SURENDRANAGAR : યુવતી સાથે વાતચીત કરવામાં યુવકને મળ્યું મોત, બે હત્યારાઓ પોલીસ સકંજામાં
પોલીસ તપાસમાં આ યુવક રાજકોટ જીલ્લાના વિછીયા તાલુકાના નાના માત્રા ગામનો ઉમેશ હકાભાઇ ગરાડીયા ઉ.વર્ષ 22 હોવાનું ખુલ્યું હતું. જેથી મરણ જનાર ઉમેશના પિતા હકાભાઇએ તેમના પુત્રની હત્યા થઇ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
સુરેન્દ્રનગર જીલ્લાના ગંગાજળ ગામે એક યુવકને યુવતી સાથે વાત કરવાની મળી સજા, યુવકને લોખંડનો જાડો સળીયો અને છરીના ઘા મારી અને બે યુવકોએ મોતને ઘાટ ઉતારી ફરાર થયા હતા. પોલીસે ગણતરીની કલાકોમાં બન્ને મિત્ર હત્યારાઓને ઝડપી કાયદાનું ભાન કરાવ્યું છે.
સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા તાલુકાના ગંગાજળ ગામે એક ખેતરમાં એક યુવકની લોહીથી તરબોળ હાલતમાં કોઇએ લાશને જોતા ઘટનાસ્થળે લોકોના ટોળા ટોળા ભેગા થયા હતા. અને કોઇએ પોલીસને જાણ કરતા ધજાળા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. અને લાશનો કબ્જો લઇ અને લાશને પોસ્ટમોર્ટમ માટે સાયલા સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી. અને મરણ જનાર યુવક કોણ છે અને કોણે હત્યા કરી તેની તપાસ કરી હતી.
પોલીસ તપાસમાં આ યુવક રાજકોટ જીલ્લાના વિછીયા તાલુકાના નાના માત્રા ગામનો ઉમેશ હકાભાઇ ગરાડીયા ઉ.વર્ષ 22 હોવાનું ખુલ્યું હતું. જેથી મરણ જનાર ઉમેશના પિતા હકાભાઇએ તેમના પુત્રની હત્યા થઇ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. અને બાતમીદારોને કામે લગાડી અને હત્યારાઓ સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા હતા.
ત્યારે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાંચને આ હત્યામાં શંકમદ બે આરોપીઓની અટકાયત કરી નામ ઠામ પુછતા આરોપી (1) હરેશ મશરૂભાઇ દેરવાડીયા ઉ.વર્ષ 19 રહેવાસી- નાના માત્રા, તાલુકો વિછીયા (2) મહેશ ઉર્ફે મંગો રમેશભાઇ ઓળકીયા ઉ.વર્ષ 22 હોવાનું જણાવતા પોલીસે બન્ને આરોપીઓની આગવી ઢબે પુછપરછ કરતા બન્ને આરોપીઓ ભાંગી પડયા હતા.
બાદમાં બન્નેએ પોલીસને કબુલાત આપી હતી કે બન્નેએ સાથે મળી અને મરણ જનાર ઉમેશ રાતના સમયે વાડીની ઓરડીમાં સુતો હતો. ત્યારે બન્ને આરોપીઓએ ઉમેશ પર લોખંડની ટ્રોમી (જાડો લોખંડનો પાઇપ) અને છરીથી આડેધડ ઘા મારી અને હત્યા નિપજાવીની કબુલાત આપી હતી. અને વધુ પુછપરછમાં તેણે આ હત્યા આરોપી હરેશના દુરના સગાની દીકરી સાથે મરણ જનાર ઉમેશ વાતચીત કરતો હોઇ અને અવાર નવાર સમજાવવા છતાં યુવતી સાથે વાતચીત કરતો હોવાનું કારણ આપ્યું હતું. આ બાબતે જ બન્ને આરોપીઓએ સાથે મળી અને ઉમેશની હત્યા કરી હોવાની કબુલાત આપી હતી.
હાલ પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી અને ધજાળા પોલીસને સોંપવાની તજવિજ હાથ ધરી હતી. પરંતુ એક નવ યુવકને યુવતી જોડે વાત કરવાની સજા પોતાની જીંદગીથી હાથ ધોવાનો વારો આવ્યો હતો. જયારે બન્ને આરોપી યુવકોને યુવતી જોડે વાતચીત કરવાની બાબતમાં હત્યા કરતા હવે જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે. પરંતુ હવે કાયદો હત્યા માટે શું સજા આપે છે તે જોવું રહયું.