ગુજરાત વિધાનસભામાં 100 નવા ચહેરા, 3 ડોકટર, માત્ર એક જ મુસ્લિમ ધારાસભ્ય

TV9 GUJARATI

|

Updated on: Dec 09, 2022 | 9:05 AM

ગુજરાત વિધાનસભામાં ચૂંટાયેલા નવા ધારાસભ્યોમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નિ રીવાબા જાડેજાનો પણ સમાવેશ થાય છે. રીવાબા જાડેજા 50 હજાર કરતા વધુ મતોએ જીત મેળવી હતી. રીવાબા સિવાય અન્ય 14 મહિલાઓ પણ વિજયી બની છે.

ગુજરાત વિધાનસભામાં 100 નવા ચહેરા, 3 ડોકટર, માત્ર એક જ મુસ્લિમ ધારાસભ્ય
Gujarat Assembly ( file photo)
Follow us

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. 182 વિધાનસભા બેઠકોમાંથી ભાજપે 156 બેઠકો જીતીને અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. તો બીજી બાજુ, કોંગ્રેસ માત્ર 17 બેઠકો ઉપર જ જીત મેળવી શકી છે. જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલીવાર લડનાર આમ આદમી પાર્ટીને પાંચ અને સપા તેમજ અપક્ષ સહીતનાને ચાર બેઠકો મળી હતી. ગુજરાતની 15મી વિધાનસભામાં આ વખતે કેટલાક ફેરફારો જોવા મળશે. આ વખતે 100થી વધુ નવા ચહેરા વિધાનસભામાં પહોંચ્યા છે. જેમાં 15 મહિલા ધારાસભ્યો છે, જ્યારે એક મુસ્લિમ ધારાસભ્ય છે. તો બીજી બાજુ 77 વર્તમાન ધારાસભ્યો ફરીથી ચૂંટાઈ આવ્યાં છે.

નવી વિધાનસભામાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર ડો. દર્શિતા શાહ સહિત ત્રણ પ્રેક્ટિસ કરતા ડોક્ટરો પણ હશે. દર્શિતા શાહ રાજકોટ પશ્ચિમ બેઠક પરથી જીત્યા. 2017ની ચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આ બેઠક પરથી જીત્યા હતા. અન્ય ડોકટરોમાં ડો. દર્શન દેશમુખ અને પાયલ કુકરાણીનો સમાવેશ થાય છે, જેઓ ભાજપની ટિકિટ પર નાંદોદ અને નરોડા બેઠક પરથી જીત્યા હતા.

કોંગ્રેસમાંથી માત્ર એક જ મહિલા ધારાસભ્ય

આ ઉપરાંત દર્શના વાઘેલા અમદાવાદની અસારવા વિધાનસભા બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી જીત્યા છે. દર્શના વાઘેલા એક ગૃહિણી છે અમદાવાદ શહેરના પૂર્વ ડેપ્યુટી મેયરપદે પણ બીરાજી ચૂક્યા છે. બીજી તરફ ભાવનગર-પૂર્વમાંથી જીતેલી સેજલ પંડ્યા કોચિંગ કલાસ ચલાવે છે. ભાજપના 13માંથી પાંચ મહિલા ધારાસભ્યો સીટીંગ ધારાસભ્ય છે. કોંગ્રેસના એકમાત્ર મહિલા પ્રતિનિધિ ગેનીબેન ઠાકોર છે, જે વાવના વર્તમાન ધારાસભ્ય છે. ગત 14મી વિધાનસભામાં 13 મહિલા ધારાસભ્યો હતા, જ્યારે 13મી વિધાનસભામાં રેકોર્ડ 17 મહિલા ધારાસભ્યો હતા.

ગાંધીનગરના મેયર પણ ચૂંટણી જીત્યા

નવા ચહેરાઓમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની પત્ની અને મહિલા ઉદ્યોગપતિ રીવાબા જાડેજાનો સમાવેશ થાય છે, જેઓ જામનગર ઉત્તરમાંથી 50 હજાર થી વધુ મતોથી જીત્યા હતા. રીવાબા જાડેજા ઉપરાંત અન્ય બે બિઝનેસ વુમન રીટા પટેલ અને માલતી મહેશ્વરી પણ વિધાનસભામાં પહોંચી છે. રીટા પટેલ ગાંધીનગર ઉત્તર બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટાયા છે. રીટા વ્યવસાયે બિલ્ડર છે. આ સાથે તેઓ ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર પણ છે. બીજી તરફ ગાંધીધામ બેઠક પરથી જીતેલા મહેશ્વરી લોજિસ્ટિક્સનો વ્યવસાય કરે છે. તેઓ ગત વિધાનસભામાં પણ ધારાસભ્યપદે હતા.

ભાજપના 2 ધારાસભ્યો સૌથી અમીર

નવી વિધાનસભામાં ઈમરાન ખેડાવાલા એકમાત્ર મુસ્લિમ ધારાસભ્ય હશે. ઈમરાન કોંગ્રેસની ટિકિટ પર 13,600 મતોથી ચૂંટણી જીત્યા છે. ગત વિધાનસભામાં કોંગ્રેસના અન્ય મુસ્લિમ ધારાસભ્ય ગ્યાસુદિન શેખ, મહંમદ પિરજાદા હાર્યા છે. નવી વિધાનસભામાં બે સૌથી ધનિક ધારાસભ્યો ભાજપના છે. જે એસ પટેલ, માણસાથી ભાજપની ટિકિટ પર જીત્યા છે. તેમની સંપત્તિ 661 કરોડ રૂપિયા છે, જ્યારે પૂર્વ કોંગ્રેસી બળવંત સિંહ રાજપૂત સિદ્ધપુરથી જીત્યા છે. તેમની સંપત્તિ 372 કરોડ છે.

126 ધારાસભ્યો ફરી લડ્યા, પણ જીત્યા માક્ષ 77 જ

2022ની ચૂંટણીમાં કુલ 126 ધારાસભ્યોએ ફરીથી ચૂંટણી લડી હતી. મતદારોએ તેમાંથી 77ને ફરીથી ચૂંટ્યા, જેમાંથી 84 ટકા ભાજપના છે, જ્યારે 12 ટકા કોંગ્રેસના છે. અન્યમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો સમાવેશ થાય છે, ધવલસિંહ ઝાલા ભાજપમાં અલ્પેશ ઠાકોરની સાથે જોડાયા હતા. પેટા ચૂંટણીમાં બન્ને હાર્યા હતા. આ વખતે ભાજપે ટિકિટ ના અપતા, ધવલસિંહ ઝાલા અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા અને બાયડ બેઠક જીતી હતી. NCPએ કુતિયાણાથી પક્ષના ઉમેદવાર તરીકે ટેકો આપવાનો ઇનકાર કર્યા પછી સમાજવાદી પાર્ટીની ટિકિટ પર લડેલા કાંધલ જાડેજા જીતી ગયા.

Latest News Updates

Click on your DTH Provider to Add TV9 Gujarati