Surat: લૂંટ, અપહરણ સહિત અનેક ગુનાઓને અંજામ આપનાર ગાજીપરા ગેંગના ખૂંખાર આરોપી પોલીસના સકંજામાં
સુરતમાં ખંડણી, અપહરણ, લૂંટ, ખુનની કોશીશ, ગુનાહિત ધમકી, તથા આર્મ્સ એકટ જેવા ગંભીર પ્રકારના ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરતી ગાજીપરા ગેંગના કુખ્યાત આરોપીઓને સુરત શહેર ક્રાઈમબ્રાંચે ઝડપી પાડ્યા છે.
Surat: સુરતમાં ખંડણી, અપહરણ, લૂંટ, ખુનની કોશીશ, ગુનાહિત ધમકી, તથા આર્મ્સ એકટ જેવા ગંભીર પ્રકારના ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરતી ગાજીપરા ગેંગના કુખ્યાત આરોપીઓને સુરત શહેર ક્રાઈમબ્રાંચે ઝડપી પાડ્યા છે. સુરત શહેરમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરતી ગાજીપરા ગેંગના આરોપીઓએ પોતાનુ નેટવર્ક ઉભુ કરી પોતાની ટોળકીના સાગરીતો દ્વારા ગુનાઓ આચરવામાં આવતા હતા.
સુરત શહેરમાં ઘણા સમયથી અલગ અલગ વિસ્તારોમાં નાની નાની ગેંગ મોટું સ્વરૂપ ધારણ કરી રહી હતી જેથી સરકાર દ્વારા નવા લવામાં આવેલ ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ એકટ મુજબ ગુના નોંધવાનું કામ સુરત પોલીસ દ્વારા શરૂ કરાયું હતું. જેમાં સુરત પોલીસ દ્વારા અત્યાર સુધી કુલ 5 જેટલા ગુજકિટોકના ગુનાઓ નોંધાઈ ચુક્યા છે.
આ ગેંગ દ્વારા શહેરમાં ખુનની કોશીષ, અપહરણ, લૂંટ, ખંડણી ગુનાહિત ધમકી, તથા આર્મસ એકટ મુજબના ગુનાઓ કર્યા હોવાનું સામે આવ્યું છે. હાલ સુધીમા પણ આરોપીઓએ તેઓની આ પ્રવૃત્તિઓ ચાલુ રાખેલી હતી તેમજ આ ટોળકીની ગુનાહિત પ્રવૃતિઓ છેલ્લા દસ વર્ષમાં પણ સતત ચાલતી આવતી હતી. આ પ્રવૃત્તિઓ હાલમાં પણ ચાલુ હોવાથી ગેંગના આરોપીઓ વિરૂધ્ધમા ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ એકટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ ગુના પોલીસે મુખ્ય આરોપી વિપુલ ડાહ્યાભાઇ ગાજીપરા, ડેનીશ ઉર્ફે નાનો ઉર્ફે ડેનીયો રમેશચંદ્ર બિલાડાવાળા, અલ્તાફ ગફુરભાઇ પટેલ સહિત સાગરીતો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં કેટલાક આરોપી પકડાઈ ચુક્યા હતા અને ગેંગના મુખ્ય આરોપીઓ ઘણા સમયથી ભાગતા ફરતા હતા જેથી સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા ક્રાઈમ બ્રાન્ચને ફરાર આરોપીને પકડવા સૂચન કરવામાં આવ્યું હતું.
જે બાદ તાત્કાલિક ક્રાઈમ બ્રાન્ચની ટિમ કામે લાગી હતી. પીએસઆઈ રાઠોડની ટીમને બાતમી મળી હતી કે, ગીર સોમનાથ જીલ્લાના હળમતિયા ગામની સીમમા આવેલ ફાર્મ હાઉસમાંથી આરોપી વિપુલ ડાહ્યાભાઇ ગાજીપરા અને ડેનીશ ઉર્ફે નાનો ઉર્ફે ડેનીયો રમેશચંદ્ર બિલાડાવાળા છુપાયેલા છે જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બંનેની ધરપકડ કરી છે.
મહત્વનું છે કે, આરોપી વિપુલ ડાહ્યાભાઇ ગાજીપરા સામે ચોકબજારમાં 1 ગુનો, કાપોદ્રામાં 6 ગુના, રાંદેર પોલીસ સ્ટેશનમાં 2 ગુના, વરાછામાં 2 ગુના, લાલગેટ અને સરથાણામાં એક એક ગુના નોંધીઈ ચુક્યા છે. જ્યારે બીજો આરોપી ડેનીશ ઉર્ફે નાનો ઉર્ફે ડેનીયો રમેશચંદ્ર બિલાડાવાળા (ખત્રી) સામે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં 6 ગુના, લાલગેટમાં 1 ગુનો, સરથાણામાં 2 ગુના, વરાછામાં 1 ગુનો, ખટોદરામાં 1 ગુનો નોંધાયેલો છે.