KUTCH : બે દિવસ કમોસમી વરસાદની શક્યતા, ખેતીવાડી વિભાગે ખેડૂતો માટે વિવિધ સુચનો જાહેર કર્યા
કચ્છમાં સંભવિત કમોસમી વરસાદના પગલે ખેડૂતોના વિવિધ પાકોને જેવા કે જીરાં/ધાણાના પાકમાં ઉગાવો અને વૃદ્ધિની સ્થિતીમાં બીજનું ધોવાણ, ઉભા પાકમાં ફૂગ જન્ય સુકારો રોગના ઉપદ્રવની સંભાવના છે.
KUTCH : રાજ્યમાં 1 અને 2 ડીસેમ્બર દરમિયાન કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા છે. આ આગાહી વચ્ચે જિલ્લાના ખેડૂતોએ ખેતી પાકોમાં થનાર સંભવીત નુકસાનથી બચવા જરૂરી તકેદારી રાખવા ખેતીવાડી વિભાગે એડવાઇઝરી જાહેર કરી છે. કચ્છમાં સંભવિત કમોસમી વરસાદના પગલે ખેડૂતોના વિવિધ પાકોને જેવા કે જીરાં/ધાણાના પાકમાં ઉગાવો અને વૃદ્ધિની સ્થિતીમાં બીજનું ધોવાણ, ઉભા પાકમાં ફૂગ જન્ય સુકારો રોગના ઉપદ્રવની સંભાવના છે.
છોડનું જમીન સાથે ચોટીને સુકાય જવું વગેરે નુકશાન થઈ શકે છે. રાયડોના પાકમાં દાંડલી અવસ્થામાં પવન અને વરસાદના કારણે રાયડાનો પાક જમીન પર ઢળી પડવાની અને આડો અવળો નમી જવાની શક્યતા રહે છે. દિવેલાના પાકમાં ડોડવામાં દાણા ભરાવા અને લુંમની પરિપક્વ અવસ્થામાં ખરી પડવાની શક્યતા, ગળ કોરી ખાનાર ઈયળનો ઉપદ્રવ વધવાની, પવન અને વરસાદના કારણે દિવેલાનો પાક જમીન પર ઢળી પડવાની અને આડો અવળો નમી જવાની શક્યતા રહે છે.
જેથી જીરાં/ધાણા, ઘંઉ, રાયડો, દિવેલા વેગેરે પાકમાં સંભવિત નુકસાની નિવારવા માટે વરસાદી સમય દરમ્યાન પિયત આપવાનું મુલત્વી રાખવુ, વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા રાખવી તેમજ દિવેલાના પાકમાં ગળ કોરી ખાનાર ઈયળનો ઉપદ્રવ વધે તો સ્પીનોસાદ 3 મી.લી 10 લીટર પાણીમાં છંટકાવ કરવો અને જીરાં/ધાણાના ઉભા પાકમાં પાનના સુકારાના નિયંત્રણ માટે મેન્કોઝેબ 27 ગ્રામ 10 લીટર પાણીમાં મિક્સ કરી છાંટકાવ કરવો.
શિયાળુ પાકોને આ સમય દરમ્યાન પિયત પાણી આપવાનું મુલત્વી રાખવું, તૈયાર ખેત જણસો વેચાણ માટે માર્કેટિંગ યાર્ડમાં આ સમય દરમ્યાન લઈ જવી નહીં. તૈયાર ખેતપેદાશ અને પશુઓને સલામત જગ્યાએ રાખવા. આ સમય દરમિયાન કોઇપણ પ્રકારની દવાઓ તેમજ ખાતરોનો છંટકાવ કરવો નહીં.
મરઘા ઘરમાં વરસાદનું પાણી પડે નહીં તેની તકેદારી રાખવી. માછીમારોએ દરિયો ખેડવા જવું નહીં, પ્રભાવિત વિસ્તારમાં નાગરીકોએ ઘરની બહાર નીકળવું નહીં, નીચાણવાળા વિસ્તારમાં અને કાચા મકાનમાંથી લોકોએ સલામત સ્થળે ખસી જવું, પાકની કાપણી કરલે હોય તો વરસાદથી પાક ભીંજાય નહિ માટે કાપણી કરેલ પાકને ગોડાઉન અથવા સુરક્ષિત જગ્યાએ રાખવો વગેરે તકેદારી રાખવા જીલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવાયું છે.
આ પણ વાંચો : ખેડૂતો માટે સારા સમાચાર : ગુજરાત સરકારે 9 જિલ્લાના ખેડૂતો માટે 531 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી
આ પણ વાંચો : બે દીકરીઓના લગ્નના 6 દિવસ પહેલા કોન્સ્ટેબલ પિતાનું મોત, સાથી પોલીસકર્મીઓએ 2 લાખ આપી કન્યાદાન કર્યું