વૈજ્ઞાનિક પદ્ધતિથી કરી શાકભાજીની ખેતી, ઉત્પાદન અને આવકમાં થયો વધારો, સફળવાર્તા

ભરતભાઇ ગઢિયાએ ઉતરાખંડ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોનાં પ્રેરણા પ્રવાસ પણ કર્યાં. આ પ્રવાસ દ્વારા તેમને ખેતી અંગે ઘણું બધુ શીખવા મળ્યું.

  • TV9 Webdesk13
  • Published On - 18:27 PM, 8 Jan 2021
Increased cultivation, production and income of curry vegetables by scientific method
શાકભાજીની ખેતી

ખેતી તો ઘણા બધા ખેડૂતો કરતા હોય છે, પરંતુ સમયે સમયે પાકનાં વાવેતરમાં વિવિધતા લાવીને જમીન અને આવક આ બંન્નેમાં ઉન્નતિ કરી શકાય છે. ખેડૂત વિવિધ તાલિમ તેમજ પ્રેરણા પ્રવાસ કરીને ઘણું બધુ શીખી શકે છે. ઘણી નવી પધ્ધતિઓ અપનાવી શકે છે આ બાબત સિધ્ધ કરી છે ગીર સોમનાથનાં પ્રભાસ પાટણનાં ભરતભાઇ ગઠીયાએ. આધુનિક અભિગમથી શાકભાજીની ખેતી કરતા ભરતભાઇની સફળતાનું રહસ્ય જાણીએ.

ગીર સોમનાથ જિલ્લાનાં પ્રભાસ પાટણ ગામનાં ખેડૂત ભરતભાઇ ગઢિયા. તેઓ છેલ્લા 18 વર્ષથી પોતાની 9 એકર જમીનમાં ખેતી કરે છે. ખેતી તેમને વારસામાં મળી હતી. તેમણે ખેતી કરવાની શરૂઆત કરી ત્યારે તેમને ત્યાં ઘાન્ય પાકો અને રતાળુ તથા પપૈયા જેવા પાકનું વાવેતર થતુ હતુ જેમાં વર્ષમાં બે વાર જ ઉત્પાદન મળતુ હતું. અને જો કોઇવાર સારૂ ઉત્પાદન ન મળે કે ઓછા ભાવ મળે તો તેમને નુકસાન થતુ હતુ. તેથી તેમણે નક્કિ કર્યું કે, હવે એવા પાકની ખેતી કરવી જેનો દર 4 મહિને ઉતારો મળે. આથી તેઓ શાકભાજીની ખેતી તરફ વળ્યા.

ભરતભાઇ ગઢિયાએ ઉતરાખંડ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોનાં પ્રેરણા પ્રવાસ પણ કર્યાં. આ પ્રવાસ દ્વારા તેમને ખેતી અંગે ઘણું બધુ શીખવા મળ્યું. 2009માં તેમને ડ્રિપ અને મલ્ચિંગ વિશે જાણ્યું અને તે અપનાવી ખેતી કરવા લાગ્યા. તેઓ ફુઆરા અને ડ્રિપથી પાકને પાણી આપે છે. ડ્રિપમાં પણ તેમણે એવું આયોજન કર્યું છે કે દરેક છોડને અલગથી જેટલુ જોઇએ તેટલું જ પાણી આપી શકાય. 2010થી તે જે પણ વાવેતર કરે છે તેમાં ફરજીયાત મલ્ચિંગ તો કરે છે.

તેમણે મરચાનું વાવેતર કર્યું હતું, તેમાં ઉત્પાદન પણ સારૂ મળવા લાગ્યું. મરચાનાં છોડ પરિપક્વ થયા બાદ તે જ જમીનમાં સાથે આંતરપાક તરીકે તેમણે કારેલા વાવ્યા. મરચાનાં છોડ પર કારેલાનાં વેલા ચડાવવાથી કારેલાની વેલ માટે મંડપ બનાવવાનો ખર્ચ પણ તેમને નહિં કરવો પડે. તેમણે પહેલા જ્યાં ટેટીનું વાવેતર કર્યું ત્યાર પછી ત્યાં હજારીગોટાનાં ફુલનું વાવેતર કર્યું જેથી જમીન ખેડવાનો ખર્ચ બચ્યો. તે પાકનાં વાવેતરનું આયોજન જ એ રીતે કરે છે કે એક ખેડ કર્યા પછી તે જમીનમાં બે કે ત્રણ પાકનું ક્રમબધ્ધ રીતે વાવેતર કરી શકાય. આ પ્રકારની યુક્તિઓ અપનાવી તે ખર્ચમાં ઘટાડો કરે છે.

ભુતકાળમાં તેમણે મલ્ચિંગ અને ગ્રો-કવર દ્વારા કાકડી, તરબુચ, ટેટી જેવા વેલા પર થતા શાકભાજીની સાથે મરચા, રીંગણા અને ભીંડાની ખેતી કરી છે. મલ્ચિંગ અને ગ્રોકવર પધ્ધતિને કારણે તેમને ઉનાળામાં પણ સારૂ ઉત્પાદન મળી રહે છે. શાકભાજી અને સિઝનલ પાકોનાં ખેત ઉત્પાદનનાં વેચાણ દ્વારા લગભગ 6 થી 7 લાખ ચોખ્ખો નફો મેળવે છે.

ભરતભાઇની જેમ શાકભાજીની ખેતી કરતા દરેક ખેડૂત આયોજન કરે તો તે પોતાનો ખર્ચ ઘટાડી શકે છે. પાણી અને જમીનનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકે છે. અલગ-અલગ શાકભાજીનું વાવેતર કરવાથી મોટા નુકશાનથી પણ બચી શકાય છે.

આ પણ વાંચો: ખેડૂતોને રાઈસ ટ્રાન્સપ્લાન્ટર ખરીદવા સરકાર આપશે 1.50 લાખ રૂ.ની સહાય, યોજનામાં અરજી કરી મેળવો સહાય

આ પણ વાંચો: ખેડૂતોને પાવર ટીલર ખરીદવા સરકાર આપશે 50% સબસીડી, યોજનામાં અરજી કરી મેળવો સહાય