Punjab Election 2022: પંજાબમાં 66 જગ્યાએ થશે મતગણતરી,આ છ દિગ્ગજ નેતાઓના ભાવિનો થશે ફેંસલો
પંજાબ વિધાનસભા ચૂંટણીની મતગણતરી આજે થવાની છે. મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. 66 સ્થળોએ મતગણતરી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. રાજ્યની 117 વિધાનસભા બેઠકો માટે 1304 ઉમેદવારો મેદાનમાં છે.
Punjab Election 2022: પંજાબ વિધાનસભા ચૂંટણીની (Punjab Election) મતગણતરી આજે થવા જઈ રહી છે. મતગણતરી માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. 66 સ્થળોએ મતગણતરી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે, રાજ્યની 117 વિધાનસભા (Punjab Assembly election) બેઠકો માટે 1304 ઉમેદવારો મેદાનમાં છે. પંજાબમાં 20 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન થયું હતું.
આ વખતે 117 બેઠકો પર કુલ 64.33 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો (Voters) ઉપયોગ કર્યો છે. જો તેની સરખામણી 2017ની ચૂંટણી સાથે કરવામાં આવે તો એકંદરે મતદાન ટકાવારીમાં 12 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. 2017ની ચૂંટણીમાં કુલ 76.83ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કોને મળશે જીત અને કોને હાર મળશે તે ચિત્ર માત્ર થોડા કલાકમાં જ સ્પષ્ટ થઈ જશે.
ત્રણ CM ચહેરાઓએ પોતાને મત ન આપ્યો
મુખ્ય પ્રધાન ચરણજીત સિંહ ચન્નીનો મત મોહાલીના ખરર મતવિસ્તારમાં છે, જ્યારે તેઓ રૂપનગરના ચમકૌર સાહિબ અને બરનાલા જિલ્લાના ભદૌરથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. આમ આદમી પાર્ટી (AAP)ના CM ચહેરા ભગવંત માનનો મત મોહાલીમાં છે, જ્યારે તેઓ સંગરુરની ધુરીથી ચૂંટણી મેદાનમાં છે. એ જ રીતે શિરોમણી અકાલી દળ (SAD)ના CM ચહેરા ઉમેદવાર સુખબીર બાદલનો મત મુક્તસરના લાંબીમાં છે, જ્યારે તેઓ ફાઝિલ્કાના જલાલાબાદથી ચૂંટણી લડી રહ્યા છે.
પંજાબમાં મતદાન
તલવંડી સાબો વિધાનસભા ક્ષેત્રમાં સૌથી વધુ 83.67 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે સૌથી ઓછું અમૃતસર પશ્ચિમ બેઠક પર 50.10 ટકા મતદાન થયું હતું. માનસામાં 73.45 ટકા, માલેરકોટલામાં 72.84 ટકા, પટિયાલામાં 62.10 ટકા, અમૃતસર પૂર્વમાં 59.77 ટકા, જલાલાબાદમાં 80.10 ટકા, લાંબીમાં 72 ટકા, ધુરીમાં 78.89 ટકા, ભદૌરમાં 70 ટકા મતદાન થયુ હતુ.
પંજાબ ચૂંટણીના આ છ મોટા ચહેરાઓ
1.કોંગ્રેસના વર્તમાન અને આગામી મુખ્યમંત્રી પદના ઉમેદવાર ચરણજીત સિંહ ચન્ની 2.આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભગવંત માન 3.કેપ્ટન અમરિંદર સિંહ, પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ લોક કોંગ્રેસના અધ્યક્ષ 4.SAD વડા સુખબીર સિંહ બાદલ 5.નવજોત સિંહ સિદ્ધુ 6.ખેડૂત નેતા એડવોકેટ પ્રેમસિંહ ભાંગુ, સંયુક્ત સમાજ મોરચા વતી ચૂંટણી લડી રહ્યા છે.
આ પણ વાંચો : 5 State Election 2022 LIVE: આજે 5 રાજ્યોના પરિણામ, 8 વાગ્યાથી શરૂ થશે મતગણતરી, 9 વાગ્યાથી ટ્રેન્ડ આવવાની શરૂઆત