અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન બે દિવસના ગુજરાત પ્રવાસે, આજે રાત્રે પહોંચશે અમદાવાદ એરપોર્ટ, અમદાવાદ પૂર્વમાં બંને નેતાઓ કરશે રોડ શૉ
આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની નજર આગામી ગુજરાત ચૂંટણી પર છે. પંજાબની સત્તાથી આમ આદમી પાર્ટી આખા દેશને હવે એક સંદેશ આપવા માંગે છે. અરવિંદ કેજરીવાલ લોકો સમક્ષ 'આપ' સરકારની છબી ઉભી કરવા માગે છે.
પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં બહુમતથી વિજય મેળવ્યા બાદ હવે આમ આદમી પાર્ટીની નજર ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) પર છે. આ માટે આપના મોટા ચહેરા એટલે કે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન (Bhagwant Mann )ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. આવતીકાલે તે અમદાવાદમાં (Ahmedabad) રોડ શો યોજવાના છે. આજે રાત્રે 8.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આ બંનેનું આગમન થશે. આ બંને નેતાઓ આવતીકાલે એટલે કે શનિવારે અમદાવાદ પૂર્વમાં રોડ શો યોજવાના છે. રોડ શો માટેની પોલીસ પરવાનગી પણ આપને મળી ગઇ છે. ત્યારે અરવિંદ કેજરીવાલે રોડ શોની મંજુરી આપવા બદલ પોલીસનો આભાર પણ માન્યો હતો.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી એક્શનમાં આવી ગઇ છે. આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની નજર ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી પર છે. પંજાબની સત્તાથી આમ આદમી પાર્ટી આખા દેશને હવે એક સંદેશ આપવા માંગે છે. અરવિંદ કેજરીવાલ લોકો સમક્ષ ‘આપ’ સરકારની છબી ઉભી કરવા માગે છે.
આજે રાત્રે અમદાવાદ એરપોર્ટ પર આગમન સાથે બંને આપના નેતાઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. બે દિવસના કાર્યક્રમ દરમિયાન કેજરીવાલ અને ભગવંત માન ગાંધી આશ્રમની મુલાકાત લેશે, તિરંગા યાત્રામાં જોડાશે અને સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરશે. તેમના આ પ્રવાસને લઈ ગુજરાત આમ આદમી પાર્ટીએ ભાજપ દ્વારા હુમલાની આશંકા વ્યક્ત કરી છે. કેજરીવાલના પ્રવાસ પહેલા આમ આદમી પાર્ટીએ પોલીસને લેખિતમાં જાણ કરી છે કે- અરવિંદ કેજરીવાલના બે દિવસિય કાર્યક્રમ દરમિયાન ભાજપના ગુંડા કોઈપણ સમયે અને કોઈપણ સ્થળે હિંસક હુમલો કરવાનું કાવતરું ઘડ્યું છે. જેથી આ બંને દિવસો દરમિયાન કેજરીવાલ પર ભાજપના ગુંડા તત્વો દ્વારા હિંસક હુમલો થાય તેવી પૂરી શંકા અને સંભાવના છે. તેથી ભાજપના આવા તત્વો સામે અટકાયતી પગલાં લેવા અને અગાઉથી નજરકેદ રાખવા વીનંતી છે.
મહત્વનું છે કે બે દિવસ પહેલા જ અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાન પર હુમલો થયો હતો.. આવો કોઈ બનાવ ગુજરાતમાં ન બને તે માટે આમ આદમી પાર્ટીએ પોલીસને વિનંતી કરી છે.
શું છે ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ ?
કેજરીવાલ અને ભગવંત માનના કાર્યક્રમની વાત કરીએ તો આજે રાત્રે 8.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર બંનેનું આગમન થશે. રાત્રે 9.00 કલાકે તેઓ સિંધુભવન પર આવેલી તાજ સ્કાયલાઈન હોટેલ પર આવશે. જ્યાં રાત્રિ રોકાણ કરશે. 2 એપ્રિલે સવારે તેઓ સવારે 10 કલાકે ગાંધી આશ્રમ જવા રવાના થશે. સવારે 10.15 કલાકે ગાંધી આશ્રમની મુલાકાત લેશે, ત્યારબાદ 10.45 કલાકે ગાંધી આશ્રમથી તાજ સ્કાયલાઈન હોટેલ પહોંચશે. બપોરે 3.30 કલાકે તાજ સ્કાયલાઈનથી નીકળીને તિરંગા યાત્રા માટે રવાના થશે અને સાંજે 4 કલાકે નિકોલમાં ખોડિયાર માતાના મંદિરથી તિરંગા યાત્રામાં જોડાશે. ત્યાંથી સાંજે 6 કલાકે તાજ સ્કાયલાઈન જવા રવાના થશે. સાંજે 7 કલાક હોટેલ પહોંચ્યા બાદ ત્યાં જ રાત્રિ રોકાણ કરશે. 3 એપ્રિલના કાર્યક્રમની વાત કરીએ તો સવારે 10.30 કલાકે તેઓ શાહીબાગના સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરશે. સાંજે 5.30 કલાકે તાજ સ્કાયલાઈન હોટેલથી એરપોર્ટ જવા રવાના થશે અને સાંજે 6 કલાકે એરપોર્ટથી દિલ્લી જવા રવાના થશે.
કેજરીવાલની નજર હવે ગુજરાત-હિમાચલ પર
વાસ્તવમાં પંજાબ વિધાનસભા ચૂંટણીના પરિણામોએ લોકોને એક ઉદાહરણ પુરૂ પાડ્યુ છે. જેથી ‘આપ’એ અન્ય રાજ્યોમાં પ્રવેશનો માર્ગ ખોલવાની તૈયારી ચાલુ કરી દીધી છે. આ વર્ષના અંતમાં હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં ચૂંટણી થવાની છે. આ માટે આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. 2 એપ્રિલે AAP અમદાવાદમાં રોડ શો કરવા જઈ રહી છે. કેજરીવાલ અને માન આ રોડ શોમાં સાથે રહેશે. દિલ્હી મોડલ દ્વારા પંજાબમાં આધાર બનાવવામાં આવ્યો હતો અને હવે પંજાબ દ્વારા AAP સમગ્ર દેશમાં પોતાનો પક્ષ મજબુત કરવા માગે છે અને તેથી જ AAP દરેક નિર્ણય સાથે સંદેશ આપી રહી છે.
ગુજરાતમાં પક્ષને મજબૂત બનાવવાની તૈયારીઓ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કેજરીવાલ અને ભગવંત માનની આ મુલાકાત ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે. ચૂંટણીને હજુ ઘણો સમય બાકી છે પરંતુ આપ અત્યારથી જ પોતાના પક્ષને અહીં મજબૂત કરવા ઇચ્છી રહી છે. ગુજરાતના આપના આગેવાનો અને કાર્યકરો દ્વારા પણ સમગ્ર કાર્યક્રમને લઇને તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો-
રાજકોટ : પાટીદારોની નારાજગી દૂર કરવાનો પ્રયાસ, કોંગ્રેસે પાટીદારોને સંગઠનમાં સ્થાન આપવાની બાંહેધરી આપી
આ પણ વાંચો-