Gujarat Election: ખેડા જિલ્લાની આ બેઠક પર પાટીદાર મતદારોનો દબદબો, પાટીદાર ઉમેદવારની જ થાય છે જીત, જાણો સ્થાનિક મતદારોનો મિજાજ
ખેડા (Kheda)જિલ્લાની નડિયાદ (Nadiad) બેઠકની. 1962થી 2017 સુધી અહીં 13 વિધાનસભા ચૂંટણી (Assembly elections) યોજાઇ છે. આ તમામ ચૂંટણીઓમાં જીત માત્ર પાટીદાર ઉમેદવારોની જ થઇ છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું (Gujarat Election 2022) રણશિંગુ ફૂંકાયુ છે. રાજકીય પાર્ટીઓએ જોર-શોરથી પ્રચાર અભિયાન શરૂ કર્યું છે. રાજકીય પાર્ટીના ટોચના નેતાઓ જાત-જાતના વચન અને વાયદાઓની લ્હાણી કરીને મતદારોને રીઝવવા પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે આજે અમે તમને ગુજરાતની એવી બેઠકની વાત કરીશું જ્યાં પાટીદાર મતદારોનો (Patidar Voters) દબદબો છે. આ એક એવી બેઠક છે જ્યાં પાટીદાર ઉમેદવાર જ ચૂંટાય છે. આ વાત છે ખેડા (Kheda)જિલ્લાની નડિયાદ (Nadiad) બેઠકની. 1962થી 2017 સુધી અહીં 13 વિધાનસભા ચૂંટણી યોજાઇ છે. આ તમામ ચૂંટણીઓમાં જીત માત્ર પાટીદાર ઉમેદવારોની જ થઇ છે. આ બેઠક પર પાટીદારોનો એવો તો દબદબો રહ્યો છે કે રાજકીય પક્ષોએ પણ પાટીદાર ઉમેદવારોને જ પ્રાધાન્ય આપ્યું છે.
નડિયાદ બેઠક છેલ્લી 5 ટર્મથી ભાજપના કબજામાં છે. ભાજપ વિકાસના દાવા કરી રહ્યું છે. તો મતદારો વિવિધ સમસ્યાઓની બૂમો પાડી રહ્યા છે. જોકે અહીં સવાલ એ સર્જાય કે 5 ટર્મથી સત્તાથી દૂર કોંગ્રેસ, 2022માં ભાજપના અભેદ કિલ્લાને ભેદી શકશે ? શું ભાજપ 2022માં પણ જીતનો સિલસિલો આગળ ધપાવી શકશે ? કેવો છે નડિયાદના મતદારોનો મિજાજ તે TV ગુજરાતીની ટીમે જાણ્યું
કેટલા મતદારો ?
ખેડા જિલ્લાના નડિયાદ બેઠકમાં કુલ 2 લાખ 72 હજાર 120 મતદારો છે. જેમાં 1 લાખ 38 હજાર 202 પુરૂષ મતદારો છે અને 1 લાખ 33 હજાર 918 સ્ત્રી મતદારો છે.
નડિયાદ વિધાનસભા બેઠક
નડિયાદ વિધાનસભા બેઠક પર 2017ના પરિણામની વાત કરીએ તો ભાજપના પંકજ દેસાઇને 90,221 મત મળ્યા હતા. કોંગ્રેસના જીતેન્દ્ર પટેલને 69,383 મત મળ્યા હતા. ભાજપના પંકજ દેસાઇ 20,838 મતે ચૂંટણી જીત્યા હતા. ભાજપને 53.89 ટકા, કોંગ્રેસને 41.45 ટકા મત મળ્યા હતા. તો વર્ષ 2012ના પરિણામની વાત કરીએ તો ભાજપના પંકજ દેસાઇને 75,335 મત મળ્યા હતા. તો કોંગ્રેસના જીતેન્દ્ર પટેલને 68,748 મત મળ્યા હતા. ભાજપના પંકજ દેસાઇ 6,587 મતે ચૂંટણી જીત્યા હતા.
રાજકીય ઇતિહાસ
નડિયાદ બેઠકના રાજકીય ઇતિહાસની વાત કરીએ તો 1962થી 2017 સુધી 13 વખત ચૂંટણી યોજાઇ છે. 35 વર્ષ સુધી આ બેઠક પર કોંગ્રેસનો દબદબો રહ્યો હતો. 1972થી 1995 સુધી કોંગ્રેસના દિનશા પટેલ ચૂંટાતા હતા. જો કે 1998માં પ્રથમવાર ભાજપનો જીતની સફળતા મળી હતી. 1998થી આ બેઠક પર ભાજપનું એકતરફી વર્ચસ્વ રહ્યુ છે. છેલ્લી 5 ટર્મથી અહીં ભાજપના જ ઉમેદવાર ચૂંટાય છે. અહીં છેલ્લા 5 ટર્મથી ભાજપના પંકજ દેસાઇનું શાસન છે. તો 24 વર્ષથી કોંગ્રેસ અહીં સત્તાથી વિમૂખ છે.
પાટીદારોનો ગઢ છે નડિયાદ
નડિયાદમાં પાટીદાર મતદારોનો દબદબો જોવા મળે છે. અત્યાર સુધી માત્ર પાટીદાર ઉમેદવારોની જ જીત થાય છે. 1962થી 2017 સુધી પાટીદાર ઉમેદવારો જ ચૂંટાયા છે. અત્યાર સુધી 13 વિધાનસભા ચૂંટણી યોજાઇ છે. આ 13 ચૂંટણીમાં નડિયાદને 6 ધારાસભ્યો મળ્યા છે. પક્ષ કોઇ પણ હોય અહીં પાટીદાર ઉમેદવારો જ જીત્યા છે.
જાતિગત સમીકરણ
પાટીદાર મતદારો – 28,740 મુસ્લિમ મતદારો – 24,840 વણિક-બ્રાહ્મણ મતદારો – 16,487 SC મતદારો – 14,215 ST મતદારો – 4,512
(વીથ ઇનપુટ- ધર્મેન્દ્ર કપાસી, ખેડા)