Gujarat Election 2022 Updates : આવતીકાલે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થઈ શકે

Mamta Gadhvi
| Edited By: | Updated on: Nov 09, 2022 | 11:13 PM

Gujarat Assembly Election 2022 news live updates : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ઢોલ વાગી ચૂકયો છે, દરેક રાજકીય પાર્ટી ગુજરાતની 'ગાદી' જીતવા એડી ચોટીનુ જોર લગાવી રહી છે. જાણો ચૂંટણીને લગતા તમામ મહત્વના સમાચારો અહીં...

Gujarat Election 2022 Updates : આવતીકાલે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થઈ શકે
Gujarat Election 2022 LIVE

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ નેતાઓ પણ જનતાની નજીક પહોંચી રહ્યા હોય તેવુ લાગી રહ્યુ છે. જો ગત વિધાનસભા ચૂંટણીના પરિણામ પર નજર કરીએ તો ભાજપને 99 અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. જો કેપેટાચૂંટણીમાં જીતને કારણે ભાજપની બેઠકો વધીને 112 પર પહોંચી. તો બીજી બાજુ કોંગ્રેસને પક્ષપલટાને કારણે મોટુ નુકસાન થયુ, હાલ 65 બેઠકો કોંગ્રેસ પાસે છે. ગુજરાતમાં AAP ની એન્ટ્રીથી ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે, ત્યારે આ વખતે ભાજપ સત્તા કાયમી રાખવામાં સફળ રહેશે કે અન્ય પક્ષ બાજી મારશે તેના પર સૌ કોઈની નજર છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 09 Nov 2022 10:51 PM (IST)

    Gujarat Election: આજે જાહેર નહીં થાય ભાજપના ઉમેદવારોની યાદી

  • 09 Nov 2022 10:07 PM (IST)

    PM મોદીની હાજરીમાં દિલ્લીમાં ચાલી રહી છે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક

    હાલમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં ઉમેદવારોના નામ પર મંથન ચાલી રહ્યું છે. હાર્દિક પટેલ સુરત બેઠક પરથી ચૂંટણી લડવા માંગે છે પરંતુ પાર્ટી ઈચ્છે છે કે તે વિરમગામથી ચૂંટણી લડે. હાર્દિક પટેલ વિરમગામથી ચૂંટણી લડી શકે છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા જામનગર ઉત્તરમાંથી ચૂંટણી લડશે. મોરબીમાંથી ભાજપના સીટીંગ ધારાસભ્ય બ્રિજેશ મેરજાની ટિકિટ કપાઈ શકે છે, ભાજપ તેના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને ટિકિટ આપી શકે છે.

  • 09 Nov 2022 09:36 PM (IST)

    ભાજપ ફેઝ 1ની 89 બેઠકોના ઉમેદવારોના નામ જાહેર થાય તેવી શક્યતા

    ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો માટે અંતિમ કવાયત હાથ ધરી છે. ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકનું સાંજે 6.30 કલાકે આયોજન કરવામાં આવ્યુ છે. મળતી માહિતી પ્રમાણે મોડી રાત સુધીમાં પહેલી યાદી જાહેર થઈ શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતની ફેઝ 1ની 89 બેઠકોના ઉમેદવારોના નામ જાહેર થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

  • 09 Nov 2022 08:57 PM (IST)

    પૂર્વ મંત્રીઓ ટૂંક સમયમાં પહોંચશે કમલમ

    ચૂંટણી ના લડવાની જાહેરાત કરનારા તમામ પૂર્વ મંત્રીઓ ટૂંક સમયમાં કમલમ પહોંચશે. સત્તાવાર રીતે કરશે પાર્ટીની ઓફિસથી જાહેરાત કરશે.

  • 09 Nov 2022 08:55 PM (IST)

    ભૂપેન્દ્ર પટેલ સરકારના તમામ વર્તમાન મંત્રીઓની ટિકિટ કન્ફર્મ હોવાની શક્યતા

    હાલમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ચાલી રહી છે. હાર્દિક પટેલ અંગે સ્થિતિ સ્પષ્ટ નથી, તે સુરત બેઠક પરથી ચૂંટણી લડવા માંગે છે પરંતુ પાર્ટી ઈચ્છે છે કે તે વિરમગામથી ચૂંટણી લડે. હાર્દિક પટેલ વિરમગામથી ચૂંટણી લડી શકે છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા જામનગર ઉત્તરમાંથી ચૂંટણી લડશે. મોરબીમાંથી ભાજપના સીટીંગ ધારાસભ્ય બ્રિજેશ મેરજાની ટિકિટ કપાઈ શકે છે, ભાજપ તેના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને ટિકિટ આપી શકે છે.

  • 09 Nov 2022 08:21 PM (IST)

    ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ , પીએમ મોદી બેઠકમાં પહોંચ્યા

    ભાજપની આજે પ્રથમ યાદી જાહેર થશે. રાત્રે 8 વાગ્યા બાદ દિલ્હી ખાતે કમલમથી પ્રેસ કોન્ફરન્સ થશે. આ પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, જીતુ વાઘણી સહિત દિગ્ગજ નેતાઓના નામની જાહેરાત કરાશે. 100 થી વધુ નામની સત્તાવાર જાહેરાત થશે. ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ . પીએમ મોદી બેઠકમાં પહોંચ્યા

  • 09 Nov 2022 07:24 PM (IST)

    પૂર્વ સીએમ નીતિન પટેલે ચૂંટણી ન લડવાની કરી જાહેરાત

    વિજય રૂપાણી બાદ નીતિન પટેલે પણ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. નીતિન પટેલે એક પત્ર લખીને જાહેરાત કરી છે.

  • 09 Nov 2022 07:16 PM (IST)

    રાત્રે 8 વાગ્યા બાદ દિલ્હી ખાતે કમલમથી થશે પ્રેસ કોન્ફરન્સ

    ભાજપની આજે પ્રથમ યાદી જાહેર થશે. રાત્રે 8 વાગ્યા બાદ દિલ્હી ખાતે કમલમથી પ્રેસ કોન્ફરન્સ થશે. આ પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, જીતુ વાઘણી સહિત દિગ્ગજ નેતાઓના નામની જાહેરાત કરાશે. 100 થી વધુ નામની સત્તાવાર જાહેરાત થશે.

  • 09 Nov 2022 06:46 PM (IST)

    ભારતીય ચૂંટણી પંચની ઓબ્ઝર્વરની ટીમ અમદાવાદ આવશે

    ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ઓબ્ઝર્વર શહેરમાં આવશે. અમદાવાદમાં 21 વિધાનસભાના 7 ખર્ચ નિરીક્ષક આવશે. ઓબ્ઝર્વર સંબંધિત ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખશે. ચૂંટણી ખર્ચ અંગે અને ચૂંટણી સંબંધિત પ્રક્રિયા પર પણ નજર રાખશે. આવતી કાલથી નોમિનેશન પ્રક્રિયા શરૂ થાય ત્યારે ઉમેદવાર ના તમામ ખર્ચ પર ધ્યાન રખાશે. આ સિવાય સમગ્ર પ્રક્રિયા યોગ્ય રીતે થાય છે કે કેમ નહીં તેનું નિરીક્ષણ કરશે. આવતીકાલે સવાર સુધી તમામ લોકો અમદાવાદ આવી પહોચશે.

  • 09 Nov 2022 06:15 PM (IST)

    બીજા તબક્કાની બેઠકો માટે ઉમેદવારી ફોર્મનું 10 નવેમ્બરના રોજ નોટિફિશન બહાર પડાશે

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાની બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવા માટેનું 10 નવેમ્બરના રોજ નોટિફિશન બહાર પાડવામાં આવશે. ઉમેદવારી પત્ર સ્વીકારવાની પ્રક્રિયા 10 નવમેબરથી શરૂ થશે. 17 નવેમ્બર બપોરે 3 વાગ્યા સુધી આ પ્રક્રિયા ચાલશે. ચૂંટણી અધિકારી અને મદદનીશ અધિકારીને ફોર્મ આપી શકશે. યોગ્ય રીતે ફોર્મ ભરી ફોર્મ જમા કરાવવાનું રહેશે. 10 થી 17 નવેમ્બર વચ્ચે જાહેર રજા સિવાયના દિવસે ઉમેદવાર ફોર્મ ભરી શકશે. 17 નવેમ્બર સુધી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. 18 નવેમ્બરે સ્ફુટીની કરવાની તારીખ છે. જ્યારે 21 નવેમ્બર સુધી ફોર્મ પરત લઈ શકશે. કલેકટર ઓફીસ ખાતે અસારવા, એલિસબ્રિજ, નરોડા, જમાલપુર, ખાડીઆ અને ઠક્કરબાપા નગરના ઉમેદવારે ફોર્મ ભરી શકશે.

  • 09 Nov 2022 05:52 PM (IST)

    ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને જાણી જોઇને ટાર્ગેટ કરે છે : જગદીશ ઠાકોર

    ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે તોડ-જોડનું રાજકારણ ગરમાયું છે. જેમાં મંગળવારે છોટા ઉદેપુરના કોંગ્રેસ નેતા મોહન રાઠવા ભાજપમાં જોડાયા છે. ત્યારે આજે કોંગ્રેસના વધુ એક નેતા અને ગીર સોમનાથની તલાલા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ભગાભાઇ બારડ ભાજપમાં જોડાયા છે. જેને લઇને કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે.કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું કે ભગાભાઈની લડતમાં કોંગ્રેસ ખડેપગે રહ્યું છે...કોંગ્રેસના કાર્યકરોના કારણે જ તેમનું ધારાસભ્ય પદ ટકી રહ્યું હતું. સરકાર તરફથી ભગાભાઈને એવી કઈ તકલીફ પડી કે તેઓ ભાજપમાં જોડાય છે? જ્યારે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને ટાર્ગેટ કરે છે. તેમજ તેમણે કોઇ પણ રીતે ભાજપમાં જોડવવા માટે મજબૂર કરે છે.

  • 09 Nov 2022 05:37 PM (IST)

    શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ હસમુખ પટેલે ઠાલવ્યો પોતાનો રોષ

    સુરત શહેર ભાજપમાં વધુ એક બળવાના એંધાણ. શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ હસમુખ પટેલે પોતાનો રોષ ઠાલવ્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની વેદના વ્યક્ત કરી. હસમુખ પટેલે પાર્ટી કે નેતાનું નામ લીધા વિના ટિપ્પણી કરી. ખબર નહીં ક્યાં સુધી સહન કરવું પડશે તેવું લખાણ લખ્યું." હસમુખ પટેલે ઉધના વિધાનસભા માટે દાવેદારીના પ્રયત્ન કર્યા હતા. હસમુખ પટેલની ટિપ્પણીથી સુરત ભાજપમાં ચર્ચાનો દૌર શરૂ થઈ ગયો છે. ચૂંટણીની જાહેરાત થતાં જ શહેર ભાજપમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા નેતાઓ સામે આવ્યા છે.

  • 09 Nov 2022 05:02 PM (IST)

    કડી બેઠકના ઉમેદવારને લઇને કોંગ્રેસમાં કકળાટ

    રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કર્યા બાદ હવે કકળાટ શરૂ થઇ ગયો છે. કડી બેઠક પર ઉમેદવાર પ્રવીણ પરમારનો ભારે વિરોધ થઇ રહ્યો છે. કડી કોંગ્રેસના કાર્યકરોએ આજે મોટી સંખ્યામાં ગુજરાત પ્રદેશ કાર્યાલયે આવીને હોબાળો કર્યો હતો. કાર્યકરોએ પ્રવીણ પરમાર અને બળદેવજી ઠાકોર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકરોએ રમેશ ચાવડાને ટિકિટ આપવા માટે માગ કરી હતી અને જો માગ નહીં સંતોષાય તો કાર્યકરોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી છે.

  • 09 Nov 2022 04:31 PM (IST)

    વિધાનસભાની ચૂંટણીને લઈ પોલીસ તંત્ર એલર્ટ

    વિધાનસભાની ચૂંટણીને લઈ આંતરરાજ્યની સરહદ ધરાવતા જિલ્લાઓમાં પોલીસ એલર્ટ મોડ પર છે. મહિસાગર જિલ્લાને સ્પર્શતી રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર સીલ કરવામાં આવી છે અને ચેકપોસ્ટ ઉભી કરીને આંતરરાજ્ય રાજ્યમાંથી આવતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ચેકપોસ્ટ પર જીલ્લા પોલીસ દ્વારા CFSIની અલગ અલગ ટિમો બનાવી ચેકિંગ શરૂ કરાયુ છે.

  • 09 Nov 2022 04:30 PM (IST)

    BTPમાં પિતા-પુત્રનો વિવાદ સપાટી પર

    ભરૂચ BTPમાં પિતા-પુત્રનો વિવાદ સપાટી પર જોવા મળી રહ્યો છે. 7 ટર્મના ધારાસભ્ય છોટુ વસાવાનું પત્તુ આ વખતે કપાયું છે. BTPએ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જે પ્રમાણે છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા ઝઘડિયાથી ચૂંટણી લડશે. ડેડીયાપાડા બેઠક પરથી બહાદુર વસાવા ચૂંટણી લડશે.

  • 09 Nov 2022 03:55 PM (IST)

    ભાજપની પ્રથમ યાદી મોડી રાત સુધીમાં જાહેર થવાની શક્યતા

    ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો માટે અંતિમ કવાયત હાથ ધરી છે. ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકનું સાંજે 6.30 કલાકે આયોજન કરવામાં આવ્યુ છે. મળતી માહિતી પ્રમાણે મોડી રાત સુધીમાં પહેલી યાદી જાહેર થઈ શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતની ફેઝ 1ની 89 બેઠકોના નામ જાહેર થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નોંધવા જેવી બાબત એ છે કે, ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક થાય તે પહેલા ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલ અને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વચ્ચે બેઠક થઈ હતી. આ બેઠક સી.આર.પાટિલના આવાસ પર થઈ હતી. ઉમેદવારોના નામો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

  • 09 Nov 2022 03:11 PM (IST)

    સી.આર.પાટિલ અને ભુપેન્દ્ર પટેલ વચ્ચે મળી બેઠક

    ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક થાય તે પહેલા ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલ અને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વચ્ચે બેઠક થઈ છે. આ બેઠક સી.આર.પાટિલના આવાસ પર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં નોંધનીય છે કે, ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક સાંજે 6.30 કલાકે દિલ્લાના કમલમ ખાતે થવાની છે. તેમાં ભાજપના ઉમેદવારોના નામની પસંદગી થશે.

  • 09 Nov 2022 02:53 PM (IST)

    ઝાલોદના કોંગી MLA ભાવેશ કટારા ભાજપમાં જોડાઈ તેવી શક્યતા

    દાહોદ જિલ્લાના વધુ એક કોંગ્રેસના નેતા કેસરીયા કરશે. ઝાલોદના કોંગી MLA ભાવેશ કટારા ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. તેઓ પિતા બાબુ કટારા સાથે ભાજપમાં જોડાઇ શકે છે. છેલ્લા કેટલા સમયથી અટકળો ચાલી રહી હતી. તેમના ઉપર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યાનો આરોપ છે.

  • 09 Nov 2022 02:42 PM (IST)

    કોંગ્રેસની બીજી યાદી આજે જાહેર થાય તેવી શક્યતા

    કોંગ્રેસ દ્વારા બીજી યાદી ફાઇનલ કરી દેવામાં આવી છે.  કોંગ્રેસ આજે જ બીજી યાદી જાહેર કરે તેવી શક્યતા છે. બીજી યાદીમાં સિટીંગ MLAના નામ હોવાની શક્યતા છે. કોંગ્રેસે પહેલી યાદીમાં 43 નામ જાહેર કર્યા હતા.

  • 09 Nov 2022 02:26 PM (IST)

    નવસારી વિધાનસભાની ચૂંટણીને લઈ પોલીસ તંત્ર એલર્ટ

    વિધાનસભાની ચૂંટણીને લઈ સુરક્ષા તંત્ર એલર્ટ મોડ પર છે. નવસારી જિલ્લામાં પોલીસ દ્વારા દિવસ-રાત સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તો શહેરના વિવિધ માર્ગો પર CRPFના જવાનો દ્વારા ફૂટ માર્ચ પણ યોજાઈ હતી.

  • 09 Nov 2022 01:59 PM (IST)

    Gujarat Election 2022 : ટિકિટ જાહેર થયા પહેલા જ બોટાદ કોંગ્રેસમાં કકળાટ

    ટિકિટ જાહેર થયા પહેલા જ કોંગ્રેસમાં કકળાટ થયો છે. બોટાદ બેઠક પર સ્થાનિક ઉમેદવારની માગ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ટિકિટને લઈ તાલુકા કોંગ્રેસ પ્રમુખે નિવેદન આપ્યુ છે કે બોટાદ બેઠક પર આયાતી ઉમેદવાર આવશે તો કોંગ્રેસ હારશે.

  • 09 Nov 2022 01:56 PM (IST)

    વિધાનસભાની ચૂંટણીને લઈ રાજ્યભરમાં પોલીસ એલર્ટ

    વિધાનસભાની ચૂંટણીને લઈ રાજ્યભરમાં પોલીસ તંત્ર એલર્ટ છે, આંતરરાજ્યની સરહદ પર આવેલા જિલ્લાઓમાં પોલીસનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. મહારાષ્ટ્ર બોર્ડરને સ્પર્શતા તાપી જિલ્લામાં 17 જેટલી ચેકપોસ્ટ ઉભી કરીને પોલીસ દ્વારા રાઉન્ડ ધી કલોક વાહનોનું ચેકિંગ કરાઈ રહ્યું છે.

  • 09 Nov 2022 01:52 PM (IST)

    gujarat assembly election : અમદાવાદ શહેર ભાજપના કથિત પત્રથી વિવાદ સર્જાયો

    અમદાવાદ શહેર ભાજપના કથિત પત્રથી વિવાદ સર્જાયો છે. આ પત્રમાં ભાજપને સમર્થન ન કરતા બુટલેગરની યાદી મગાવ્યાનો ઉલ્લેખ હોવાનો કોંગ્રેસે આરોપ નાખ્યો છે. તેમજ ભાજપને બુટલેગરોનો સાથ હોવાનો કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનો આક્ષેપ છે. પત્રમાં ભાજપને સમર્થન ન કરનાર બુટલેગરનું લિસ્ટ મગાવ્યું હોવાનો ઉલ્લેખ છે. જેને લઈ રાજકારણ ગરમાયું છે.

    તો આ તરફ કોંગ્રેસ જાહેર કરેલા ભાજપના કથિત પત્રને ભાજપે નકલી ગણાવ્યો છે. અને ભાજપ પ્રવક્તા ભરત ડાંગરે કહ્યુ કે, ડૂબતી અને તૂટતી કોંગ્રેસ હતાશ છે એટલે નકલી કાગળ બનાવે છે, જે પત્રની વાત કોંગ્રેસ કરે છે, તેની સાથે ભાજપને કોઈ સંબંધ નથી. કોંગ્રેસ ખોટા પત્રો બનાવીને લોકોને ગેરમાર્ગે દોરવા માગે છે.

  • 09 Nov 2022 01:49 PM (IST)

    Gujarat Election : ભગા બારડ ભાજપમાં જોડાયા

    ચૂંટણી પહેલા પક્ષપલટાનો સિલસિલો યથાવત છે. તાલાલાના ધારાસભ્ય ભગા બારડે કોંગ્રેસમાંથી રાજીનામું આપી કેસરિયા કર્યા છે.

  • 09 Nov 2022 01:39 PM (IST)

    ગુજરાત ચૂંટણી 2022 : કોંગી MLA ભગા બારડના રાજીનામાથી ગરમાયુ રાજકારણ

    તાલાલાના ધારાસભ્ય ભગા બારડે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા રાજકારણ ગરમાયું છે. જેના પર કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યુ કે, "ભાજપના દબાણથી ભગા બારડે રાજીનામુ આપ્યુ છે. તેમને કોઈ મજબૂરી હશે જેનાથી રાજીનામુ આપ્યું છે." જેની સામે ભાજપ નેતા જયરાજસિંહ પરમારે કહ્યુ કે, "કોંગ્રેસના નેતાઓના પક્ષપલટામાં કોંગ્રેસનું બેજવાબદાર સંગઠન જવાબદાર છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અને સ્થાનિક નેતાઓ વચ્ચે સંગઠનનો અભાવ છે. જેથી કોંગ્રેસ દિવસેને દિવસે વધુ તુટે છે..."

  • 09 Nov 2022 01:21 PM (IST)

    PASS આગેવાન દિનેશ બાભણીયાએ કોંગ્રેસ પર સાધ્યુ નિશાન

    દિનેશ બાભણીયાએ ટ્વીટ કરીને લખ્યું કે, પાટીદાર આંદોલન સમિતિના મુખ્ય ચહેરાઓને BJP-AAP ટીકીટ આપે છે, તો કોંગ્રેસને શું પેટમાં દુઃખે છે ? "માસુમ સવાલ"

  • 09 Nov 2022 01:15 PM (IST)

    Gujarat Election : ચૂંટણીને લઈને તંત્રએ શરૂ કરી તૈયારી

    વિધાનસભાની ચૂંટણી નજીક આવી ગઈ છે ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવે છે. અમદાવાદના મોટેરા ખાતે EVM વેર હાઉસ બનાવવામાં આવ્યું છે. અમદાવાદની 21 વિધાનસભા માટે EVM મશીન ડિસ્ટ્રીબ્યુશનની કામગરી શરૂ કરી દેવામાં આવી છે. બે દિવસમાં 6030 CU મશીન જ્યારે 4360 BU મશીન ડિસ્ટ્રીબ્યુટ કરાયા છે. મહત્વનું છે કે રાજકીય પક્ષોની હાજરીમાં સંપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે.

  • 09 Nov 2022 12:44 PM (IST)

    Gujarat Election 2022 Live : ભગા બારડે વિધાનસભા અધ્યક્ષને આપ્યુ રાજીનામું

    કોંગ્રેસ નેતા ભગા બારડે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપીને કોંગ્રેસમાંથી છેડો ફાડ્યો છે. માહિતી મુજબ તેઓ આજે  ભાજપમાં જોડાશે.

  • 09 Nov 2022 12:15 PM (IST)

    Gujarat vidhansabha Election : ભાજપના MLA મધુ શ્રીવાત્સવ નહીં લડે ચૂંટણી

    વડોદરાની વાઘોડિયા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ચૂંટણી ના લડવાની જાહેરાત કરી છે. સાથે જ પત્નીને ટિકિટ આપવા બાબતે તેમણે ફેરવી તોડતા કહ્યું છે કે તેમણે મજાકમાં કહ્યું હતું કે તેઓ પોતે નહીં તો તેમના પત્ની ચૂંટણી લડશે. પરંતુ ભાજપમાં કોઈ સગાને ટિકિટ આપવાની ના પાડેલી છે. જેથી ટિકિટનો સવાલ જ નથી ઉભો થતો. તેમણે કહ્યું કે તેઓ ભાજપમાં છે અને ભાજપના સેવક બનીને જ રહેવાના છે.

  • 09 Nov 2022 12:05 PM (IST)

    Gujarat Assembly Election : ભૂતપૂર્વ સાંસદ સોમા પટેલ અપક્ષ તરીકે લડશે ચૂંટણી

    ભૂતપૂર્વ સાંસદ અને કોળી આગેવાન સોમા પટેલે અપક્ષ તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, "ગુજરાતમાં કોઈપણ પાર્ટીની સ્પષ્ટ બહુમતી વાળી સરકાર નહીં બને. આમ આદમી પાર્ટીના સહયોગથી ગુજરાતમાં બનશે સરકાર."

  • 09 Nov 2022 11:38 AM (IST)

    ટિકિટની જાહેરાત થયા પહેલાં કોંગ્રેસી નેતા પુંજાભાઈ વંશે ફોર્મ ભરવાની કરી જાહેરાત

    ટિકિટની સત્તાવાર જાહેરાત થયા પહેલાં ગુજરાત કોંગ્રેસના નેતા પુંજા વંશે ફોર્મ ભરવાની જાહેરાત કરી છે. આવતીકાલે 10 નવેમ્બરે ઉના બેઠક માટે તેઓ ઉમેદવારી નોંધાવશે. કોંગ્રેસે સત્તાવાર જાહેરાત કર્યા પહેલા જ પુંજાભાઈ વંશે આ એલાન કર્યું છે. વીડિયો દ્વારા તેમણે સમર્થકોને હાજર રહેવા અપીલ કરી છે.

  • 09 Nov 2022 11:29 AM (IST)

    Gujarat Election 2022 : રાજકોટમાં કોંગ્રેસે શરૂ કર્યો ચૂંટણી પ્રચાર

    રાજકોટ દક્ષિણ બેઠક પર જીત હાંસલ કરવા કોંગ્રેસના ઉમેદવારે ડોર-ટુ-ડોર પ્રચાર શરૂ કર્યો છે.  કૉંગ્રેસના ઉમેદવાર હિતેશ વોરાનો દાવો છે કે આમ આદમી પાર્ટીની કોઈ અસર નથી.  લોકો કામ કરે તેવા યુવા નેતાને જ પસંદ કરશે. હિતેશ વોરા હાલમાં મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દાઓને લઈ પ્રજા સમક્ષ મત માગી રહ્યા છે. મહત્વનું છે કે રાજકોટ દક્ષિણ બેઠક પર વર્તમાન ધારાસભ્ય ગોવિંદ પટેલ છેલ્લી 3 ટર્મથી જીતી રહ્યા છે.

  • 09 Nov 2022 11:17 AM (IST)

    આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં કુલ 159 ઉમેદવારો જાહેર કર્યા

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દરેક રાજકીય પક્ષો પ્રચાર પુરજોશમાં કરી રહ્યાં છે, ત્યારે ચૂંટણીના જંગમાં આમ આદમી પાર્ટીએ કુલ 159 ઉમેદવારો જાહેર કરી દીધાં છે. જેમાં આજે આમ આદમી પાર્ટીએ સુરતની વધુ બે બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા છે. કતારગામ અને કરંજ બેઠક પર આપે પોતાના ઉમેદવારના નામ જાહેર કર્યા છે.

  • 09 Nov 2022 10:48 AM (IST)

    Gujarat Election : મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાતા રાજકારણ ગરમાયુ

    મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાયા અંગે કોંગ્રેસના નેતા નારણ રાઠવાની પ્રતિક્રિયા સામે આવી છે. નારણ રાઠવાએ પોતાના નિવેદનમાં કહ્યું કે, મોહનસિંહ રાઠવાએ પાર્ટી છોડી તેનું નુકસાન થયું છે. સાથે જ કહ્યું હતું કે, કોંગ્રેસના કાર્યકર્તાઓ કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે પ્રયત્નો કરશે.

  • 09 Nov 2022 10:45 AM (IST)

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી : થરાદ વિધાનસભા બેઠક પર ટિકિટ માટે પટેલ સમાજનો હુંકાર

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ રાજકીય પક્ષો સાથે દરેક સમાજ પણ ટિકિટ આપવાની માગ સાથે મેદાને ઉતર્યા છે, ત્યારે બનાસકાંઠાની થરાદ વિધાનસભા બેઠક પર ઉમેદવારનું નામ જાહેર થાય તે પહેલા પટેલ સમાજે હુંકાર કર્યો છે. થરાદ વિધાનસભા બેઠક પર ભાજપ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપે તેવી માગ કરવામાં આવી છે. ભળડાસર ગામમાં પટેલ સમાજની બેઠક મળી હતી. જેમાં ભાજપ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપે તેવી માગ કરવામાં આવી હતી. સાથે જ પટેલ સમાજે હુંકાર કર્યો છે કે જો ભાજપ થરાદ બેઠક પર બહારના કોઇ વ્યક્તિને ટિકિટ આપશે તો ચલાવી લેવામાં નહીં આવે.

  • 09 Nov 2022 10:43 AM (IST)

    Gujarat Election Live : મોહન રાઠવાને સામેલ કરી ભાજપે માસ્ટરસ્ટ્રોક માર્યો

    રાજ્યની આદિવાસી બેંકને અંકે કરવા માટે ભાજપે માસ્ટરસ્ટ્રોક માર્યો છે. કોંગ્રેસના સૌથી પીઢ આદિવાસી આગેવાન મોહન રાઠવાને ભાજપમાં સામેલ કરી ભાજપે પોતાની આદિવાસી વોટ બેંકને મજબૂત કરવાની કોશિશ કરી છે.

  • 09 Nov 2022 10:40 AM (IST)

    Gujarat Election Live Updates : ભાજપના પૂર્વ ઉપપ્રમુખ પીવીએસ શર્માએ આપ્યુ રાજીનામું

    ચૂંટણી પહેલા સુરત ભાજપને ઝટકો લાગ્યો છે. વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસના રાજીનામા બાદ, ભાજપના પૂર્વ ઉપપ્રમુખ પીવીએસ શર્માએ રાજીનામું આપી દીધુ છે. શર્માએ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. શર્મા એક સમયે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના અંગત મિત્ર ગણાતા હતા.  પરંતુ 2017ની ચૂંટણીમાં લિંબાયતની ટિકિટ જાહેર કર્યા બાદ બંને પ્રતિસ્પર્ધી થઈ ગયા હતા. મૂળ દક્ષિણ ભારતના એવા શર્માના રાજીનામાથી હાલ ભાજપમાં સન્નાટો છવાયો છે. આ રાજીનામા પહેલા તેમણે એક ગ્રૂપમાં કોમેન્ટ કરી હતી કે ક્યાં સુધી અન્યાય સહન કરીશું ? ત્યારબાદ તેમણે આચાનક રાજીનામુ આપી દીધુ હતુ.

  • 09 Nov 2022 10:34 AM (IST)

    Gujarat Vidhansabha Election : રાજુલામાં ભાજપનું શક્તિ પ્રદર્શન

    અમરેલી જિલ્લાની કોંગ્રેસનો ગઢ ગણાતી રાજુલા બેઠક પર ભાજપની નજર છે. રાજુલામાં ભાજપનું શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યુ. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી જોવા મળી. રાજુલામાં ભાજપના સંભવિત ઉમેદવાર હીરા સોલંકી છે, ત્યારે હીરા સોલંકીના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે.

  • 09 Nov 2022 10:24 AM (IST)

    VIDEO : કથાકાર ગીરીબાપુએ ભાજપને મત આપવાની કરી અપીલ

    કથાકાર ગીરીબાપુએ ભાજપને મત આપવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, હિંદુઓએ PM મોદીને મત આપવો જોઇએ તો PM મોદી અને ભાજપના રાજમાં દેશનો વિકાસ થયો હોવાનુ તેમણે જણાવ્યુ છે.

  • 09 Nov 2022 10:20 AM (IST)

    ગુજરાત ચૂંટણી 2022 : AAP પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા સુરતની કતારગામ બેઠક પરથી લડશે

    AAP પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા સુરતની કતારગામથી અને મનોજ સોરઠિયા કરંજ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. આપના રાષ્ટ્રીય કન્વીન્યર અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે.

  • 09 Nov 2022 10:15 AM (IST)

    Gujarat Assembly Election : અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ ધારાસભ્ય રઘુ દેસાઇ પર લગાવ્યા ગંભીર આરોપ

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યનું રાજકારણ ગરમાઇ રહ્યું છે. સત્તા પક્ષ અને વિપક્ષ એકબીજા પર વાર પલટવાર કરી રહ્યાં છે, ત્યારે પાટણના રાધનપુરમાં ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની સભાને લઇ ફરી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અલ્પેશ ઠાકોરે જાહેર મંચ પરથી કોંગ્રેસ ધારાસભ્ય રઘુ દેસાઇ પર ગંભીર આરોપ લગાવ્યાં છે.

    સભા સંબોધતા અલ્પેશ ઠાકોરે કહ્યું કે ધારાસભ્ય રઘુ દેસાઇ હપ્તા ઉઘરાવી રહ્યાં છે. ખાનગી કંપનીઓ પાસેથી હપ્તા ઉઘરાવતા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. વિકાસ કામોમાં ૩૦ ટકા સુધીની ટકાવારી રઘુ દેસાઇ ઉઘરાવી રહ્યાં છે. રાધનપુર નગરપાલિકા હસ્તક વિકાસ કામોમાં મોટો ભ્રષ્ટાચાર કર્યો. ઘનકચરાનું ટેન્ડર પાડ્યા વિના 98 લાખની ઉચાપત કરી હોવાનો પણ દાવો કર્યો છે.સાથે જ અલ્પેશ દાવો કરી રહ્યાં છે કે જો જરૂર પડશે તો રઘુ દેસાઇ ક્યાં ક્યાંથી હપ્તા ઉઘરાવે છે તેના પુરાવા પણ આપીશ.

  • 09 Nov 2022 10:07 AM (IST)

    Gujarat Assembly Election : સી.આર.પાટીલના હસ્તે 'અગ્રેસર ગુજરાત' અભિયાનનો પ્રારંભ

    ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે 'અગ્રેસર ગુજરાત' અભિયાનનો પ્રારંભ થયો છે. આ અભિયાન અંતર્ગત ભાજપ સંકલ્પ પત્ર રજૂ કરતા પહેલા જનતા પાસેથી તેમના અભિપ્રાય,સૂચનો અને લાગણીઓ જાણવાનો પ્રયાસ કરશે. આ માટે સુરત ભાજપે પણ તૈયારીઓ પૂર્ણ કરી છે...સુરતમાં વિધાનસભા દીઠ 50 સૂચન પેટીઓ મુકાશે. આ સૂચન પેટી લોકોની અવરજવર વધુ હોય તેવી જગ્યાએ મુકાશે જેથી જનતાને સૂચનો આપવામાં સરળતા રહે. આ ઉપરાંત વેબસાઇટ અને મોબાઇલ નંબરના માધ્યમથી પણ સૂચન આપી શકાશે. ઉલ્લેખનીય છે કે સુરતમાં "અગ્રેસર ગુજરાત" અભિયાનમાં આગામી સમયમાં કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રનાથ પાંડે અને ગિરિરાજસિંહ પણ જોડાશે.

  • 09 Nov 2022 09:59 AM (IST)

    ગુજરાત ચૂંટણી 2022 : યુવા મતદારોને આકર્ષવા ભાજપની મથામણ

    યુવા મતદારોને આકર્ષવા માટે ભાજપે કમર કસી છે. આજે યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા ગુજરાતની મુલાકાતે છે. અમદાવાદ, ગાંધીનગર અને સાબરકાંઠામાં યુવાનો સાથે તેમના સંવાદ કાર્યક્રમનું આયોજન છે. આ પહેલા તેમણે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા.  તેમની સાથે ગુજરાત ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ પણ ઉપસ્થિત રહ્યા. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે  છેલ્લી 6 ચૂંટણીમાં ભાજપની જીત પાછળ યુવા મતદાતાઓની તાકાત અને આશીર્વાદે મોટું યોગદાન આપ્યું છે. આ વખતે પણ યુવા અને મહિલા મતદાતા પાર્ટીને આશીર્વાદ આપશે.

  • 09 Nov 2022 09:54 AM (IST)

    Gujarat Election : મોહનસિંહ રાઠવા બાદ ભગા બારડ પણ જોડાઈ શકે છે ભાજપમાં

    ચૂંટણી જેમ જેમ નજીર આવતી જાય છે તેમ તેમપક્ષ પલટાની મોસમ જામતી જાય છે અને ખાસ તો કોંગ્રેસના ગઢના કાંકરા ખરી રહ્યા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસના દિગ્ગજ ગણાતા ધારાસભ્ય મોહન રાઠવા ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું છે ત્યારે કોંગ્રેસના વધુ એક સિનિયર ગણાતા નેતા તાલાલાના ધારાસભ્ય ભગા બારડ ભગવો ધારણ કરે તેવી શકયતાઓ સેવાઈ રહી છે. ભગા બારડના સમર્થકોએ પણ એ બાબતને સમર્થન આપ્યું છે કે જો ભગા બારડ ભાજપમાં જોડાશે તો તેમના સમર્થકો પણ કેસરિયા કરી શકે છે.

Published On - Nov 09,2022 9:34 AM

Follow Us:
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">