હાલમાં બદલાતા આ વૈજ્ઞાનિક યુગમાં ખેતી દ્વારા પણ વધારે આવક મેળવી શકાય છે. ખેડૂતો (Farmers) પરંપરાગત પાકોને બદલે વૈજ્ઞાનિક પદ્ધતિથી બાગાયતી પાકોની ખેતી કરી રહ્યા છે. જો બાગાયતી પાકની વાત કરવામાં આવે તો ખેડૂતો ઔષધીય પાકોની પણ મોટા પ્રમાણમાં ખેતી કરી રહ્યા છે. એક યુવા ખેડૂત છે જેમણે સરકારી નોકરી છોડી અને ખેતીમાં ઝંપલાવ્યું છે. તેમણે હંમેશા ડિમાન્ડમાં રહેતા એલોવેરાની ખેતી (Aloe Vera Farming) કરીને લાખો રૂપિયાની કમાણી કરી છે.
રાજસ્થાનમાં રહેતા હરીશ ધનદેવ એન્જિનિયર હતા. તેઓ જેસલમેર મ્યુનિસિપલ કાઉન્સિલમાં જુનિયર એન્જિનિયર તરીકે કામ કરતા હતા, પરંતુ તેને નોકરીમાં મજા આવતી ન હતી સાથે જ તેને તેના પરિવારથી દૂર રહેવું પડતું હતું. તેથી તેમણે સરકારી નોકરી છોડી દીધી અને એલોવેરાની ખેતી શરૂ કરી હતી.
યુવા ખેડૂત હરીશે કહ્યુ કે, સરકારી નોકરી દરમિયાન તે એક દિવસ દિલ્હી ગયા અને ત્યાં એક કૃષિ પ્રદર્શન જોયું. તે સમયે તેમણે એલોવેરાની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે જાણ્યું. હરીશને એલોવેરાની ખેતી કરવાનો વિચાર આવ્યો. સાથે જ ખેતી કરવાનું તેનું સપનું હતું, તેથી નોકરીમાંથી રાજીનામું આપ્યું અને તેમના ગામમાં પરત આવી 120 એકર જમીનમાં એલોવેરાની ખેતી શરૂ કરી.
આ પણ વાંચો : ખેડૂતોએ બાગાયતી પાકોમાં કયા ખેતી કાર્ય કરવા, જાણો ફળ પાકોમાં શું કાળજી લેવી જોઈએ
હરીશ એલોવેરાની બાર્બી ડેનિસ જાતની ખેતી કરે છે. હોંગકોંગ, બ્રાઝિલ અને અમેરિકા જેવા મોટા દેશોમાં એલોવેરાની આ જાતિની વધારે માગ રહે છે. તેનો ઉપયોગ લક્ઝરી કોસ્મેટિક ઉત્પાદનોમાં થાય છે. તેથી જ મોટા વેપારીઓ સીધા જ તેમના ખેતરમાંથી એલોવેરાની ખરીદી કરે છે. હરીશે જેસલમેરમાં નેચરો એગ્રો નામની પોતાની કંપની શરૂ કરી છે. તેઓ હવે એક કરોડપતિ ખેડૂત બની ગયા છે અને તેનું વાર્ષિક ટર્નઓવર 2 થી 3 કરોડ રૂપિયાનું છે.