ગુજરાત ચૂંટણી 2022: સુરેન્દ્રનગરમાં રેલી પૂર્ણ કર્યા બાદ પીએમ મોદી મળ્યા એક ખાસ બાળકીને, જેની કવિતા સાંભળી પીએમ પણ બોલી ઉઠ્યા ‘શાબાશ’!

Gujarat Election 2022: ચૂંટણી દરમિયાન પ્રચારના અનેક રંગ તો જોવા મળતા જ હોય છે, પરંતુ આ પ્રચાર કોઈ નેતા નહીં, પરંતુ કોઈ બાળક કરતુ હોય ત્યારે જરૂર નવાઈ લાગે. સુરેન્દ્રનગરમાં પણ પીએમ મોદીને તેમની એક નાનકડી ફેન મળવા આવી અને પોતાની કવિતા સંભળાવી પીએમને પણ ખુશ કરી દીધા. કવિતા સાંભળીને પીએમ પણ બોલી ઉઠ્યા યુ આર સો સ્વીટ.

ગુજરાત ચૂંટણી 2022: સુરેન્દ્રનગરમાં રેલી પૂર્ણ કર્યા બાદ પીએમ મોદી મળ્યા એક ખાસ બાળકીને, જેની કવિતા સાંભળી પીએમ પણ બોલી ઉઠ્યા 'શાબાશ'!
Kinjal Mishra

| Edited By: Mina Pandya

Nov 21, 2022 | 7:32 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બાળકો માટેનો પ્રેમ ફરી એકવાર જોવા મળ્યો છે. સુરેન્દ્રનગરમાં ચૂંટણી સભા પૂર્ણ કર્યા બાદ પીએમ મોદી સાત વર્ષની એક બાળકી આધ્યાને મળ્યા હતા. ઘરમાં  બધા તેને આધ્યાબા કહે છે. આ બાળકી પીએમ મોદીને મળવા માટે ઘણી ઉત્સુક હતી, આથી પીએમ મોદી પણ તેમની વ્યસ્તતા છતા તેને મળવા માટેનો સમય ફાળવ્યો હતો. ભાજપનો ખેસ પહેરીને પહોંચેલી આધ્યાને પીએમ મોદીએ ખેસ પર પોતાનો ઓટોગ્રાફ આપ્યો હતો. આ ઓટોગ્રાફ મેળવીને આધ્યા ઘણી ખુશ થઈ હતી.

7 વર્ષની આધ્યાએ પીએમને સંભળાવી ભાજપના પ્રચારની કવિતા

આધ્યાએ ભાજપ માટે લખેલી એક કવિતા પીએમ મોદીને સંભળાવી હતી. જેમાં ભાજપે 8 વર્ષમાં કરેલા કામોની વિકાસગાથાને વણી લેવામાં આવી છે. આ કવિતા સાંભળી પીએમ મોદી પણ ખુશ થયા હતા અને તેમણે તાળીઓ વગાડી આ બાળકીના પ્રયાસને વધાવ્યો હતો, તેને પ્રોત્સાહિત કરી હતી. નાનકડી બાળકીની નિખાલસતા, પીએમ મોદી પ્રત્યેની લાગણી અને માસૂમિયત જોઈ પીએમ મોદીએ પણ આધ્યાને કહ્યુ યુ આર સો સ્વીટ.

નાનકડી ફેન આધ્યાની વાતોથી પીએમ મોદી પણ થયા ખુશ

નાનકડી આધ્યાએ  કવિતા દ્વારા તેનો ભાજપ પ્રેમ તો બતાવ્યો, સાથોસાથ  ભાજપને મત આપવાની અપીલ પણ કરી. આધ્યા જણાવે છે કે પીએમ મોદી અને ભાજપની સરકારે ઘણા સારા કામો કર્યા છે. ઘણી પ્રોગ્રેસ કરી છે તો હું લોકોને ભાજપને વોટ આપવા માટે અપીલ કરીશ. આધ્યાએ અમારી ચેનલ TV9 ગુજરાતીના સંવાદદાતા સાથે પણ વાતચીત કરી અને તેમની પીએમ મોદી સાથેની મુલાકાતની પળો શેર કરી.

પીએમને મળી આધ્યા છે ઘણી ખુશ

આધ્યાએ જણાવ્યુ કે તે પીએમ મોદીને મળીને ઘણી ખુશ છે. તેમણે પીએમ મોદીને પણ જણાવ્યુ કે ભાજપ ઘણુ સારુ છે અને દેશમાં ઘણુ સારુ કરી રહ્યુ છે તેનાથી તે ઘણી ખુશ છે. નાના મોં એ કાલીઘેલી ભાષામાં આ સાંભળી પીએમ મોદી પણ મનોમન ખુશ થયા હશે. તેમની આ નાનકડી ફેનને મળી તેમના ચહેરા પર પણ ખુશી જોઈ શકાતી હતી.

આપને જણાવી દઈએ કે પીએમ મોદીની  નાનકડી ફેન આધ્યા માત્ર સાત વર્ષની છે અને પીએમને સંભળાવેલી કવિતા માતાની મદદથી તેણે લખેલી છે. વધુમાં તે જણાવે છે કે પીએમ મોદીએ જે ખેસ પર તેને ઓટોગ્રાફ આપ્યો એ ખેસને તે ફ્રેમ કરાવીને સાચવશે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati