આણંદ : ધો.10-12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, જિલ્લા કલેકટરે વિદ્યાર્થીઓનું ગુલાબના ફૂલથી સ્વાગત કર્યું
કલેકટર દક્ષિણીએ જિલ્લામાં આજથી શરૂ થયેલ પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં તથા વિદ્યાર્થીઓ ચિંતામુકત બની નિર્ભયપણે પરીક્ષાઓ આપી શકે તેવા વાતાવરણનું નિર્માણ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હોવાની સાથે વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી હોવાનું જણાવ્યું હતું.
ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા ધો.10 અને ધો.12ની પરીક્ષાઓનો આજે તા.28 માર્ચ-2022થી સમગ્ર રાજય સહિત આણંદ જિલ્લામાં પ્રારંભ થઇ ગયો. જે પરીક્ષાઓ તા.20 એપ્રિલ-2022 સુધી ચાલુ રહેશે. આજે પ્રથમ દિવસે ધો.10ની ગુજરાતી વિષયની પરીક્ષાના પ્રારંભે જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીએ આણંદ ખાતેની ડી. એન. હાઇસ્કૂલ ખાતે ખાસ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી તેઓનું સ્વાગત કરી મોં મીઠું કરાવીને પરીક્ષા ખંડમાં પ્રવેશ કરાવીને તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
કલેકટર દક્ષિણીએ જિલ્લામાં આજથી શરૂ થયેલ પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં તથા વિદ્યાર્થીઓ ચિંતામુકત બની નિર્ભયપણે પરીક્ષાઓ આપી શકે તેવા વાતાવરણનું નિર્માણ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હોવાની સાથે વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી હોવાનું જણાવ્યું હતું. જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રોના બિલ્ડીંગોના તમામ વર્ગખંડોમાં CCTV કેમેરાથી સજજ કરવામાં આવ્યા છે. જેથી ગેરરીતિને કોઇ અવકાશ ન રહે અને વિદ્યાર્થીઓ શાંતચિત્તે પરીક્ષા આપી શકે.
દક્ષિણીએ વધુમાં કોરોના કપરા કાળને કારણે વિદ્યાર્થીઓને લખવામાં કોઇ મુશ્કેલી ન પડે તે માટે વહીવટીતંત્ર દ્વારા શાળાઓ સાથે સંકલન કરીને શાળાના આચાર્યો/વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે સેમિનારનું આયોજન કરીને વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રો લખવામાં કોઇ મુશ્કેલી ન પડે તેની વિશેષ કાળજી રાખી આ માટે સુપરવાઇઝરો અને પરીક્ષા કામગીરી સાથે સંકળાયેલ કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હોવાનું જણાવી પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોના ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવાની સાથે કોઇપણ પ્રકારની ગેરરીતિ આચરવામાં ન આવે તેની તકેદારી રાખવામાં તેમજ આ માટે જિલ્લાના વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓની સ્કોવર્ડ ટીમની રચના કરવામાં આવી હોવાનું ઉમેર્યું હતું.
આણંદની ડી. એન. હાઇસ્કૂલ ખાતે પરીક્ષા આપવા આવી રહેલ એક દિવ્યાંગ વિદ્યાર્થીને જોઇને કલેકટર દક્ષિણી તે વિદ્યાર્થીનો હાથ પકડી વિદ્યાર્થીને તેના વર્ગખંડ સુધી દોરી ગયા હતા. ત્યારબાદ પરીક્ષા શરૂ થવાના સમય પહેલાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેના વર્ગખંડમા પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીઓ સાથે તેમની પાટલી પર બેસીને તેઓની સાથે વાર્તાલાપ કરી પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.દક્ષિણીએ ડી. એન. હાઇસ્કૂલ ખાતેના પરીક્ષા કેન્દ્રોના વિવિધ ખંડોની મુલાકાત લઇ વિદ્યાર્થીઓને કોઇપણ જાતની ચિંતા કે ગભરાટ રાખ્યા વગર પરીક્ષા આપવાનું જણાવી તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
આજથી શરૂ થયેલી ધો.10ની પરીક્ષામાં 31,682 વિદ્યાર્થીઓ જિલ્લાના 40 પરીક્ષા કેન્દ્રોના 98 બિલ્ડીંગોના 1161 બ્લોકમાં પરીક્ષા આપી રહ્યા છે. આજ રીતે ધો.12 સામાન્ય પ્રવાહમાં 11,632 વિદ્યાર્થીઓ જિલ્લાના 20 પરીક્ષા કેન્દ્રોના 36 બિલ્ડીંગોના 382 બ્લોકમાં અને ધો.12 વિજ્ઞાનપ્રવાહમાં 4,547 વિદ્યાર્થીઓ પાંચ પરીક્ષા કેન્દ્રોના 19 બિલ્ડીંગોના 220 બ્લોકમાં પરીક્ષા આપી રહ્યા છે. ધો.10 અને ધો.12ની પરીક્ષાના સુચારૂં સંચાન માટે ધો.10 માટે ત્રણ(૩) ઝોન તથા ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા માટે એક ઝોનની રચના કરવામાં આવી છે.
જિલ્લાની તમામ શાળાઓ સાથે સીધો સંપર્ક અને સંકલન થઇ શકે તેમજ પરીક્ષાર્થી, વાલીઓ/શાળાઓને સાંભળીને જરૂરી માર્ગદર્શન આપવાના હેતુથી આણંદની જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ સવારના ૭-૦૦ થી રાત્રિના ૮-૦૦ સુધી કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવેલ છે. જેનો ફોન નંબર ૦૨૬૯૨-૨૬૪૧૫૩ છે. જયારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરી (ગાંધીનગર અને વડોદરા) ખાતે રાજય કક્ષાનો ૨૪ કલાક સ્ટેટ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે જેમાં ગાંધીનગર ખાતેના સ્ટેટ કંટ્રોલ રૂમનો નંબર ૦૭૯-૬૫૭૨૨૧૧૬ અને ૦૭૯-૬૫૭૨૨૧૧૭ જયારે વડોદરા ખાતે શરૂ કરવામાં આવેલ સ્ટેટ કંટ્રોલ રૂમનો નંબર ૦૨૬૫-૨૪૩૩૨૪૫ છે તથા બોર્ડનો ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩૩-૫૫૦૦ છે.