Onion Price: ડુંગળી ટામેટા જેટલી મોંઘી નહીં થાય, કેન્દ્ર સરકારે બનાવ્યો માસ્ટર પ્લાન
ઉપભોક્તા બાબતોના સચિવ રોહિત કુમાર સિંહે રવિવારે જણાવ્યું હતું કે, સરકારે 3 લાખ ટન ડુંગળીની ખરીદી કરી છે, જે ગયા વર્ષના બફર સ્ટોક કરતાં 20% વધુ છે અને ડુંગળીની શેલ્ફ લાઇફ વધારવા માટે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC) સાથે કામ કરી રહી છે.
દેશમાં હાલ છૂટક મોંઘવારી આસમાને છે. લીલા શાકભાજીથી (Vegetables Price) માંડીને અનાજ અને કઠોળના ભાવમાં ધરખમ વધારો થયો છે. જો શાકભાજીની વાત કરીએ તો સૌથી વધારે ભાવ ટામેટાના (Tomato Price) છે. ટામેટાના ભાવ ઘણા રાજ્યમાં 200 થી 250 સુધી પહોચ્યા છે. ટામેટાના વધતા ભાવ જોતા ડુંગળીને (Onion) લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેથી આવનારા દિવસોમાં ડુંગળીના ભાવ પર કોઈ અસર ન થાય.
ગયા વર્ષના બફર સ્ટોક કરતાં 20% વધારે
ઉપભોક્તા બાબતોના સચિવ રોહિત કુમાર સિંહે રવિવારે જણાવ્યું હતું કે, સરકારે 3 લાખ ટન ડુંગળીની ખરીદી કરી છે, જે ગયા વર્ષના બફર સ્ટોક કરતાં 20% વધુ છે અને ડુંગળીની શેલ્ફ લાઇફ વધારવા માટે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC) સાથે કામ કરી રહી છે. ડુંગળી પર રેડિયેશન ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યું છે. નાણાકીય વર્ષ 2022-23માં સરકારે 2.51 લાખ ટન ડુંગળીનો બફર સ્ટોક તરીકે રાખ્યો હતો.
સરકારે 3 લાખ ટન ડુંગળીની ખરીદી કરી
બજારમાં માગની સામે પુરવઠો ઓછો થાય તો તે દરમિયાન ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. આ પ્રકારની કોઈ આકસ્મિક પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફંડ (PSF) હેઠળ બફર સ્ટોક રાખવામાં આવે છે. રોહિત કુમાર સિંહે જણાવ્યું હતું કે તહેવારોની સિઝનમાં ગમે તે પરિસ્થિતિનો સામનો કરવા માટે સરકારે આ વર્ષે 3 લાખ ટન સુધીનો બફર સ્ટોક તૈયાર રાખ્યો છે.
રવિ સિઝનની ડુંગળીની ખરીદી કરવામાં આવી
ખરીફ ડુંગળીનું વાવેતર ચાલી રહ્યુ છે અને ઉતારો ઓક્ટોબરમાં શરૂ થાય છે. હાલમાં રવિ સિઝનની ડુંગળીની ખરીદી કરવામાં આવી રહી છે. સેક્રેટરીએ કહ્યું કે સામાન્ય રીતે જ્યાં સુધી તાજો ખરીફ પાક બજારમાં ન આવે ત્યાં સુધી છૂટક બજારોમાં ડુંગળીના ભાવ 20 દિવસ કે તેથી વધુ સમય સુધી વધારે રહે છે, પરંતુ આ વખતે કોઈ મુશ્કેલી નહીં આવે.
આ પણ વાંચો : ઘઉં અને તુવેર દાળના ભાવમાં થઈ શકે છે ઘટાડો, રાજ્ય સરકારે બનાવ્યો આ પ્લાન
આવી રીતે વધશે ડુંગળીની શેલ્ફ લાઇફ
પરમાણુ ઉર્જા વિભાગ અને ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર સાથે મળીને ગ્રાહક બાબતોનું મંત્રાલય ડુંગળીના સંગ્રહ માટેની તકનીકનું પરીક્ષણ કરી રહ્યું છે. સિંહે કહ્યું કે પ્રાયોગિક ધોરણે અમે મહારાષ્ટ્રના લાસલગાંવમાં 150 ટન ડુંગળી પર કોબાલ્ટ-60માંથી ગામા રેડિયેશનનો પ્રયોગ કરી રહ્યા છીએ. આ ડુંગળીની શેલ્ફ લાઇફ વધારશે. 2022-23માં સરકારે PSF હેઠળ રવિ-2022ના પાકમાંથી રેકોર્ડ 2.51 લાખ મેટ્રિક ટન ડુંગળીની ખરીદી કરી હતી.