રાજ્યમાં આજે ચૂંટણી જાહેર થતા જ આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે ત્યારે એ જાણવું જરૂરી છે કે આખરે આદર્શ આચાર સંહિતા શું છે અને તેનો ભંગ કરવા સામે કેવા કેવા દંડ઼નાત્મક પગલાં લેવાઈ શકે છે. આદર્શ આચારસંહિતા (મૉડલ કોડ ઑફ કન્ડક્ટ) ચૂંટણીપંચ દ્વારા રાજકીયદળો અને ઉમેદવારો માટે બનાવવામાં આવેલી એક માર્ગદર્શિકા છે જેનું પાલન કરવું જરૂરી છે. ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ તે લાગુ થઈ જાય છે અને પરિણામ આવે એટલે તે સમાપ્ત થઈ જાય છે. ચૂંટણીપંચ આદર્શ આચારસંહિતા લાગુ કરે તે બાદ તેના નિયમો પાળવા જરૂરી બની જાય છે.
આ એક એવી નિયમાવલી છે જે ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ અસ્તિત્વમાં આવી જાય છે અને તેના દ્વારા રાજકીય પક્ષોની કાર્યપ્રણાલી પર નજર રાખવામાં આવે છે. આદર્શ આચાર સંહિતા અથવા ચૂંટણી આચારસંહિતા મતદાનના કાર્યક્રમની જાહેરાત થાય તે દિવસથી અમલમાં આવે છે, અને સૂચના મુજબ, ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય અને ત્યારબાદ પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી આદર્શ આચારસંહિતા ચાલુ રહે છે. એટલે કે, તે લગભગ 45 દિવસ અથવા કુલ 2 મહિના સુધી અમલમાં રહે છે
ચૂંટણી આચાર સંહિતાનો મતલબ ચૂંટણી પંચની સૂચનાઓ છે, જે ચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધી દરેક પક્ષ અને તેના ઉમેદવાર દ્વારા પાલન કરવામાં આવે છે. જો ઉમેદવાર આ નિયમોનું પાલન નહીં કરે, તો ચૂંટણી પંચ તેની વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે, તેને ચૂંટણી લડતા અટકાવી શકે છે, ઉમેદવાર સામે FIR નોંધાવી શકે છે અને જો તે દોષી સાબિત થાય છે, તો તેને જેલમાં પણ જવું પડે છે.
જો લોકસભાની ચૂંટણી હોય તો સમગ્ર દેશમાં આચારસંહિતા લાગુ થાય છે અને જો રાજ્યની ચૂંટણી હોય તો જે તે રાજ્યમાં આચારસંહિતા લાગુ થાય છે. આચારસંહિતાનો ઉદ્દેશ રાજકીય પક્ષો વચ્ચે મતભેદ ટાળવાનો, શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે ચૂંટણી કરાવવાનો છે. તેના માધ્યમથી એ સુનિશ્ચિત કરવામાં આવે છે કે કોઈ રાજકીય પક્ષ, કેન્દ્ર કે રાજ્યના પોતાના અધિકારીક પદોનો ચૂંટણીમાં લાભ માટે ગેરઉપયોગ ન કરી શકે. આદર્શ આચારસંહિતાનું મુખ્ય કામ એ હોય છે કે રાજકીય દળો, ચૂંટણી લડનારા ઉમેદવારો અને સત્તાધારી દળોએ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કેવો વ્યવહાર કરવો જોઈએ. જેના દ્વારા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બેઠકોનું આયોજન, શોભાયાત્રાઓ, રેલીઓ, મતદાનના દિવસની ગતિવિધિઓ તથા સત્તાધારી દળોના કામકાજ વગેરેમાં તેનો સામાન્ય વ્યવહાર કેવો હોય તે નક્કી થાય છે. .