Punjab Assembly Elections 2022 : પંજાબમાં જનતાની પહેલી પસંદગી બની AAP, મુખ્યમંત્રીના નામ માટે માત્ર 24 કલાકમાં 8 લાખ લોકોએ સૂચનો મોકલ્યા
આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા હરપાલ સિંહ ચીમાએ કહ્યું કે અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ વોટ્સએપ મેસેજ, ચાર લાખથી વધુ ફોન કોલ્સ, એક લાખથી વધુ વોઈસ મેસેજ અને 50,000થી વધુ ટેક્સ્ટ મેસેજ આવ્યા છે. પાર્ટી આ તમામ ડેટા એકત્રિત કરશે અને પોતાનો નિર્ણય આપશે.
પંજાબમાં (punjab) આ વર્ષે 14 ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી (Assembly Elections) યોજાવા જઈ રહી છે. આ અંગે સત્તાધારી કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. હજુ સુધી ત્રણેય મોટા પક્ષોમાંથી કોઈએ પણ મુખ્યમંત્રીપદના ચહેરાની જાહેરાત કરી નથી. શુક્રવારે, AAPના વરિષ્ઠ નેતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા હરપાલ સિંહ ચીમાએ મીડિયાને જણાવ્યું હતું કે માત્ર 24 કલાકમાં, પાર્ટીના મુખ્ય પ્રધાનપદના ચહેરાને પસંદ કરવા માટે જાહેર કરાયેલા નંબર પર આઠ લાખથી વધુ લોકોએ તેમની પ્રતિક્રિયા આપી છે.
હરપાલ સિંહ ચીમાએ કહ્યું કે અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ વોટ્સએપ મેસેજ, ચાર લાખથી વધુ ફોન કોલ્સ, એક લાખથી વધુ વોઈસ મેસેજ અને 50,000થી વધુ ટેક્સ્ટ મેસેજ પ્રાપ્ત થયા છે. પાર્ટી આ તમામ ડેટા એકત્રિત કરશે અને પોતાનો નિર્ણય આપશે. પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાને આ રેસમાંથી દૂર રાખ્યા છે. તેમણે કહ્યું કે લોકો 17 જાન્યુઆરીએ સાંજે 5 વાગ્યા સુધી તેમના સૂચનો મોકલી શકે છે.
‘આ વખતે સ્પષ્ટ બહુમતી સાથે AAPની સરકાર બનશે’
ચીમાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે લોકોએ આ વખતે નક્કી કર્યું છે કે તેઓ આમ આદમી પાર્ટીને તક આપશે. તેમણે કહ્યું, ‘આ વખતે સ્પષ્ટ બહુમતી સાથે AAPની સરકાર બનશે અને પરંપરાગત પક્ષોની ગંદી રાજનીતિનો સફાયો થશે. પાર્ટીને મળી રહેલા જબરજસ્ત સમર્થનથી સાબિત થયું છે કે પંજાબ અને અકાલી-કોંગ્રેસના લોકો ભાજપ અને કેપ્ટનના ભ્રષ્ટાચાર અને માફિયા શાસનથી કંટાળી ગયા છે. પંજાબના લોકો હવે પરિવર્તન ઈચ્છે છે.
પંજાબ વિધાનસભામાં કુલ 117 બેઠકો છે
જણાવી દઈએ કે પંજાબ વિધાનસભામાં કુલ 117 વિધાનસભા સીટો છે. જેમાંથી 34 બેઠકો અનામત છે. ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 34 અનામત બેઠકોમાંથી 21 બેઠકો જીતી હતી. કેપ્ટન અમરિન્દર સિંહની આગેવાનીમાં કોંગ્રેસે 117માંથી 77 બેઠકો જીતીને સત્તા પર કબજો જમાવ્યો હતો. બીજા નંબરે આમ આદમી પાર્ટી હતી, જેણે 2017માં પહેલીવાર પંજાબ વિધાનસભાની ચૂંટણી લડી હતી અને મુખ્ય વિરોધ પક્ષ તરીકે ઉભરી હતી. આ દરમિયાન પાર્ટીએ 20 સીટો જીતી હતી.
આ પણ વાંચો : Punjab Election: ભાજપ-કોંગ્રેસના મત તોડી શકે છે આમ આદમી પાર્ટી, તો ખેડૂત આંદોલનની શું હશે અસર ?
આ પણ વાંચો : Punjab Election: નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું- કોંગ્રેસ હાઈકમાન્ડ નહીં, પરંતુ પંજાબના લોકો પસંદ કરશે મુખ્યમંત્રી