ નાખે છે.

ભરૂચના માછીમારો અંગેની કેટલીક રસપ્રદ માહિતી ઉપર કરો એક નજર
> 25000 માછીમાર પરીવાર વ્યવસાય પાર નભે છે
> 950 બોટ ભાડભૂતથી દરીયો ખૂંદવા જશે
> 250 બોટ અન્ય 3 જિલ્લામાંથી આવી
> 6300 થી વધુ માછીમારો સાગર ખેડશે
> 7 દિવસ સાગરમાં રહી 40 કિમીમાં માછીમારી કરશે
> 24 કલાકે મહિલાઓ કિનારે ભોજન અને પાણીનો જથ્થો આપવા જશે સામે માછીમાર માછલીઓ વેચવા આપી પરત જાય છે
> રાજયનાં અન્ય 3 જિલ્લામાંથી 250 નાવડીઓ સાથે 1500 માછીમાર આવ્યાં