UP Election-2022: આગ્રામાં પ્રિયંકા ગાંધીના રોડ શો બાદ કોંગ્રેસના ઉમેદવાર સહિત 2,500 લોકો સામે નોંધાયા કેસ , ભાજપ અને સપાના ઉમેદવાર સામે પણ નોંધાઈ FIR
ચૂંટણી પ્રચાર માટે આગરા પહોંચેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ રોડ શો કર્યો અને ચૂંટણી પંચના પ્રતિબંધો છતાં બાહ, ફતેહાબાદ, ખેરાગઢ, ગ્રામીણ વિધાનસભામાં રોડ શો યોજ્યા હતા. 2500 લોકો વિરુદ્ધ આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો.
આગ્રાના (Agra) ખેરાગઢમાં પ્રચારના છેલ્લા દિવસે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીના રોડ શો બાદ કોંગ્રેસના (Congress) ઉમેદવારો સહિત ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (UP Elections-2022) ના પ્રથમ તબક્કાના મતદાન પહેલા 2,500 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. ચૂંટણી પંચના નિયમો અનુસાર માત્ર 20 લોકો જ ચૂંટણી પ્રચારમાં ભાગ લઈ શકે છે, પરંતુ કોંગ્રેસના ઉમેદવારના રોડ શોમાં 2,500થી વધુ લોકો હતા. જે બાદ પોલીસે કોંગ્રેસના ઉમેદવાર રામનાથ સિંહ સિકરવાર, આયોજક કુલદીપ દીક્ષિત સહિત 2500 લોકો વિરુદ્ધ આચારસંહિતા ભંગનો કેસ નોંધ્યો છે. આ સાથે જ ચૂંટણી પંચના નિયમોને બાયપાસ કરવા બદલ બાહથી સપા ઉમેદવાર મધુસૂદન શર્મા અને બીજેપી (BJP) ઉમેદવાર પક્ષાલિકા સિંહ વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો છે.
2,500 લોકો સામે નોંધાયા કેસ
મળતી માહિતી મુજબ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ઘરે-ઘરે પ્રચાર કરવા જઈ રહ્યા હતા અને આ માટે 20 લોકોની પરવાનગી આપવામાં આવી હતી. રાજ્યમાં કોરોના સંક્રમણના કેસોને જોતા ચૂંટણી પંચે કડક નિયમો લાગુ કર્યા છે. આથી રોડ શો બાદ કોંગ્રેસના ઉમેદવાર તેમજ 2500 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.
આ મામલે ખેરાગઢ પોલીસનું કહેવું છે કે મંગળવારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ખેરાગઢ શહેરમાં ઘરે-ઘરે જઈને પ્રચાર કરવાના હતા, પરંતુ ઉમેદવાર અને આયોજકે 2500 જેટલા સમર્થકોની ભીડ એકઠી કરીને કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેથી ઉમેદવાર અને આયોજક સહિત 2500 સમર્થકો સામે આચારસંહિતા ભંગનો કેસ નોંધવામાં આવ્યો છે.
ભાજપ અને સપાના(એસ.પી) ઉમેદવાર સામે નોંધાયો કેસ
આગરાના બાહ વિધાનસભા ક્ષેત્રમાં પ્રચારના છેલ્લા દિવસે ચૂંટણી પંચના નિયમોનો ભંગ કરવા બદલ સપા અને ભાજપના ઉમેદવાર સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. આગરા પોલીસે સપાના ઉમેદવાર મધુસૂદન શર્મા અને બાહથી ભાજપના ઉમેદવાર પક્ષાલિકા સિંહ વિરુદ્ધ ચૂંટણી આચારસંહિતા ભંગનો કેસ નોંધ્યો છે. પોલીસે જેતપુરમાં રોડ શો યોજવા બદલ મધુસૂદન શર્મા અને 125 અજાણ્યા લોકો અને ભાજપના ઉમેદવાર પક્ષાલિકા સિંહ અને લગભગ 500 અજાણ્યા સમર્થકો વિરુદ્ધ આચારસંહિતા ભંગનો કેસ નોંધ્યો છે.
લખનૌમાં એસ.પી. (સપા) કાર્યકરો સામે પહેલો કેસ નોંધવામાં આવ્યો હતો
હાલમાં જ લખનૌમાં સમાજવાદી પાર્ટીના કાર્યાલયમાં ભીડ એકઠી કરવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. વાસ્તવમાં ભાજપ છોડીને સપામાં જોડાયેલા સ્વામી પ્રસાદ મૌર્ય પાર્ટીમાં સામેલ થઈ ગયા હતા. જે બાદ લગભગ અઢી હજાર સપા કાર્યકર્તાઓ ત્યાં હાજર હતા. જે બાદ ચૂંટણી પંચે કડક પગલાં લીધા અને અઢી હજાર કાર્યકરો સામે કેસ નોંધ્યો હતો.
આ પણ વાંચો: Panjab: અકાલી દળના નેતા બિક્રમ સિંહ મજીઠિયા વિરૂદ્ધ FIR, SAD એ સિધ્ધુ અને CM ચન્ની પર લગાવ્યો આક્ષેપ