ડ્રીમ ગર્લ સિવાય પણ આ હિરોઈનના દિવાના હતા ધર્મેન્દ્ર, તેમની એક ફિલ્મ વીરુએ 40 વખત જોઈ, તેની પ્રેરણાથી જ ફિલ્મોમાં આવવા પ્રેરાયા
ધર્મેન્દ્રનુ પાગલપન હિરોઈન્સ વચ્ચે કોઈનાથી છુપુ નથી. પરંતુ એક હિરોઈન એવી પણ હતી જેના પર ધર્મેન્દ્રને ક્રશ હતો. તેમની એક ફિલ્મ વીરુએ 40 વખત જોઈ હતી અને તેમના કહેવાથી જ તેમણે સિનેમાની દુનિયામાં પગ રાખ્યો હતો.

બોલિવુડના દિગ્ગજ અભિનેતા અને હી-મેનના નામથી જાણીતા ‘સુપર સ્ટાર’ ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે નિધન થયુ છે. વિલેપાર્લે સ્મશાન ઘાટમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ તકે તેમના પરિજનો, અમિતાભ બચ્ચન, સલમાન ખાન, આમિર ખાન, સંજય દત્ત અને અક્ષય કુમાર સહિતની હસ્તીઓ સામેલ થઈ હતી. ધર્મેન્દ્ર છેલ્લા કેટલાક દિવસોથી ઉમર સંબંધિત બીમારીઓથી ગ્રસ્ત હતા. 10 નવેમ્બરે તેમને શ્વાસ લેવામાં સમસ્યા થતા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ 12 નવેમ્બરે તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જે બાદ તબીબોની દેખરેખ હેઠળ તેમને ઘરે શિફ્ટ કરવામાં આવ્યા હતા.
પોતાની સ્વાસ્થ્ય સમસ્યાઓ વચ્ચે ધર્મેન્દ્રના જીવનની એક એવી ઘટના જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. આ દિગ્ગજ સુપર સ્ટારે તેના જીવનમાં બે લગ્ન કર્યા- પહેલા લગ્ન 1954માં પ્રકાશ કૌર સાથે કર્યા. એ સમયે તેઓ માત્ર 19 વર્ષના હતા. જ્યારે બીજા લગ્ન 1980માં અભિનેત્રી હેમા માલિની સાથે કર્યા. પરંતુ બોલિવુડમાં તેમની કારકિર્દી શરૂ કરે એ પહેલા શોલેના આ દિગ્ગજ સ્ટારનો એક અભિનેત્રી- ગાયિકા પર ભારે ક્રશ હતો.
આ અભિનેત્રીની ફિલ્મ ધર્મેન્દ્રે 40 વાર જોઈ
હિંદી ફિલ્મ જગતમાં સૌથી વધુ કમાણી કરનારા સ્ટાર પૈકી એક, ધર્મેન્દ્ર એ એકવાર ખૂલાસ કર્યો હતો કે સુરૈયા એ જ તેમને ફિલ્મજગતમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરિત કર્યા હતા. તેમણે સ્વીકાર્યુ કે ફિલ્મો પ્રત્યે તેમનો પ્રેમ સુરૈયાની અદ્ભૂત એક્ટિંગ જોયા બાદ શરૂ થયો. તેમણે એ પણ જણાવ્યુ કે સુરૈયાની ખૂબસુરતી અને અવાજથી તેઓ એટલા મંત્રમુગ્ધ હતા કે તેમણે 1949માં આવેલી તેમની ફિલ્મ દિલ્લગી લગભગ 40 વાર જોઈ હતી. સુરૈયા, જેમણે 1940ના દશકના મધ્યથી 1950ના દશકના પ્રારંભ સુધી બોલિવુડ પર રાજ કર્યુ. લગભગ 70 ફિલ્મોમાં કામ કર્યુ અને 338 ગીતો ગાયા છે. જેમાંથી ઘણા હવે કાલાતીત ક્લાસિક બની ગયા છે.
આ ફિલ્મો માટે કરાય છે યાદ
તેમની સૌથી પ્રખ્યાત ભૂમિકાઓ વિદ્યા (1948), પ્યાર કી જીત (1948), બડી બહેં (1949), ઓમર ખય્યામ (1946), પરવાના (1947), દાસ્તાન (1950), દીવાના (1952) અને મિર્ઝા ગાલિબ (1954) માં આવી હતી. ધર્મેન્દ્ર સુરૈયાના પ્રેમમાં પાગલ હતા, જ્યારે તે દિગ્ગજ અભિનેતા દેવ આનંદના પ્રેમમાં હતા, જેમની સાથે તેમણે ઘણી હિટ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેઓ 1948 થી 1951 એમ 4 વર્ષ સુધી રિલેશનશિપમાં પણ રહ્યા. તે બંનેએ એકબીજા સાથે લગ્ન કરવાનું પણ નક્કી કર્યું, પરંતુ સુરૈયાનો પરિવાર ન માન્યો અને તેઓ અપરિણીત રહી, 1963 માં તેમણે એક્ટીંગમાંથી સન્યાસ લીધો અને 2004 માં 75 વર્ષની વયે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે લડ્યા બાદ તેમનું અવસાન થયું. તેમના અંતિમ સંસ્કારમાં હાજરી આપનારાઓમાં તેમના આજીવન ચાહક અને પ્રશંસક રહેલા ધર્મેન્દ્ર પણ હતા, જેમણે એક સમયે સ્વીકાર્યું હતું કે સિનેમાની દુનિયામાં પ્રવેશવાના તેમના નિર્ણય પાછળ તેમની જ પ્રેરણા હતી.
