પતિ દ્વારા પત્નીની હત્યાના કેસ વધી રહ્યા છે.. ત્યારે વડોદરામાં પત્નીની હત્યાની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમા વિસ્તારમાં માતા-પુત્રીના શંકાસ્પદ મોત કેસમાં ઘટસ્ફોટ થયો છે કે પતિએ જ પત્ની અને દીકરીનું કાસળ કાઢી નાખ્યું. ન્યૂ સમા રોડ ઉપર આવેલી પંચવટી સોસાયટીમાં પતિએ જ પત્ની અને પુત્રીનું ગળુ દબાવી હત્યા કર્યા બાદ ઝેર પીવડાવી દીધું હોવાની ચોંકાવનારી વિગતોનો પર્દાફાશ થયો છે.
મહિલાના ગળાના ભાગે નિશાન જણાતા પોલીસને શંકા ઉપજી હતી. પોસ્ટમોર્ટમમાં પણ ઝેરના લક્ષણો દેખાતા પોલીસની હત્યાની શંકા પ્રબળ બની હતી. જેથી પોલીસે તે દિશામાં તપાસ કરતા ઘરમાંથી ઉંદર મારવાની દવા મળી આવી હતી. પોલીસે આરોપીનો મોબાઈલ ચકાસતા તેમાં પણ ઉંદર મારવાની દવાની અસરો અંગે તેણે અભ્યાસ કર્યો હોવાની માહિતી મળી હતી.
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ આઈસક્રીમમાં ઝેર ભેળવી દીધુ હતું. ત્યારબાદ ઓશીકું મૂકીને હત્યા કરી હતી. પોલીસ તપાસમાં માતા-પુત્રીની બેવડી હત્યા પતિના અન્ય મહિલા સાથે આડા સંબંધ, ઘરજમાઇ તરીકે રહેવાની મજબૂરી તેમજ પત્નીની અજુગતી માગણીઓ જેવાં વિવિધ કારણો જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. સમા પોલીસે પત્ની અને પુત્રીની હત્યા કરીને મોતને ઘાટ ઉતારનાર પતિ સામે હત્યાનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના દાવા પ્રમાણે, પંચવટી સોસાયટીમાં રહેતો પટેલ પરિવાર પંચમહાલના નાંદરવાનો છે. જ્યારે આરોપી તેજસનું વતન ત્યાંથી 15 કિલોમીટરના અંતરે આવેલું એરંડી ગામ છે. લગ્ન બાદ તેજસ પત્નીના ઘરે ઘરજમાઇ તરીકે રહેતો હતો. તેજસને તેના સાળાએ જ નોકરી અપાવી હતી. તેજસને ઘર જમાઇ તરીકે રહેવું ગમતું ન હતું. પરંતુ, પત્નીની જીદના કારણે તેને મજબૂરીથી રહેવું પડતું હતું. પત્નીની અજુગતી માંગણીઓ વધુ પડતા ખર્ચા કરાવતી હોવાથી બંને વચ્ચે અવાર-નવાર ઝઘડા થતાં હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી પણ વિગત બહાર આવી છે કે, તેજસને અન્ય મહિલા સાથે આડાસંબંધ હોવાની જાણ થતાં ઝઘડા શરૂ થયા હતા.
પોલીસની ટીમોએ મંગળવારની મોડી રાત સુધી મહિલાનાં પતિ અને પરિવારજનોની ઝીણવટભરી પૂછપરછ કરી હતી. જેમાં તેજસ પટેલ ભાંગી પડ્યો હતો. અને પત્ની તથા પુત્રી કાવ્યાની ગળુ દબાવી હત્યા કર્યા બાદ ઉંદર મારવાની દવા પીવડાવી દીધી હોવાની કબૂલાત કરી લીધી હતી.