Gujarat Election 2022: મધ્ય ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે થશે રસાકસી, 2017માં પણ હતી ખૂબ જ ઓછી સરસાઇથી હાર-જીત
મધ્ય ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર જંગ જામશે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં (Assembly elections) ભાજપ અને કોંગ્રેસ વચ્ચે 15થી 20 બેઠક પર ખરાખરીની લડાઈ રહી હતી. જેમાં પાંચ હજારની આસપાસના ઓછા માર્જિનથી અનેક ઉમેદવારો વિજયી બન્યા હતા.

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ભાજપે વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પોતાની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. 182 બેઠકના 160 ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. ક્યાંય જુના જોગીઓ બાજી મારી ગયા છે. તો ક્યાંક નવા ચહેરાઓ સાથે નવી રણનીતિ લઈને ભાજપ ચૂંટણી મેદાનમાં ઉતર્યું છે. તો બીજી તરફ કોંગ્રેસે પણ ઉમેદવારોની બે યાદી જાહેર કરી દીધી છે. આ ચૂંટણીમાં તમામ બેઠકોમાં મધ્ય ગુજરાત ઝોનમાં ભારે રસાકસી જોવા મળે તેવી શક્યતા છે. કારણ કે વર્ષ 2017માં પણ મધ્ય ગુજરાતની કેટલીક બેઠક માટે અહીં ઉમેદવારો મતોની ઓછી સરસાઇથી જ વિજેતા બનેલા છે. ત્યારે આ ચૂંટણીનો જંગ પણ અહીં રસપ્રદ બની રહેશે.
ગુજરાત ઇલેકશન 2022 : 2017માં 15થી 20 બેઠક પર ખરાખરીની લડાઇ હતી
મધ્ય ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર જંગ જામશે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે 15થી 20 બેઠક પર ખરાખરીની લડાઈ રહી હતી. જેમાં પાંચ હજારની આસપાસના ઓછા માર્જિનથી અનેક ઉમેદવારો વિજયી બન્યા હતા. 2017માં કોંગ્રેસ 10 બેઠક પર ઓછા માર્જિનથી વિજેતા બન્યું. તો 6 બેઠક પર ભાજપના ઉમેદવારો ખૂબ જ ઓછી સરસાઈથી જીત મળી હતી. 2017માં મધ્ય ગુજરાતની 36 પૈકી ભાજપ 19 અને કોંગ્રેસ 15 બેઠક જીત્યું હતું. તો BTP અને અપક્ષ ઉમેદવાર 1-1 બેઠક પર વિજેતા બન્યા હતા. ગત ટર્મમાં પાંચ હજારથી જીતેલી મધ્ય ગુજરાતની બેઠકો પર ફરી એકવાર ખરાખરીની લડાઈ રાજકીય પક્ષો વચ્ચે જામવાની છે.
ગુજરાત ઇલેકશન 2022 : ખૂબ જ ઓછા માર્જિનથી જીત મેળવનારી સીટ
2017ની ચૂંટણીના ડેટાના આધારે કહી શકાય છે કે આ જ સ્વિંગ બેઠકો છે જેના પર કોઈ પણ પક્ષની જીત થઈ શકે છે. ભાજપ અને કૉંગ્રેસને મળેલી કુલ 12 બેઠકો પર જીતનું માર્જિન 1% કરતાં ઓછું હતું. કપરાડા(એસટી), ગોધરા, ધોળકા, માણસા, બોટાદ, દિઓદર, ડાંગ(એસટી), છોટા ઉદેપુર(એસટી), વાંકાનેર, વિજાપુર, હિંમતનગર અને મોડાસા આ બેઠકો એવી છે જેના પર ઘણા ઓછા માર્જિનથી ઉમેદવારો જીત્યા હતા. આ 12 પૈકી સાત બેઠકો કૉંગ્રેસે જીતી હતી. તો કપરાડા બેઠક પર કૉંગ્રેસે રાજ્યની તમામ બેઠકો પૈકી સૌથી ઓછા માર્જિનથી વિજય મેળવ્યો હતો. અન્ય બેઠકો પર ખૂબ જ ઓછી સરસાઇ રહી હતી.
મહત્વનું છે કે, ગુજરાતમાં વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 100નો આંકડા સુધી પણ પહોંચી શક્યુ ન હતુ. પક્ષને 99 બેઠકો મળી હતી. તેમજ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે એ સમયની ચૂંટણીઓમાં સૌથી સારું પ્રદર્શન કરવાની સાથે 77 બેઠકો મેળવી હતી. પરંતુ કૉંગ્રેસ સત્તાથી દૂર જ રહી જવા પામી હતી.