
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી આ વખતે ભાજપ વિરુદ્ધ ટીએમસીની હોય તેવુ લાગી રહ્યું છે. 2026ની ચૂંટણી જીતવા માટે ભાજપે પશ્ચિમ બંગાળની સુકાન ભાજપના ચાણક્ય કહેવાતા અમિત શાહને સોંપી દીધી હતી. અમિત શાહે પણ અવારનવાર પશ્ચિમ બંગાળની મુલાકાત લઈને કોઈને કોઈ મુદ્દે મમતા દીદીને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. આજે ગુરુવારને 2 એપ્રિલના રોજ, ભાજપના ઉમેદવાર સુવેન્દ્ર અધિકારીની ઉમેદવારી પત્ર ભરતા પહેલા ભવાનીપુરામાં જાહેરસભાને અમિત શાહે સંબોધી હતી. આ જાહેરસભમાં અમિત શાહે કહ્યું કે, આ ચૂંટણીમાં મમતા દીદીની વિદાય નક્કી છે. હુ બોરિયા બિસ્તરા સાથે 15 દિવસ પશ્ચિમ બંગાળમાં જ રહેવાનો છું. હવે તે સમગ્ર પશ્ચિમ બંગાળની જનતા કહી રહી છે કે, મમતા દીદીને વિદાય આપો.
અમિત શાહે પોતાની આગવી શૈલીમાં ભવાનીપુર ખાતે જાહેરસભાને સંબોધતા કહ્યું: “બંગાળ રાજ્યમાં પરિવર્તન લાવવાની શક્તિ હવે તમારા હાથમાં છે. મારી પાસે તમારા માટે એક શોર્ટકટ છે. જો ભવાનીપુરના લોકો આ એક બેઠક પર ભાજપના ઉમેદવાર સુવેન્દ્રુ અધિકારીને વિજયી બનાવે, તો બાકીના બંગાળમાં આપોઆપ પરિવર્તન થઈ જશે. અમિત શાહે વધુમાં કહ્યું કે,સુવેન્દુ-દા શરૂઆતમાં નંદીગ્રામથી વિધાનસભાની ચૂંટણી લડવા માંગતા હતા. જોકે, મેં તેમને કહ્યું હતું કે તેમણે ફક્ત નંદીગ્રામથી જ ચૂંટણી લડવી જોઈએ નહીં બલ્કે, તેમણે મમતા બેનર્જીના પોતાના ગઢ ગણાતા ગૃહક્ષેત્ર ભવાનીપુરમા જવું જોઈએ અને ત્યાં દીદીને હરાવવા જોઈએ.
અમિત શાહે ટિપ્પણી કરી હતી કે, 2021 માં પાછલી ચૂંટણીઓમાં મમતા બેનર્જી બંગાળમાં સરકાર બનાવવામાં સફળ રહી હતી, પરંતુ તેમને નંદીગ્રામમાં સુવેન્દુ અધિકારી સામે વ્યક્તિગત હારનો સામનો કરવો પડ્યો હતો. “આ વખતે,” શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “મમતા બેનર્જીને ફક્ત બંગાળમાં જ નહીં પરંતુ ભવાનીપુરમાં પણ હારનો સામનો કરવો પડશે.
અમિત શાહે એવી પણ જાહેરાત કરી હતી કે, મમતા દીદીની વિદાય માટે તેઓ બોરિયા બિસ્તરા બાંધીને પશ્ચિમ બંગાળ આવ્યા છે. આગામી 15 દિવસ સુધી એટલે કે, ચૂંટણી સમયગાળા દરમિયાન પશ્ચિમ બંગાળમાં જ રહેવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, અહીં ભાજપની સરકાર બનાવવી જ જોઈએ. શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે એકવાર ભાજપ સરકાર સ્થાપિત થઈ જશે, પછી પશ્ચિમ બંગાળને અડીને આવેલી આંતરરાષ્ટ્રીય સરહદો સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવશે અને ઘુસણખોરોને બંગાળ અને દેશભરમાંથી એક પછી એક ઓળખીને હાંકી કાઢવામાં આવશે.