ગુજરાતમાં ચૂંટણી પૂર્વે પાટીદાર અગ્રણી અને ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ દિલ્હીમાં પીએમ મોદીને મળ્યા
Rajkot: ખોડલધામના પ્રમુખ નરેશ પટેલની પીએમ મોદી સાથેની મુલાકાત પર રાજકીય માહોલ ગરમાયો છે. નરેશ પટેલે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમની સાથે ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળા અને દિનેશ કુંભાણી પણ સામેલ હતા.
ગુજરાત વિધાનસભા (Gujarat Election) ની ચૂંટણી પૂર્વે પાટીદાર અગ્રણી અને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ (Naresh Patel) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. દિલ્હીમાં પીએમના નિવાસસ્થાને તેઓ પીએમ મોદી (PM Modi)ને મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળા અને દિનેશ કુંભાણી પણ સામેલ હતા. આ મુલાકાતને લઈને રાજકીય માહોલ ગરમાયો છે અને અનેક ચર્ચાઓએ જોર પકડયુ છે ત્યારે રમેશ ટીલાળાએ મુલાકાત અંગે સ્પષ્ટતા કરી કે એ માત્ર શુભેચ્છા મુલાકાત હતી. જો કે આ મુલાકાતથી ભાજપને રાજકીય ફાયદો થશે તેવી પણ ચર્ચા છે.
આવી ચર્ચાઓ પર ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલે જણાવ્યુ કે નરેશ પટેલની આ મુલાકાતથી ફાયદાની આવશ્યક્તા નથી. ભાજપનો કાર્યકર્તા ચૂંટણી જીતવા સક્ષમ છે. જોકે પાટિલે એવુ પણ કહ્યુ કે સામાજિક આગેવાનની મુલાકાત થી ભાજપના કાર્યકર્તા જીતનો ટાર્ગટ પુરો કરશે એક સામાજિક અને ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલા ખોડલધામના અધ્યક્ષ પીએમ મોદીને મળ્યા છે. આ સંસ્થા પ્રત્યે અનેક લોકોની નિષ્ઠા જોડાયેલી છે. આવી સંસ્થાના વડા જ્યારે પીએમ મોદીને મળ્યા છે. ત્યારે એવુ ચોક્કસ લાગે છે કે આવનારા દિવસોમાં આવી રહેલી રાજ્યની ચૂંટણીમાં ભાજપના કાર્યકર્તાઓ જે ટાર્ગેટ લઈને ચાલી રહ્યા છે તે પૂ્ર્ણ થશે તેવો વિશ્વાસ છે.
મહત્વપૂર્ણ છે કે અગાઉ નરેશ પટેલે રાજકારણમાં આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને સમાજને પૂછીને તેઓ નિર્ણય કરશે. ત્યારે પણ નરેશ પટેલના ભાજપમાં જોડાવાની અટકળો વહેતી થઈ હતી. જો કે નરેશ પટેલે આ અંગે મગનું નામ મરી પાડ્યુ ન હતુ. ત્યારબાદ તેમના કોંગ્રેસમાં અને આમ આદમી પાર્ટીમાં પણ જોડાવાની ચર્ચા ચાલી હતી. તેમણે અગાઉ કેજરીવાલ સાથે પણ મુલાકાત કરી હતી. તો ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલને પણ મળ્યા હતા. ત્યારે આજે નરેશ પટેલે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતથી ગુજરાતની ચૂંટણીમાં ભાજપને ફાયદો થશે કે કેમ તે તો આવનારો સમય જ કહેશે.
અગાઉ નરેશ પટેલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે પણ મુલાકાત કરી હતી. નરેશ પટેલ જર્મનીની મુલાકાતે હતા, ત્યાંથી તેઓ સીધા જ ઉત્તર પ્રદેશમાં આનંદીબેન પટેલને મળવા પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓ રાજકોટ આવી પહોંચ્યા હતા.