
તુલસીની જેમ જ વૈજયંતીનો છોડ પણ ધાર્મિક દૃષ્ટિએ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ છોડમાં આવતા સુંદર ફૂલો બગીચાની શોભા વધારે છે. જો તમે પણ વૈજયંતીનો છોડ તમારા ઘરમાં ઉગાડવા માંગતા હોવ તો તેના માટે કોઈ ખાસ મુશ્કેલી નથી. થોડા સરળ ઉપાય અને યોગ્ય કાળજીથી તમે તેને કુંડામાં પણ ઉગાડી શકો છો.
વૈજયંતીના ફૂલ અને તેમાંથી બનતી માળાનું ધાર્મિક મહત્વ ઘણું વધારે છે. એવી માન્યતા છે કે ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણ વૈજયંતીની માળા ધારણ કરે છે. શ્રીકૃષ્ણના મંત્રોના જાપ માટે પણ વૈજયંતી માળાને શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ માળા ધારણ કરવી પણ શુભ ગણાય છે.
વૈજયંતીનો છોડ દેખાવમાં પણ ખૂબ આકર્ષક હોય છે. તેની પાંદડીઓ પહોળી હોય છે અને તેની રચના હળદર તથા કચૂરના છોડ જેવી જોવા મળે છે. સુંદર ફૂલોને કારણે આ છોડ ઘરના બગીચા કે બાલ્કનીની સુંદરતામાં પણ વધારો કરી શકે છે.
તો ચાલો જાણીએ કે વૈજયંતીનો છોડ ઘરે ગમલામાં કેવી રીતે ઉગાડી શકાય.
વૈજયંતીના છોડ માટે એવી માટી યોગ્ય રહે છે જેમાં પાણીનો નિકાલ સારી રીતે થતો હોય. ફળદ્રુપ અને જૈવિક તત્વોથી ભરપૂર માટીમાં છોડનો વિકાસ સારો થાય છે. કુંડામાં માટી ભરતી વખતે તેમાં છાણિયું ખાતર અથવા ઉપલબ્ધ ઓર્ગેનિક ખાતર સારી રીતે મિક્સ કરી શકો છો. ધ્યાન રાખો કે માટી ખૂબ ચીકણી ન હોય અને પાણી ભરાઈ રહે તેવી સ્થિતિ ન સર્જાય.
વૈજયંતીના છોડને સૂર્યપ્રકાશની જરૂરિયાત હોય છે, પરંતુ શરૂઆતમાં તેને આખો દિવસ તીવ્ર સીધા તડકામાં રાખવાનું ટાળવું જોઈએ. કુંડાને એવી જગ્યાએ રાખી શકાય જ્યાં તેને સવાર અને સાંજનો હળવો સૂર્યપ્રકાશ મળે. પાણી આપતી વખતે પણ ખાસ કાળજી રાખવી જરૂરી છે. માટી ઉપરથી સૂકી લાગે ત્યારે જ જરૂર મુજબ પાણી આપો. માટીમાં સતત પાણી ભરાયેલું રહે તો છોડના મૂળને નુકસાન થઈ શકે છે અને મૂળ સડી જવાની સમસ્યા ઊભી થઈ શકે છે.
આ રીતે યોગ્ય માટી, પૂરતું પ્રકાશ, નિયંત્રિત પાણી અને સમયસર ખાતર આપવાથી તમે ઘરે જ વૈજયંતીનો સુંદર છોડ ઉગાડી શકો છો.
Published On - 8:03 pm, Wed, 2 September 26